For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર કોણે લીક કર્યું હતું? BBC TOP NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર કોણે લીક કર્યું હતું? BBC TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ.ના ત્રીજા સેમેસ્ટરનું અર્થશાસ્ત્રનું પેપર એક ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓના વૉટ્સઍપ ગ્રૂપમાં વાઇરલ થયું હતું.

રાજકોટના ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે પેપર લીક મામલે છ લોકોની ધરપકડ કરી છે.

ડીસીપી જાડેજાએ વધુમાં કહ્યું કે બાબરાની લૉ કૉલેજના પ્રિન્સિપાલ કુરેશીએ પારસ રાજગોરને પેપર આપ્યું હતું. એમાં રાહુલ પંચાસરા નામના ક્લાર્ક અને રસોઈયા ભીખુ સંડોવાયેલા છે. કૉલેજના ત્રણ કર્મચારી અને ત્રણ વિદ્યાર્થી સહિત છની ધરપકડ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

જાડેજાએ જણાવ્યું કે પોલીસે છ ટીમ બનાવીને 100 લોકોની પૂછપરછ કરી હતી.

યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. નીતિન પટેલે આ મુદ્દે પત્રકારપરિષદ ભરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, 'આ પેપર અમદાવાદસ્થિત સૂર્યા ઑફસેટ ખાતે છાપવામાં આવ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે કંપની એલ-વન (ટૅન્ડરપ્રક્રિયા દરમિયાન નિર્ધારિત કામ કરવા માટે સૌથી ઓછી રકમ માગનાર પક્ષકાર) હતી એટલે તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું.'

સાથે જ ઉમેર્યું હતું કે 'પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી, કૉલેજમાંથી કે યુનિવર્સિટીમાંથી ક્યાંથી ફૂટ્યું તે અંગે તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી તેનું કોઈ પરિણામ ન આવે, ત્યાં સુધી કોઈને શકમંદ જણાવી ન શકાય.'

યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે લીક થયેલું પેપર છેલ્લું પેપર લેવાયાના બીજા દિવસે લેવામાં આવશે.

યુનિવર્સિટીએ ગુરુવારે સવારે પેપર લીક થયા બાદ મોડી રાત્રે આ મુદ્દે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી, એ પહેલાં માત્ર 'જાણવાજોગ ફરિયાદ' જ આપવામાં આવી હતી.

ગુરુવારે (તા. 23 ડિસેમ્બરના) 10 વાગ્યે પેપર લેવાનાર હતું, તેના લગભગ એક કલાક પહેલાં શહેરની એક ખાનગી કૉલેજના 'લવલી યારોં' ગ્રૂપમાં લીક થઈ ગયું હતું.


હરિદ્વારમાં વિવાદિત ભાષણ મામલે એફઆરઆઈ

હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરે આયોજિત ધર્મસંસદમાં હિન્દુત્વને લઈને સાધુ-સંતોનાં વિવાદિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ વીડિયોમાં ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવા, મુસ્લિમને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસતી ન વધારવા દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણો આપતાં સાધુ-સંતો જોઈ શકાય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા કેટલાક યૂઝરે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.

ગુરુવારે આ મામલે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી સમેત અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.

વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન હતા. રિઝવીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ ત્યજીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.

જોકે હરિદ્વારની ધર્મસંસદમાં રિઝવીની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ નથી.

આ વર્ષે નરસિમ્હાનંદે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં મહંમદ પેગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી.


બાંગ્લાદેશમાં બોટમાં આગ લાગતા 37 મુસાફરોનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

બાંગ્લાદેશની સુગંધા નદીમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક બોટમાં આગ લાગતા કમસે કમ 37 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

આ ઘટના ઝાલકોટી જિલ્લામાં ઘટી હતી.

સત્તાધીશોએ બીબીસી બાંગ્લાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

સૈફુલ હસને જણાવ્યું કે 'એમવી અભિયાન' નામની આ બોટ બારગુના જવા માટે રાતના સમયે ઢાકાથી નીકળી હતી. સવારના સમયે ઝાલકોટી જિલ્લામાં પહોંચતા જ બોટના એન્જિનમાં આગ લાગી હતી.

ઈજાગ્રસ્ત લોકોને હાલમાં બારિસાલ સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે.

બોટમાં આગ કઈ રીતે લાગી તે અંગે અધિકારીઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ઝાલકોટીથી એક સ્થાનિક પત્રકારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેમને વહેલી સવારે 3:30 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. ઘણા યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા.

એમ પણ કહેવાઈ રહ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો હતા.



https://www.youtube.com/watch?v=3SnPdBrmeq0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Who leaked the paper of Saurashtra University?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X