For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકાર ચોટીલામાં 5 કરોડના ખર્ચે મેઘાણી સ્મારકનું નિર્માણ કરશે!

રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ સાથેજ ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું ખાતમૂર્હત પણ કરાયું છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ સાથેજ ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું ખાતમૂર્હત પણ કરાયું છે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની જન્મ ભૂમિ ચોટીલામાં મેઘાણી સ્મારક મ્યુઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડની ફાળવણી કરી છે.

Zaverchand Meghani

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું કે, મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ વર્ષે દેશ આઝાદીના ૭૫મા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે જન ઉમંગથી ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય જન-જનમાં નવી રાષ્ટ્રીય ચેતના, સ્ફુરણા પ્રેરિત કરશે. આઝાદી મેળવવા જે શહીદો એ બલિદાન આપ્યા તેમના માં ભારતીને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ કસુંબલ રંગેના અનેક કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને પત્રકાર, લોક સાહિત્યકાર, નેસડા, ગામડા ખૂંદી વળીને ઇતિહાસ બહાર લાવનાર સાહિત્ય સર્જક ગણાવતા ઉમેર્યું કે, તેમના સાહિત્ય સહિત ગુજરાતી સાહિત્યને દેશના સીમાડા ઓળંગી વિશ્વમાં જન જન સુધી પહોંચાડવાની આપણી પ્રતિબદ્ધતા જ એમને સાચી શ્રદ્ધાંજલિ લેખાશે.

સાહિત્ય અકાદમી અધ્યક્ષ વિષ્ણુ પંડયાએ સૌને આવકારી સમગ્ર આયોજનની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ, મેઘાણી ૧૨૫મી જન્મ જ્યંતી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું શિલાન્યાસ જેવી ઐતિહાસિક ઘટનાનો ત્રિવેણી સંગમ થયો છે. સાહિત્ય અકાદમી દ્વારા ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે રહીને દેશ-વિદેશના સાહિત્યકારો સાથે સંવાદ યોજવામાં આવ્યો છે. તેમજ ૫૦ સ્થળો ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ઝવેરીચંદ મેઘાણીથી સુરેશ જોષી સુધીના સાહિત્યકારોની વાંચન માળા રચવામાં આવી છે. ૫૦ ટકા વળતર આપી પુસ્તકનું વેચાણ કરવામાં આવે છે. સાહિત્યક્ષેત્રે મહત્વનું ખેડાણ કરનાર સાહિત્યકારોનું ગૌરવ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે. આ પુરસ્કાર આજે ગુજરાતનું નોબલ પ્રાઈઝ કહેવામાં આવે છે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં મધુરાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં ઉજમભાઇ પટેલ અને ડૉ. અંજના સંધીર, સિંધી સાહિત્ય અકાદમીમાં છતો થધોમલ જ્ઞાન ચંદાણી અને મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં કાનજી મહેશ્વરી રીખિયો અને રમેશ ભટ્ટ રશ્મિને એનાયત કરવામાં આવ્યો છે. યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રશાંત પટેલ અને રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં રાજવી ઓઝા અને સિંધી સાહિત્ય અકાદમીમાં નયના સુરેશકુમાર રાવલાણી તથા નિશા ચાવલાને એનાયત કરવામાં આવ્યો છે. તેમજ વેદ-શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ગોવિંદભાઇ એન ત્રિવેદી (ઋગ્વેદ) અને જયદેવ અરુણોદય જાની (શુક્લ યજર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ મેઘાણી, રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી. સોમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પી.આર. જોષી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ,લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, કિંજલ દવે અને અમિતા પટેલ સહિત અનેક ગુજરાતના લોકસાહિત્યકારો, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
The state government will construct a Meghani monument at a cost of Rs 5 crore in Chotila!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X