ગુજરાતની જનતાને ધીરે-ધીરે ગમી રહ્યા છે કોંગ્રેસના આ યુવરાજ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે જે એક વાત ઉડીને આંખે વળગી રહી છે એ છે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. 'યુવરાજ' તરીકે પંકાયેલા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી આ છબિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતી અને હવે તેઓ આ પ્રયત્નમાં સફળ પણ થઇ રહ્યાં છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા ધીરે-ધીરે વધી રહી છે. વિવિધ ચૂંટણી પ્રચારો, ભાષણ, તેમની રીત-ભાતો વગેરે માટે અનેક વાર તેમની મજાક ઉડાવવામાં આવી છે. રાજકારણીય ક્ષેત્રે સોશિયલ મીડિયા પર સૌથી વધારે જોક્સ ફરતા થયા હોય એવા નેતાઓમાં રાહુલ ગાંધીનું નામ આવે છે. આમ છતાં, હિંમત હાર્યા વગર તેઓ સતત પોતાના કામને વળગી રહ્યાં છે અને આ વાતે લોકોના મનમાં તેમના પ્રત્યે કેટલેક અંશે આદરભાવ ઊભો કર્યો છે. રાહુલ ગાંધી શું કહેવા માંગે છે, એમાં લોકોને રસ પડ્યો છે. ચૂંટણી પ્રચાર સમયે તેમના ભાષણમ ઉમટતી ભીડ અને હાલના જ ભરૂચના રોડ શોમાં જોવા મળે ભીડ આ વાતનો પુરાવો છે.

Rahul Gandhi

કોંગ્રેસ યુવા નેતા તરીકે જે રાહુલ ગાંધીનો વર્ષોથી પ્રચાર કરી રહ્યું છે, એ યુવા નેતા હવે આખરે યુવરાજની છબિમાંથી ડોકિયું કાઢીને પ્રજા સામે જોઇ રહ્યો છે. આજથી થોડા મહિના પહેલાં જ જ્યારે રાહુલ ગાંધી પૂર પીડિતોને મળવા ઉત્તર ગુજરાતના ગામોમાં પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આમ છતાં, રાહુલ પોતાના પ્રયત્નો ક્યાંય પાછળ પડતા દેખાયા નથી. એનું જ પરિણામ છે કે, જે લોકો એક વખત રાહુલ ગાંધીની મજાક ઉડાવતા હતા, આજે તેમની સાથે સેલ્ફી પડાવવા ઊભા રહે છે. રોડ શો દરમિયાન જિદ્દી યુવતી સાથે સેલ્ફી પડાવવાની વાત હોય કે વાપીમાં સામાન્ય હોટલમાં બેસી લોકો સાથે ખીચડી-કઢી ખાવાની વાત હોય, રાહુલ ગાંધીએ સમાચારમાં અને લોકોના મનમાં સ્થાન મેળવવાના રસ્તા શોધી લીધા છે. લોકો પહેલા પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવતા હતા, પરંતુ ગુજરાતમાં તેમનું આટલું માન નહોતું, આ પરિસ્થિતિ ધીરે-ધીરે બદલાઇ છે.

Rahul

ટ્વીટર પર પણ રાહુલ ગાંધીની સ્ટ્રેટેજીમાં ખાસું પરિવર્તન જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે ટ્વીટર જોઇ કર્યું ત્યારે તેઓ એટલા સક્રિય નહોતા, આજે તેમણે કુલ ટ્વીટની સંખ્યમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓને માત આપી છે. હાલના રાહુલ ગાંધીના ટ્વીટ મોટેભાગે રસપ્રદ વન લાઇનર્સ સમાન હોય છે, જે લોકોને ખૂબ પસંદ પડે છે અને અનેકવાર રિટ્વીટ પણ થાય છે. આ કારણે જ એવો પ્રશ્ન પણ થયો હતો કે, રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ કોણ હેન્ડલ કરે છે? એના જવામાં રાહુલે પોસ્ટ કરે રમૂજી વ્યંગાત્મક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ભાજપ દ્વારા બનાવવામાં આવેલ 'યુવરાજ'ની છબી તોડવામાં તેઓ ધીરે-ધીરે સફળ થતાં દેખાઇ રહ્યાં છે.

English summary
Congress VP Rahul Gandhi has transformed a lot. Have people of Gujarat found a new and fresh leader in him?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.