For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર આવા નિયંત્રણો કેમ?

ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર આવા નિયંત્રણો કેમ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ગુજરાત પોલસીની પ્રતીકાત્મક તસવીર

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસકર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા માટેની આચારસંહિતા જારી કરવામાં આવી હતી.

પોલીસવિભાગ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં પોલીસકર્મીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અનેક બાબતો જણાવવામાં આવી છે.

સાથે જ જો ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોઈ પણ કર્મચારી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે આ આચારસંહિતામાં મુકાયેલાં નિયંત્રણોની અવગણના કરશે તો તેની પર કાયદેસર અને ખાતાકીય કાર્યવાહીની પણ જોગવાઈ કરાઈ છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારા માટે સોશિયલ મીડિયા પર કૅમ્પેન શરૂ કરાયું હતું.

આ ઘટના બાદ રાજ્ય પોલીસવિભાગ દ્વારા રાજ્ય પોલીસદળમાં કાર્યરત્ પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની આચારસંહિતા જારી કરી દેવાતાં એક નવી ચર્ચા શરૂ થઈ કે શું ખરેખર પોલીસકર્મીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાની માગણીઓ રજૂ કરવાનું ટાળે એ હેતુસર આ માર્ગદર્શિકા જારી કરાઈ છે કે કેમ?

તેમજ આ ઘટના બાદ એ પ્રશ્ન પણ ઊઠવા લાગ્યો છે કે શું પોલીસકર્મીઓને સરકાર અવાજ ઉઠાવવાનો હક નથી? શું તેમને પોતાની વાજબી માંગણીઓ અંગે સરકાર સામે રજૂઆત કરવાનો પણ કોઈ હક નથી?

આ અંગે બીબીસી ગુજરાતી દ્વારા કેટલાક નિષ્ણાતો સાથે વાત કરવામાં આવી.

આ તમામ પ્રશ્નોના જવાબ જાણીએ પહેલાં આ પોલીસકર્મીઓ માટેની આ માર્ગદર્શિકામાં આખરે શું શું સમાવિષ્ટ કરાયું છે તે જણાવી દઈએ.

માર્ગદર્શિકામાં શું છે?

https://www.youtube.com/watch?v=QN_hoPWMiCs

પોલીસવિભાગ દ્વારા જારી કરાયેલી આ માર્ગદર્શિકામાં આચારસંહિતાનાં મુખ્ય પાંચ મૂલ્યો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

જે પૈકી પ્રથમ છે મૂલ્ય છે પોલીસકર્મીઓના બિનરાજનૈતિક અને બિનસાંપ્રદાયિક રહેવા બાબત.

આ મૂલ્ય હેઠળ પોલીસ અધિકારીઓને રાજકીય નિવેદન ન આપવાનું અને રાજકીય પક્ષની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનું ટાળવા જણાવાયું છે.

સાથે જ પોલીસકર્મીઓને ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ પર ધર્મ, જાતિ, પેટાજાતિ અથવા સમાજના ચોક્કસ વર્ગની હિમાયત કરવા માટે રચાયેલ ગ્રૂપમાં સામેલ ન થવાનું પણ જણાવાયું છે.

ત્યાર બાદના મૂલ્યમાં ફરજ સંબંધી મુદ્દાઓ પર જાહેર ટિપ્પણી કરવા બાબતે સૂચન આપવામાં આવ્યાં છે. આ મૂલ્ય અંતર્ગત ફરજ સંબંધે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, પોલીસવિભાગ અથવા સરકારની ટીકા કરતી, જાહેર ટિપ્પણી કરતી પોસ્ટ ન કરવાનું જણાવાયું છે.

સાથે જ સત્તાવાર હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત અભિપ્રાયો વ્યક્ત કરવાનું ટાળવાનું જણાવવામાં આવ્યું છે.

તેમજ ખાનગી હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ પોલીસકર્મીએ ધ્યાન રાખવાનું સૂચવવામાં આવ્યું છે. ખાનગી હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પોલીસકર્મીએ સ્પષ્ટ કરવાનું રહેશે કે ગુજરાત સરકારની પ્રવૃત્તિઓ સંબંધિત કોઈપણ ટિપ્પ્ણી સત્તાવાર નથી એટલે કે અંગત છે.

આ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે પોતાના વિભાગની પ્રતિષ્ઠા ન જોખમાય તે રીતે શિષ્ટાચારનાં ધોરણોનું પાલન કરી વિશ્વાસ જાળવવા જણાવવામાં આવ્યું છે.

ત્યાર બાદના મૂલ્યમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે સરકારી સંસાધનોના ઉપયોગ પર મનાઈ ફરમાવી દેવાઈ છે.

તેમજ અંતે સોશિયલ મીડિયામાં ઉપયોગ કરાયેલ ભાષા અંગે સંયમી, ઉદ્દેશપૂર્ણ અને નમ્ર હોવાનું જણાવવામાં આવ્યું છે.

માર્ગદર્શિકાની જરૂર કેમ પડી?

https://www.youtube.com/watch?v=A0ya30cSqF4

માર્ગદર્શિકા જારી કરાયા બાદ તેની જરૂરિયાત અંગે વાત કરતાં રાજ્યના વર્તમાન ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ શિવાનંદ ઝાએ પત્રકારપરિષદ યોજીને સોશિયલ મીડિયા પર પગારવધારા સંબંધિત અને પોલીસખાતાની એકતા તૂટે એવી પોસ્ટ કરવાથી બચવા માટે પોલીસકર્મીઓને સલાહ આપી હતી. જેથી એવી અટકળો તેજ બની છે કે પોલીસ દ્વારા આ માર્ગદર્શિકા પોલીસખાતાના ગ્રેડ-પેમાં વધારો કરવાના ઑનલાઇન આંદોલનનું જ પરિણામ છે.

વધુમાં તેમણે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, 'હાલમાં સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે વધારાને લઈને ઉશ્કેરણી થઈ રહી છે.'

'અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ગુજરાત પોલીસના કૉન્સ્ટેબ્યુલ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ-પે વધારવા અંગેની પોસ્ટ મૂકવામાં આવી રહી છે.'

'આવી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે જવાબદાર લોકોને ઓળખી કાઢવામાં આવી રહ્યા છે.'

ગુજરાત પોલીસના પરપિત્રની તસવીર

નિયમોનું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે,'આવી પ્રવૃત્તિઓમાં સામેલ પોલીસવિભાગ કે બહારના તમામ લોકોને હું જણાવવા માગું છું કે, આવી રીતે પોલીસજવાનોને ખોટી, ગેરમાર્ગે દોરનારી અને મલિન ઇરાદાથી પ્રેરાઈને થતી ઉશ્કેરણી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.'

'પગારવધારો કરવાની આવી ગેરવાજબી વાત કરીને પોલીસકર્મીઓમાં અસંતોષ ફેલાવવાનો આવો પ્રયાસ વરદીની ગરિમા પર થયેલ હુમલો માનીને આવું કરી રહેલાં તત્ત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે.'

વધુમાં તેમણે કહ્યું હતું કે, 'પગારવધારાની વાત કરનારને યાદ અપાવી દઉં કે સોશિયલ મીડિયા પર આવી પ્રવૃત્તિ કરવી એ માત્ર શિસ્તભંગ નહીં, પરંતુ એક ગુનાહિત કૃત્ય પણ છે.'

'પોલીસ જવાનોને ગેરમાર્ગે દોરી તેમની એકતા તોડવાનો પ્રયાસ એ માત્ર શિસ્તભંગ નથી, પરંતુ ધ પોલીસ (ઇન્સાઇટમૅન્ટ ટુ ડિસઅફેક્શન) ઍક્ટ, 1922 હેઠળ અને કોરોનાની મહામારીને ધ્યાને લેતાં ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ અને ઍપેડેમિક ડિસીઝ ઍક્ટ હેઠળ પણ ગુનો બને છે.'

'ફરજ સંબંધી કોઈ પણ ફરિયાદનો ઉકેલ નિશ્ચિત કરેલ ખાતાકીય પ્રક્રિયા દ્વારા જ લાવવાનો રહેશે.'

શું પોલીસકર્મીઓ સરકારની નીતિનો વિરોધ કરી શકે?

https://www.youtube.com/watch?v=sAvRtYK4VTg

રાજ્યમાં પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે આચારસંહિત જારી કરાતાં એ વાતની પણ ચર્ચા શરૂ થઈ છે કે શું સરકારી કર્મચારી સરકાર કે તેની નીતિ વિરુદ્ધ ન બોલી શકે?

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971માં આ બાબત અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

તેના નિયમ 9 અનુસાર કોઈપણ સરકારી કર્મચારીથી કોઈપણ રેડિયો પ્રસારણમાં અથવા પોતાના નામે અથવા કોઈના નામ વિના ઉપનામથી અથવા બીજી કોઈ વ્યક્તિના નામે પ્રગટ થયેલ કોઈપણ લેખમાં અથવા અખબારોને મોકલેલ લખાણમાં અથવા જાહેર પ્રવચનમાં નીચે દર્શાવેલ બાબતો અંગે નિવેદન કરી શકશે નહીં.

  • કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈપણ પ્રવર્તમાન અથવા તાજેતરની નીતિ અથવા પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઈ હકીકત કે મંતવ્ય.
  • કેન્દ્ર સરકાર અને કોઈ પણ રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોમાં મુશ્કેલી પેદા કરનારી હકીકત કે મંતવ્ય, અથવા
  • કેન્દ્ર સરકાર અને કોઈ પણ વિદેશી સરકાર સાથેના સંબંધોમાં મુશ્કેલી પેદા કરનારી હકીકત કે મંતવ્ય.

આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે ગુજરાત રાજ્યના નિવૃત્ત આઈ. જી. (ઇન્સ્પેક્ટર જનરલ) આર. જે. સવાણી સાથે વાત કરી.

તેઓ આ વિશે જણાવે છે કે, 'પોલીસ સહિત સરકારમાં કામ કરતાં તમામ કર્મચારીઓને સેવા, શિસ્ત અને વર્તણૂકના અમુક નિયમો લાગુ પડે છે, આ નિયમો અંતર્ગત સરકારી નોકરીમાં રહેલ અધિકારી કોઈ પણ માધ્યમ થકી સરકારની કે તેની નીતિઓની જાહેરમાં ટીકા કરી શકતો નથી. આ માધ્યમોમાં સોશિયલ મીડિયા પણ સામેલ છે.'

'જોકે, સરકારી કર્મચારી પોતાની વાજબી રજૂઆતો માટે યોગ્ય સત્તાધિકારીનો સંપર્ક સાધી શકે છે. વાજબી રજૂઆતો મોટા ભાગે સેવાસંબંધી હોય એ ઇચ્છનીય છે.'

ગુજરાત પોલીસની તસવવીર

શું પોલીસકર્મી પોતાની વાજબી માગણીઓ સોશિયલ મીડિયા પર ન મૂકી શકે?

પોલીસ વિભાગ દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા વિશે વાત કરતાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સવાણી જણાવે છે કે, 'કર્મચારીઓને પોતાની વાજબી માંગણીઓ રજૂ કરવા માટેં એક ખાતાકીય ચૅનલ અનુસરવાની હોય છે. 'સૌથી પહેલી રજૂઆત જે તે વિભાગના વડાને કરવામાં આવે છે, પોતાની વાજબી માંગણીઓ, રજૂઆતો માટે પોલીસકર્મી સહિત કોઈ પણ સરકારી કર્મચારી સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળે એ ઇચ્છનીય છે.'

'તેથી હું માનું છું કે તાજેતરની આ આચારસંહિતા એ કોઈ કર્મચારીઓ પર વિશેષ નિયંત્રણ માટે નથી. આ નિયંત્રણો તો પહેલાંથી જ અમલમાં છે.'

'સરકારી કર્મચારીઓની શિસ્તમાં રહે તે માટે તેમને પોતાની સેવા સંબંધી વાત કરવાનો અધિકાર કોઈ પણ માધ્યમ થકી આપી શકાય નહીં.'

'ભલે પછી તે ગ્રેડ-પેમાં સુધારાની વાત કેમ ન હોય. તેના માટે સ્થાપિત પ્રક્રિયા જ અનુસરાય એ ઇચ્છનીય છે.'

જોકે, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આર. બી. શ્રીકુમાર આ વાત સાથે સંમત નથી થતા

તેઓ જણાવે છે કે, 'સરકારી સેવામાં રહેલા કર્મીઓ જાહેરમાં સમક્ષ સરકારની કે તેની નીતિઓની ટીકા ન કરી શકે, પરંતુ તેમની સેવા, સેવાની પરિસ્થિતિઓ, સેવાની શરતો, સલામતી, વિશેષાધિકારો અને સગવડો અંગેની રજૂઆતો તેઓ સોશિયલ મીડિયા પર કરી શકે છે. જો સરકારી કર્મચારીઓ તરફથી આવી કોઈ પણ માગણી કે રજૂઆત અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવે તો તેની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ.'

જોકે, આગળ નોંધ્યું છે એમ શિવાનંદ ઝા ફરજ સંબંધી તમામ ફરિયાદોનો નિકાલ પણ ખાતાકીય પ્રક્રિયાના માધ્યમથી કરવાનું જણાવે છે.

વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ?

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા તથા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ

આ માર્ગદર્શિકા અંગે ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પોતાની પ્રતિક્રિયા આપતાં કહે છે કે, 'દેશના બંધારણે દેશના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કલમ 19 અંતર્ગત આપ્યો છે. દરેક નાગરિક વાજબી નિયંત્રણો અંતર્ગત આ સ્વતંત્રતા ભોગવી શકે છે. આમ, દરેક વ્યક્તિને પોતાના હકની વાત કરવાની સ્વતંત્રતા અપાઈ છે.'

'કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર લોકોના હક પર તરાપ મારે છે.'

પોલીસદળના કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, 'પોલીસદળ પોતાની વાજબી માગ સરકાર સમક્ષ મૂકી શકે એ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી.'

'તેમના હક, પે-ગ્રેડ અને મળવાપાત્ર સુવિધા એ તમામ અંગે પોતાની માગ રજૂ કરવા માટે કોઈ માધ્યમની વ્યવસ્થા નથી.'

'એક તરફ પોતાની માગ રજૂ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી અને જ્યારે કોઈ પોલીસકર્મી પોતાના હકની વાત કરે છે ત્યારે આચારસંહિતાને નામે સરકાર દ્વારા તેની પર દબાણ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.'

'જો સરકાર બંધારણમાં માનતી હોય તો તેમણે સરકારી કર્મચારીઓ સહિત તમામ નાગરિકોને બંધારણે આપેલા અધિકારની જાળવણી કરવી જોઈએ.'

તેઓ કોરોના મહામારીના લૉકડાઉન દરમિયાન ગુજરાત પોલીસે બજાવેલી ફરજ યાદ કરાવી તેઓ કહે છે કે, 'સરકારનું કામ છે કે તેઓ તેમને મળવાપાત્ર નાણાકીય લાભો અને સુવિધાઓ પૂરી પાડે, તેઓ સન્માનભેર ફરજ બજાવી શકે અને વ્યવસ્થામાં તેમનો વિશ્વાસ વધે એ દિશામાં પગલાં લે.'

'જોકે, ઊલટું સરકાર તેમને કામ વધુ આપે છે અને તેમને મળવાપાત્ર લાભો ન આપીને તેમને અન્યાય કરે છે.'

પોલીસ કર્મચારીઓના કામની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, 'પોલીસકર્મચારીઓના નાગરિક તરીકેના અધિકારોની જાળવણી થાય, તેમને મળવાપાત્ર લાભ મળે અને પગાર અને કામના કલાકો બાબતે પોલીસકર્મીઓ સાથે ન્યાય થાય એ હેતુસર કૉંગ્રેસ પક્ષ વિધાનસભામાં આ દિશામાં રજૂઆત કરશે.'

રાજ્ય સરકાર દ્વારા શિસ્તના નામે મનમાની કરાઈ રહી હોવાનું જણાવતાં તેઓ કહે છે કે, 'સરકારી વિભાગના ખાતાકીય શિસ્ત અંગેના નિયમો હોય છે અને દરેક અધિકારી અને કર્મચારીએ તે પાળવા જ જોઈએ, પરંતુ શિસ્તપાલનના નામે મનફાવ્યું ન કરી શકાય.'

પોલીસકર્મીઓનું માન જળવાય અને તેમનું મનોબળ ન ઘટે એ જોવાની જવાબદારી પણ તેઓ સરકારની હોવાનું જણાવે છે.

મનીષ દોશીને મતે, સરકાર કાયદો તોડનાર ઉપર નહીં, પરંતુ કાયદાની જાળવણી કરનાર પગલાં લે છે, જેથી રાજ્ય પોલીસદળનો ઉત્સાહ ઘટ્યો છે.

શું કહે છે સત્તાધારી પક્ષ?

https://www.youtube.com/watch?v=16wYElRVuNY

ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે જારી કરાયેલી ગાઇડલાઇન અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા જણાવે છે કે, 'કોઈપણ કર્મચારીએ બંધારણ, જે-તે ખાતાના નિયમો અને શિસ્ત પાળવી જ જોઈએ. જેમ નાગરિકસંહિતા હોય છે એવી રીતે કર્મયોગીસંહિતા પણ હોવી જોઈએ, દરેકને યોગ્ય ફોરમમાં પોતાની રજૂઆત, માગણી મૂકવાનો અધિકાર હોઈ શકે, પરંતુ જે-તે ખાતાના શિસ્ત અને નિયમો ધ્યાનમાં રાખવાં જોઈએ. દરેક વ્યક્તિને પોતાની લાગણી ખરી લાગતી હોય છે, પરંતુ એની રજૂઆત શિસ્તબદ્ધ હોવી જોઈએ.'

ગ્રેડ-પે અંગેની સમસ્યાનું નિરાકરણ સૂચવતાં તેઓ જણાવે છે કે, 'નાણાખાતું, જે-તે વિભાગ અને સરકારની સામાન્ય નીતિ એ ત્રણેયનું સંકલન કરીને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.'

સોશિયલ મીડિયા અને ગુજરાત પોલીસ

https://www.youtube.com/watch?v=sB6_tm-o32U

તાજેતરમાં જ ગુજરાત પોલીસના કૉન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં સુધારાની માગ સાથે સોશિયલ મીડિયા પર #2800ગુજરાતપોલીસ કૅમ્પેન ચલાવાયું હતું.

આ કૅમ્પેનનું ઘણા સોશિયલ મીડિયા યુઝર સમર્થન કરી, તેને લગતી પોસ્ટ શૅર કરી હતી. ટ્વિટર પર આ માંગના સમર્થનમાં સેંકડો ટ્વીટ પણ થયાં હતાં.

તે પહેલાં સુરત પોલીસનાં કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને ગુજરાત સરકારના મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.

આ ઘટનાનો વીડિયો એટલો વાઇરલ થયો કે આ સમાચાર એક રાષ્ટ્રીય સમાચાર બની ગયા.

આ પહેલાં કેટલાક સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે અમદાવાદના વાડજના પી. આઈ. જે. એ. રાઠવા દ્વારા કરફ્યૂ દરમિયાન પસાર થઈ રહેલા એક વગદાર મનાતા ધર્મગુરુની કાર રોકી અને કાર્યવાહી કર્યા બાદ તાત્કાલિક અસરથી પોલીસ અધિકારી રાઠવાની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવાતાં પોલીસ બેડામાં કથિત અસંતોષ વ્યાપ્યો હતો. જે બાદ અસંખ્ય પોલીસકર્મીઓએ પી. આઈ. રાઠવાના સમર્થન માટે વૉટ્સઍપ સ્ટેટસ રાખી એકતા પ્રદર્શિત કરી હતી.

આમ, પાછલા કેટલાક દિવસોમાં ઘણી વખત પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ થઈ રહ્યો હતો.

હવે એ જોવું રહ્યું કે પોલીસવિભાગ દ્વારા જારી કરાયેલી આ ગાઇડલાઇન પોલીસને લગતી બાબતો માટે સોશિયલ મીડિયાનું પ્લૅટફૉર્મ તરીકેના ઉપયોગને ઘટાડવામાં કેટલી કારગત નીવડશે?


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=xszxAi2TQv0

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
why social media is restricted for gujarat police officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X