
ચિલોડાથી ગાંધીનગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો પ્રારંભ!
ગાંધીનગર જિલ્લામાં આજથી ૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરશે. રાજ્યના પ્રોટોકોલ, ઉદ્યોગ, સહકાર અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સાંજે ૫.૦૦ કલાકે ચિલોડાથી ગાંધીનગર જિલ્લાની વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવશે.
આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના ૫,૬૯૫ લાભાર્થીઓને ૯.૫૦ કરોડથી વધુ રકમની સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. વંદે ગુજરાત વિકાસયાત્રાના ૧૫ દિવસ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ૪.૩૮ કરોડના ૨૨૬ કામોનું લોકાર્પણ કરાશે અને ૨.૭૮ કરોડના ૧૧૭ નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને ગાંધીનગરના શહેરી વિસ્તાર તથા ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ વિસ્તારોમાં એક રથ પરિભ્રમણ કરશે. ગાંધીનગર જિલ્લાના ચિલોડાની સાથોસાથ કલોલ તાલુકાના ગોલથરા ગામેથી પણ વંદે ગુજરાત વિકાસયાત્રાનો આરંભ થશે. વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.