સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર
ગાંધીનગર: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાનો ઓટલો એટલે કે સતાધાર ધામ તેના સંધ્યા આરતીના દર્શન માટે વિખ્યાત છે. આપા ગીગાનું આ 'પવિત્ર સ્થળ' હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યું છે. સતાધાર ધામ સંધ્યા આરતીની પવિત્ર જ્યોતની સાથે સાથે આત્મનિર્ભરતાની જ્યોત પણ પ્રજ્વલિત કરી રહ્યું છે.
સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી વધુ ક્ષમતા વાળો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. હાલમાં અહીં દૈનિક 85 ઘનમીટરની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ ચાલુ છે અને અન્ય બે (દૈનિક 85 ઘનમીટર) નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

સતાધાર ધામમાં એક હજાર ગાયો છે. નોંધનીય બાબત એ છે કે અહીં શ્રદ્ધાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, જ્યાં દરરોજ સરેરાશ 10,000 લોકોને સાત્વિક ભોજન-પ્રસાદ મળે છે. આ રસોડાને ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉત્પન્ન કરવા માટે દરરોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.
સંસ્થાના સંચાલકોએ જણાવ્યું હતું કે જ્યારે બાયોગેસની વ્યવસ્થા નહોતી, ત્યારે રસોઈ બનાવવા માટે લાકડાના ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના માટે દરરોજ 800થી 900 કિલો લાકડાનો વપરાશ થતો હતો. જ્યારે રસોઈ માટે સિલિન્ડરનો ઉપયોગ થતો હતો, ત્યારે દરરોજ સરેરાશ 10થી 15 સિલિન્ડર વપરાતા હતા.
સતાધારના મહંત વિજયબાપુએ જણાવ્યું હતું કે, "અમે અહીં રસોઈ બનાવવાના મામલે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ અને ભોજન તૈયાર કરવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની કૃષિ પ્રવૃત્તિઓમાં જૈવિક ખાતર તરીકે કરવામાં આવે છે."
ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GEDA) દ્વારા 'સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના' હેઠળ સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામને પણ આ સહાયનો લાભ મળ્યો છે.
ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટો પાસે મોટા પાયે પશુધનની સાથે સાથે કૃષિ અવશેષો અને રસોડાનો કચરો ઉપલબ્ધ હોય છે. આ તમામ જૈવિક પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) બાયોગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે રસોઈ માટે સસ્તું બળતણ પૂરું પાડે છે. સાથે જ, આ પ્રક્રિયા બાદ મળતી આડપેદાશ 'સ્લરી' ઉત્તમ નાઈટ્રોજનયુક્ત જૈવિક ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી સાબિત થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઉર્જાના ઉપયોગના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે.
રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાઓને ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનાવવી, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
આ યોજના હેઠળ 25, 35, 45, 60 અને 85 ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર બિન-લાભકારી સંસ્થાઓને 50 ટકા સુધીની સહાય આપે છે, જેથી વધુને વધુ સંસ્થાઓ સ્વચ્છ ઉર્જા અને જૈવિક ખેતીની દિશામાં આગળ વધી શકે.
રાજ્યમાં 193થી વધુ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ રૂ. 12 કરોડની જોગવાઈ કરી છે, જેમાંથી અંદાજે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાના અમલીકરણ માટે વર્ષ 2025-26 દરમિયાન કુલ 15 એજન્સીઓને સૂચિબદ્ધ (list) કરવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન, છેલ્લા પાંચ વર્ષમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા દૈનિક 13,955 ઘનમીટર છે.
આગામી વર્ષ 2026-27 માટે પણ સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ રૂ. 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના હેઠળ 60 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની યોજના છે.












Click it and Unblock the Notifications
