
ગુજરાતમાં AAPની 6 જૂને તિરંગા યાત્રા, સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ઘણા દિગ્ગજ થશે શામેલ
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 6 જૂને ગુજરાતમાં રહેશે. આ દિવસે આપની તિરંગા યાત્રા કાઢવામાં આવશે. જેમાં સીએમ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટી(આપ)ના ઘણા દિગ્ગજો શામેલ થશે. દિલ્લી અને પંજાબ પછી હવે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં સક્રિયતા વધારી રહી છે. ચૂંટણી રણનીતિને ફિટ કરવા માટે પાર્ટીએ અહીં પોતાના સંગઠનના પ્રમુખ પદાધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે.
ભાજપના ગઢથી આપ કરશે તિરંગા યાત્રાની શરુઆત
મહેસાણાને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે ત્યારે વિશાળ તિરંગા યાત્રા સૌપ્રથમ મહેસાણાથી જ શરૂ કરવામાં આવશે. મહેસાણામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ AAPની વિશાળ તિરંગા યાત્રાનુ નેતૃત્વ કરશે. આ દરમિયાન આયોજિત રેલીમાં 20 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તિરંગા યાત્રા બાદ અરવિંદ કેજરીવાલ તોરણવાડી માતા ચોક ખાતે એક સભાને સંબોધિત કરશે. ગુજરાતના મહેસાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા AAPની આ તિરંગા યાત્રાને પાર્ટીની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.
6 જૂને આપનુ શક્તિ પ્રદર્શન
ગુજરાતભરમાં 15મી મેથી આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી જે 6 જૂનના રોજ પૂર્ણ થવાની છે. આ દિવસે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. જે બાદ AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન આપના ઘણા દિગ્ગજો હાજર રહેશે. આ વિશાળ જાહેર સભા અને રેલીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPની તાકાતના પ્રદર્શન તરીકે ગણવામાં આવી રહી છે.