ગુજરાતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે થયું છે ક્રોસ વોટિંગ
ગુરુવારે, રામનાથ કોવિંદ ભારે વોટ સાથે ભારતના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇને આવ્યા છે. ત્યારે આંકડાઓના ગણિતને સમજતા તે વાત બહાર આવી છે કે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના પ્રતિસ્પર્ધીના બદલે ભાજપને વોટ આપ્યો છે. આ જ કારણ છે કે રામનાથ કોવિંદને 65.65% વોટ સાથે જીત મળી છે. નોંધનીય છે કે ગુજરાતમાં 182 એમએલએ અને એમપી છે. તેમાંથી ટોટલ 181 સભ્યોએ મતદાન કર્યું છે અને આ ચૂંટણીમાં ભાગ લીધો છે. જો કે મીરા કુમારને ગુજરાતમાં થયેલી ચૂંટણીમાંથી ખાલી 49 જ વોટ મળ્યા છે. અને ભાજપના રામનાથ કોવિંદને 131 સભ્યોએ ગુજરાતમાંથી વોટ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે 182માંથી જનતા દળના છોટુ વસાવાએ મતદાન ના કરતા 181 સભ્યોએ જ વોટિંગ કર્યું હતું. સાથે જ કોંગ્રેસના કુલ 57 ધારાસભ્યોએ આ ચૂંટણીમાં વોટિંગ કર્યું હતું. ત્યારે મનાઇ રહ્યું છે કે કોંગ્રેસના મોટો નેતા શંકર સિંહ વાઘેલા સમેત એનસીપી અને કોંગ્રેસના અન્ય કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જો કે આ વાત પુરવાર થઇ તો કોંગ્રેસ દ્વારા આ બાગી ધારાસભ્યો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી શકે છે. ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખાલી ગુજરાત જ નહીંં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ક્રોસ વોટિંગ થવાની જાણકારી મળી છે.