For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂત્રો બદલાયાં પણ મોદી અને તેમની મહત્વકાંક્ષા બદલાયાં?

|
Google Oneindia Gujarati News

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની જંગમાં આર-પારની લડાઇ છેડી દીધી છે. ચૂંટણીને રસપ્રદ અને નવીન સ્વરૂપ આપવા માટે આ વખતે જાહેરખબરોનો કડક તડકો લગાવવામાં આવ્યો છે. પ્રિન્ટની સાથે ટેલિવિઝન અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા પ્રચાર અને તે માટેની જાહેરખબરોમાં એક બાબત ધ્યાન ખેંચે છે તે છે સ્લોગન્સ.

ekmat-gujarat-poster

ગુજરાતની ચૂંટણીમાં સત્તા પક્ષ અને વિપક્ષ મતદારો સમક્ષ પોતાના પાંચ વર્ષના લેખાં જોખાં રસપ્રદ રીતે રજૂ કરવા માટે સ્લોગન્સનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેને સફર જોઇએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002, લોકસભા ચૂંટણી 2004, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007, લોકસભા ચૂંટણી 2009 અને હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન તેમના સ્લોગનમાં સતત નવીનતા તો જોવા મળી છે પણ તેમની એક મહત્વકાંક્ષા તેમાં સતત છલકતી જોવા મળે છે. આ મહત્વકાંક્ષા છે હંમેશા બહુમતી મેળવી ભાજપને સત્તા પર લાવવી.

આપણું ગુજરાત આગવું ગુજરાત :
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ચૂંટણી લડવા માટે ભાજપ વતી "આપણું ગુજરાત આગવું ગુજરાત" સૂત્ર આપ્યું હતું. આ સૂત્રમાં ગુજરાતને આગવું બનાવવાની મહત્વકાંક્ષા અંગે વાત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને સત્તા ઉપર આવ્યાને વધારે સમય થયો ન હતો.

વાયબ્રન્ટ ગુજરાત :
નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં વાયબ્રન્ટ ગુજરાતનો મુદ્દો નરેન્દ્ર મોદીએ લોકપ્રિય બનાવ્યો. "વાયબ્રન્ટ ગુજરાત"ના સ્લોગન સાથે નરેન્દ્ર મોદી ગુજરાતના કોઇ એક ક્ષેત્ર નહીં પણ તમામ ક્ષેત્રોમાં વિકાસની મહત્વકાંક્ષાને દર્શાવતું હતું.

ગુજરાતનો વિકાસ ભારતનો વિકાસ :
ગુજરાતના વિકાસના આંકડાઓ અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની પ્રગતિના અહેવાલો આવવા લાગ્યા. અનેક બાબતોમાં ગુજરાત અવ્વલ નંબરે આવ્યું. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ઔદ્યોગિક રોકાણમાં ગુજરાતે અન્ય રાજ્યોને ઘણાં પાઠળ છોડી દીધા. નરેન્દ્ર મોદીએ આ મુદ્દો આગળ કરી સમગ્ર દેશનું ધ્યાન ખેંચવા સૂત્ર આપ્યું "ગુજરાતનો વિકાસ ભારતનો વિકાસ". આ સ્લોગનના કારણે નરેન્દ્ર મોદી ચર્ચામાં રહ્યા હતા.

સદભાવના મિશન :
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2009ની ચૂંટણીના પરિણામો જોયા બાદ લાગ્યું કે માત્ર હિન્દુત્વને આગળ લઇને વધીશું તો ગુજરાતમાં લાંબો સમય ભાજપનું શાસન ટકાવી રાખવું મુશ્કેલ છે. આ કારણે તેમણે લઘુમતીઓને પણ સાથે લેવાની ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશને તેમણે "સદભાવના મિશન" નામ આપ્યું. આ મિશનમાં તેમને સફળતા પણ મળી. જો કે તેમની આ સફળતા મતબેંકમાં ફેરવાશે કે નહીં તે અલગ મુદ્દો છે.

સૌનો સાથ સૌનો વિકાસ :
મોદીના "સદભાવના મિશન" મિશન બાદ તેમના પર વોટ બેંકને આકર્ષવાની રાજકીય રમતના લાગેલા આક્ષેપોને દૂર કરવા માટે નરેન્દ્ર મોદીએ નવું સૂત્ર આપ્યું. આ સૂત્ર કોઇ ચોક્કસ ધર્મ કે જાતિ કે જ્ઞાતિને નહીં પણ તમામ લોકોને સાથે લઇને આગળ વધવાના ગુજરાત સરકારના પ્રયાસને ઝળકાવે છે. તેમણે આ માટે "સૌનો સાથ સૌનો વિકાસ" સૂત્ર આપ્યું.

એકમત ગુજરાત બને ભાજપ સરકાર :
હવે સૌના સાથે અને સૌના વિકાસની વાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ નવો ટ્રેક પકડ્યો છે. તેઓ ગુજરાતમાં ફરી ભાજપની સરકાર રચવાની અપીલ કરી રહ્યા છે. આ માટે તેમણે "એકમત ગુજરાત બને ભાજપ સરકાર"નું સૂત્ર આપ્યું છે. આ સૂત્રને લોકપ્રિય બનાવવા માટે તમામ પ્રકારના પ્રચાર માધ્યમો પર જાહેરાત કરવામાં આવી રહી છે. જોવાનું એ રહે છે કે મતદારો મોદીના સૂત્ર પર એકમત થાય છે કે નહીં.

English summary
Slogans changed, but Modi and his ambition changed?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X