સોમનાથમાં "વંદે સોમનાથ કલા મહોત્સવ": ભક્તિ અને કલાનું દિવ્ય મિલન
સોમનાથ, 22 જુલાઈ 2025: સોમનાથ મહાદેવની પવિત્ર પાવન ભૂમિએ ફરી એકવાર કલા અને સંસ્કૃતિના આધ્યાત્મિક રંગોથી રોશન થઈ છે. "વંદે સોમનાથ કલા મહોત્સવ"ના બીજા ચરણે સોમનાથ તીર્થની વૈભવી કલાત્મક પરંપરાને ફરી જીવન મળ્યું છે. આ મહોત્સવ શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે.

મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સોમનાથ તીર્થના વૈદિક અને ઐતિહાસિક વારસાને ફરીથી જીવંત બનાવવો, જ્યાં અગાઉ હજારો નૃત્યાંગનાઓ નૃત્ય દ્વારા ભગવાન સોમનાથની આરાધના કરતી હતી. આજે પણ એ પરંપરાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય અને રાષ્ટ્રભરના પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ નૃત્યકળાઓ રજૂ કરવામાં આવી રહી છે.
આ વખતે મહોત્સવ દરમિયાન ચોપાટી ગ્રાઉન્ડ અને સમુદ્રદર્શન પથ પર ભારતીય શાસ્ત્રીય નૃત્ય જેમ કે ભરતનાટ્યમ, કથક, તેમજ ગુજરાતના લોકનૃત્ય જેમ કે હુડો અને રાહડો જેવી ભવ્ય નૃત્યપ્રસ્તુતિઓ થઈ. કલાપ્રેમીઓ અને દર્શકોની ઊંડી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહી અને ભાવનાપૂર્ણ બનાવી દીધો.
મહોત્સવમાં રેમાં શ્રીકાંત અને તેમના વડોદરાની ecpa ફાઉન્ડેશનના શિષ્યો દ્વારા ભારત નાટ્યમ, સોનલ શાહના માર્ગદર્શન હેઠળ હુડો-રાહડા, તેમજ ગાર્ગી બ્યાબર્તી, દેવાંશી દેવગૌરી અને દેવિકા દેવેન્દ્ર દ્વારા કથક નૃત્યની સુંદર રજૂઆત થઈ. દરેક કલાકરનું સન્માન કરીને શ્રી સોમનાથ મહાદેવનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો.
આગામી શ્રાવણ માસ દરમ્યાન, 18 ઓગસ્ટ 2025 સુધી, દરેક સોમવારે દેશભરના ખ્યાતનામ કલાકારોની પર્વરૂપ રજૂઆતો થશે. મહોત્સવ "વંદે સોમનાથ" માત્ર કાર્યક્રમ નહીં, પણ એ છે એક પ્રયાસ - જે સોમનાથની કલા, ભક્તિ અને પરંપરા ફરીથી જીવંત બનાવે છે.












Click it and Unblock the Notifications
