
Rahul Vs Modi : ભાભરમાં PM મોદી અને છોટાઉદેપુર રાહુલ શું બોલ્યા જાણો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા ચરણનું મતદાન જ્યાં શનિવારથી શરૂ થવાનું છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને આજે ગુજરાતમાં છે. અને બપોરે 1 વાગે જ્યાં એક તરફ બનાસકાંઠાના ભાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધી રહ્યા હતા ત્યાં જ બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છોટાઉદેપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા. આ પ્રસંગે અનાયાસે બંન્ને જણા એક બીજા પર ચૂંટણી પહેલા પ્રહારો કરી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સભામાં શું કહ્યું જાણો અહીં...

પીએમ મોદી
ભાભરમાં પીએમ મોદીએ કહ્યું કે પાટણ અને બનાસકાંઠાના લોકો કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો તફાવત જાણે છે. જ્યારે અહીં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ બેંગલુરુમાં ઢીલું મૂકી દીધું હતું, જ્યારે ભાજપના નેતાઓ લોકો સાથે કામ કરતા હતા, રાહત કામગીરીમાં મદદ કરતા હતા. સાથે જ પૂર યાદ કરી પીએમ એ કહ્યું કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિમાં ભાજપના લોકો કમર સુધી પાણીમાં ફરી ફરીને સેવા કરતા હતા ત્યારે કોંગ્રેસવાળા બેંગાલુરુમાં સ્વિમિંગ પુલમાં હિલોળા લેતા હતા.

રાહુલ ગાંધી
તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ છોટાઉદેપુરમાં પીએમ મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે મોદીજી જાદુગર છે, તે જાદુગર જેવું કરે છે. કાળુ ધન સફેદ કરી નાખ્યું અને ગબ્બર સિંઘ ટેક્સ લાગુ કરી દીધો. રાહુલે કહ્યું કે ગુજરાતનો કિસાન રડે છે, દેવા માટે માફી માંગે છે, પણ જેટલીજી કહે છે આ અમારી પોલીસી નથી. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ચૂંટણી જીતશું તો દસ દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ કરવાની પોલીસી બનાવીશું

મણિશંકર પર મોદી
ભાભરની સભામાં પીએમ મોદીએ ફરી મણિશંકર મુદ્દે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યર જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો એ પછી એ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં મિટીંગ કરીને ચર્ચા કરે છે કે હવે મોદી આવી ગયા છે તો જ્યાં સુધી એમને રસ્તામાંથી નહીં હટાવો તો ભારત-પાકિસ્તાનના સંબંધો નહીં સુધરે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ચૂંટણીના વરતારા કરે છે એ લોકો જરા અહીંયાં આવીને ડોકીયું કરે તો ખબર પડે કે 18 મી તારીખે શું થવાનું છે?

મોદી મોડેલ પર રાહુલ
રોજગારી અને શિક્ષણ પર બોલતા રાહુલે તેમની જનસભામાં કહ્યું કે ગુજરાતમાં જો દીકરાને એન્જીનીયર બનાવવા માંગે તો ડોનેશન આપવું પડે. ટાટાએ અહીં બેઠેલામાંથી કોઈને રોજગાર આપ્યો? વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી પાર્ટી વર્સીસ પાર્ટીનો નથી, આ ચૂંટણી ગુજરાતની જનતાનો ચુનાવ છે, આ ચૂંટણી યુવા માટે કિસાન માટે મહિલાઓ માટે છે. સાથે જ તેમણે આ સભામાં જીતવાની પણ આશા વ્યક્ત કરી હતી.

વિકાસ પર મોદી
તો બીજી તરફ ભાભરમાં નર્મદાના પાણી લાવ્યા જેવા વિકાસના કામ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આ ખેતર લીલુછમ દેખાય તો એની સાથે કમળ દેખાવું જોઈએ કારણ કે આ કમળ હતું તો આપણું ખેતર લીલુછામ થયું. જે કેમિકલ ફેક્ટરીઓમાં મફતના ભાવે યુરિયા જતું હતું અને જે લોકો 5 ના 25 કરતા હતા એ બધાની દુકાનો બંધ થઈ ગઈ તો મોદી એમને ગમે ખરો?

રાહુલ, શૂટ-બૂટની સરકાર
તો બીજી તરફ છોટાઉદેપુરમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે અહીં માળખાકીય સુવિધા પણ નથી આપી આ સરકારે. બીજેપી અમારા માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અમે કહ્યું પીએમ દેશના પીએમ છે તેમના હોદ્દાની મર્યાદા અમે રાખીએ છીએ, અમે કોઈ ખોટી વાત નહિ કરીએ. 28 ટકા તમારા ખિસ્સામાંથી નીકળીને ઉદ્યોગપતિના ખિસ્સામાં જશે અમે વિરોધ કર્યો. સાથે જ જય શાહને યાદ કરતા રાહુલે કહ્યું કે GST થી જ્યાં કંપનીઓ બંધ થાય છે ત્યારે એક એવી કંપની બહાર આવી જે 50 હજારની સામે કરોડોનો નફો કર્યો, જય શાહ ની કંપની.