ગુજરાત હાઇકોર્ટ આવી વાલીઓની પડખે, વાલીઓએ કરી ઉજવણી
મસમોટી ફીના મુદ્દે હાઇકોર્ટ વાલીઓની પડખેઃ શાળા સંચાલકોને કહ્યું કાયદા મુજબ લે ફી. વાલીઓ ફટાકડા ફોડી કરી ઉજવણી.
બેફામ ફી વસૂલતી સ્કૂલો પર લગામ કસવા ગુજરાત સરકારે બનાવેલા ફી નિર્ધારણના કાયદાને રદ્દ કરવાનો હાઈકોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કોર્ટના આ ચુકાદાથી મધ્યમ વર્ગના એ તમામ વાલીઓને મોટી રાહત મળી છે કે જેઓ સ્કૂલોની મોંઘીદાટ ફી ભરી શકવા સક્ષમ નથી. આ કાયદા સામે કેટલીક સ્કૂલોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે, આ કાયદાથી બંધારણનું હનન નથી થયું અને કાયદો તેની રીતે બિલકુલ યોગ્ય છે. ફી નિર્ધારણ કાયદાને બહાલી આપતા હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, સ્કૂલો નફાખોરી કરી શકે નહીં. આ ઉપરાંત, તેના પર સ્ટે આપવાનો પણ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ કાયદો 2018થી લાગુ પડશે. કોર્ટે આપેલો આ ચુકાદો શાળાના સંચાલકો માટે આંચકા સમાન મનાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, આ વર્ષે ગુજરાત સરકારે ફી નિર્ધારણ કાયદો વિધાનસભામાં પસાર કર્યો હતો, જેને ગવર્નરે પણ મંજૂરી આપી દીધી હતી. જોકે, પ્રાઈવેટ સ્કૂલોએ તેનો અમલ કરવામાં વાંધો વ્યકત કર્યો હતો. કેટલીક સ્કૂલોએ આ કાયદા અનુસાર ફી લીધી હતી, પરંતુ તેનો અમલ ન કરી તેનો વિરોધ કરનારી સ્કૂલોની સંખ્યા પણ મોટી છે. આ કાયદા અનુસાર, પ્રાથમિક શાળાઓની વાર્ષિક ફી 15000 રૂપિયા, માધ્યમિક શાળાની ફી 25000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ફી રૂ. 27000થી વધારે રાખી ન શકાય. આ કાયદાનો ભંગ કરનારી સ્કૂલોને પાંચ લાખ રુપિયાના દંડની પણ જોગવાઈ છે.
જે પણ શાળાઓ કાયદામાં નક્કી કરાયેલી ફી કરતા જો વધારે ફી લેવા માગતી હોય તો તેમણે રાજય સરકારે નક્કી કરેલી ફી નિર્ધારણ કમિટિ સમક્ષ પોતાની રજૂઆત કરી પોતે ફી કેમ વધારે લેવા માગે છે તે અંગે વિસ્તૃત અહેવાલ આપવાની જોગવાઈ પણ આ નિયમમાં છે. જોકે, ફી નિર્ધારણ કમિટિ સમક્ષ જવાને બદલે 450 જેટલી સ્કૂલોએ હાઈકોર્ટમાં તેની સામે અપીલ કરી હતી. કોર્ટમાં જનારી સ્કૂલોનો દાવો હતો કે, આ કાયદો શાળાઓની શાળા ચલાવવાના વ્યવસાયની સ્વાયતતા અને મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. પીટીશનોમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે CBSE સંચાલિત શાળાઓને આ કાયદા હેઠળ આવરી લેવાનો વિષય રાજય સરકારની સત્તાની બહારનો હોવાથી તે ગેરબંધારણીય છે.
ગુજરાત હાઈકોર્ટે આખરે ફી નિયમન અંગેના સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વાલીઓને રાહત આપતા નિર્ણય કર્યો છે કે, ગુજરાત સરકારે જે ફી નિયમનનો કાયદો બનાવ્યો છે, તે ખાનગી શાળાઓએ માન્ય રાખવો પડશે. રાજ્યમાં 9384 ખાનગી શાળાઓ, 3831 માધ્યમિક શાળાઓ અને 3032 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ. ગુજરાતમાં 9000કરતાં વધુ ખાનગી શાળાઓ છે. ફી નક્કી કરવા માટે આ બિલ હેઠળ ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી, રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર વિભાગમાં રહેશે..આ કમિટીની આગેવાની નિવૃત્ત જિલ્લા જજ અથવા તો પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાના નિવૃત્ત આઈએએસ અધિકારી અથવા તો એડિશનલ ડીજીપી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી કરશે.












Click it and Unblock the Notifications
