For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિકાયદા : મોદીએ ત્રણેય વિવાદિત કાયદા પરત લેતા તેમની છબી અને કૃષિ સુધારને ફટકો પડ્યો છે?

કૃષિકાયદા : મોદીએ ત્રણેય વિવાદિત કાયદા પરત લેતા તેમની છબી અને કૃષિ સુધારને ફટકો પડ્યો છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

એક તરફ પ્રદર્શનકારી ખેડૂતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ કૃષિકાયદાઓને પાછા ખેંચવાના નિર્ણયથી ખુશ છે. ત્યારે બીજી તરફ ભારતમાંજ નહીં વિદેશમાં પણ કૃષિક્ષેત્રે સુધારાના સમર્થક અર્થશાસ્ત્રી કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ભારે દુખી છે.

કૃષિક્ષેત્રે સુધારાના સમર્થક અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'આ નિર્ણયથી હું બહુ ખિન્ન છું, દુખી છું. ઉદાસ છું. મને દુખ થયું કારણ કે આમાં પંજાબના ખેડૂતોની જીત નહીં હાર છે. દેશની પણ હાર થઈ છે.'

નરેન્દ્ર મોદી

તેમણે પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું, 'મારા માનવા પ્રમાણે રાજકારણ જીતી ગયું છે અને અર્થતંત્રની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ આવી રહી છે તો સરકારમાં લોકો ડરી ગયા કે ખેડૂતો નથી માનતા તો તેમણે આ નિર્ણય લઈ લીધો.'

વિદેશમાં જે લોકો ભારતમાં આર્થિક સુધારાની આશા કરી રહ્યા હતા તેઓ પણ માને છે કે વડા પ્રધાનનો નિર્ણય ખેડૂતોની જીત છે, પરંતુ તેઓ એમ પણ કહે છે કે આ પગલાથી કૃષિક્ષેત્રે સુધારા ઉપર એક પ્રશ્નચિહ્ન લાગી ગયું છે.

હૉલૅન્ડમાં વૈગનિંગન વિશ્વવિદ્યાલય અને અનુસંધાન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર ઍલેક્ઝેન્ડર હેજલે બીબીસીને કહ્યું, 'અમે ભારતમાં ભૂમિ અને શ્રમમાં સુધારો જોવા માંગતા હતા. કૃષિક્ષેત્રે વધુ સુધારાની આશા હતી, આર્થિક સુધારાની અપેક્ષા હતી પરંતુ આ નિર્ણય મોદી સરકાર ઉપરના ભરોસાને નુકસાન પહોંચાડી શકે છે.'

'ઇન્ડિયા અનબાઉન્ડ' નામના પુસ્તકના લેખક ગુરુચરણ દાસ અનુસાર હવે કૃષિક્ષેત્રે સુધારાના મુદ્દા વધુ પાછળ ધકેલાઈ ગયા છે. તેઓ કહે છે, 'આ વડા પ્રધાન મોદીની બહુ મોટી નિષ્ફળતા છે. તેમની સુધારાવાદી છબિને ધક્કો લાગ્યો છે. કેટલાય લોકોને હવે તે નબળા વડા પ્રધાન લાગશે.'


વડા પ્રધાન મોદી સંદેશ આપવામાં નિષ્ફળ ગયા છે?

https://twitter.com/gurcharandas/status/1461938783461380099

ગુરુચરણ દાસ પ્રમાણે હવે આ દેશમાં કૃષિક્ષેત્રે સુધારા લાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. તેમના કહેવા પ્રમાણે, 'વડા પ્રધાન ખેડૂતો સુધી સાચો સંદેશ મોકલવામાં નિષ્ફળ રહ્યા છે. નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા કૉમ્યુનિકેટર હોવા છતાં ખેડૂતો સુધી પોતાની વાત પહોંચાડવામાં સફળ નથી રહ્યા.'

ગુરુચરણ દાસ અનુસાર રિફૉર્મનું માર્કેટિંગ કરવું પડે છે જે એક મુશ્કેલ કામ છે અને તેમાં સમય લાગે છે. 'લોકોને સમજાવવું પડે છે કારણ કે એ સહેલું નથી. મોદી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે.' વડા પ્રધાને ખુદ શુક્રવારની સવાલે પોતાના ભાષણમાં સ્વીકાર્યું હતું કે તેઓ ખેડૂતોને આ કાયદા વિશે સમજાવવામાં નિષ્ફળ રહ્યા. અલબત્ત, તેમણે એ પણ કહ્યું કે ખેડૂતો પણ સમજવામાં નિષ્ફળ રહ્યા.'

ગુરુચરણ દાસે બ્રિટનના પૂર્વ વડા પ્રધાન માર્ગરેટ થેચરનું ઉદાહરણ આપીને કહ્યું કે ''તે હંમેશા કહ્યાં કરતાં કે તે સુધારા માટે પગલાં ભરવાં પાછળ 20 ટકા સમય લે છે અને 80 ટકા સમય એ સુધારાના માર્કેટિંગ માટે. આ કામ આપણે નથી કરી શક્યા.'

જિનેવા ભૂ-રાજનીતિક અધ્યયન સંસ્થા (જીઆઈજીએસ) ના ડાયરેક્ટર ઍલેક્ઝેન્ડર લૈમ્બર્ટ કહે છે, 'ભારત સરકાર એનો દાવો કરતી હતી કે નવા કાયદાથી કૃષિક્ષેત્રે એક મોટો સુધારો આવશે જેનાથી તેને આધુનિક કરવાની સાથે તેની ક્ષમતા વધારવામાં મદદ મળશે. તેનાથી ભારતમાં કૃષિક્ષેત્રે હરીફાઈ વધશે અને તેનો ફાયદો બધાને મળશે. સુધારાથી મૂડી રોકાણ આકર્ષી શકાશે અને સંભાવિતપણે ટેકનૉલૉજી ટ્રાન્સફરમાં મદદ મળશે..' આવો સરકારનો દાવો હતો પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ કાયદો અમલમાં આવતા ખેતીવાડી બજાર નાના ખેડૂતોના હાથમાંથી સરકીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓના હાથમાં જતું રહેત.'

ગત વર્ષે ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા લાવવામાં આવ્યા તો કેટલાય સુધારાવાદીઓએ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું હતું.

જોકે ઘણા સુધારાના સમર્થકોને લાગતું હતું કે આ કાયદાને લાવતા પહેલાં સરકારે ખેડૂતો અને રાજ્ય સરકારો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈતી હતી. જે રીતે આ કાયદા અચાનક રજૂ કરવામાં આવ્યા હતા એ જોઈને ઘણા સુધારાવાદીઓએ તેને સમર્થન નહોતું આપ્યું.

વિપક્ષના નેતાઓ એ પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ બધી ટીકાઓમાં એમ જ કહેવાતું હતું કે આ પગલું વાસ્તવમાં કૃષિક્ષેત્રને મોટા ઉદ્યોગપતિઓને હવાલે કરવાની એક કોશિશ છે.

પીએમ મોદી

ભારતની વસ્તીના લગભગ 60 ટકા લોકો પોતાની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. ખેડૂતો અનાજના ખાનગી વેચાણના પક્ષમાં સરકારી માર્કેટ યાર્ડની દાયકાઓ જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો તર્ક એવો છે કે આ કાયદા મોટા ઉદ્યોગોના હાથમાં બહુ વધારે પાવર આપી દેશે અને ચોખા અને ઘઉં જેવા મુખ્ય પાક પર ટેકાના ભાવની ગૅરેંટીને જોખમમાં મૂકી દેશે.

સરકારે કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને એ સમજાવવાની કોશિશ કરી અને એવી દલીલ કરી કે પાક માટે વધુ હરીફાઈથી ખેડૂતોનો ઊંચી કિંમત મળી શકે છે અને ભારતને વધુ આત્મનિર્ભર દેશ બનાવી શકાય છે. સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેકવાર થયેલી વાતચીત દરમિયાન ખેડૂતોની માંગ હતી કે સરકાર ટેકાના ભાવ કે એમએસપી ને કાયદામાં સમાવી લે જેથી તેમને એમએસપીની ગૅરેન્ટી મળે.

સરકારે એવું ન કર્યું અને આ જ કારણે ખેડૂતોનું આંદોલન આજે પણ ચાલી રહ્યું છે.


એમએસપીની સિસ્ટમ કેવી છે?

પ્રોફેસર ઍલેક્ઝેન્ડર હેજલનો તર્ક છે કે કૃષિક્ષેત્રે ભારતમાં વર્ષોથી સુધારાની જરૂર છે અને નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદા કૃષિક્ષેત્રમાં સુધારા તરફનું એક પગલું હતું. તેમનું કહેવું હતું કે એમએસપીની સિસ્ટમ જૂની થઈ ગઈ છે અને તેને ક્યાં સુધી વેંઢારી શકાય એમ હતી? 'સરકારે એમએસપીને ચાલુ રાખવાનું વચન આપ્યુ હતું પરંતું હું કૃષિ માર્કેટ યાર્ડને જાણુ છું અને મારું કહેવું છે કે એમએસપી એક ખરાબ સિસ્ટમ છે.'

આ કાયદાઓની તરફેણમાં જે વિશેષજ્ઞો છે તેઓ એમએસપીને એક બીમારી માને છે.

ગુરુચરણ દાસ પણ કહે છે, 'પંજાબ એમએસપી સિસ્ટમમાં ફસાયેલું છે. તે એક પ્રકારની બીમારીમાં સપડાયું છે. કારણ કે તેનાથી એક પ્રકારે સુરક્ષા મળે છે. ખેડૂતો માને છે કે જેટલા ચોખા કે ઘઉં હું ઉગાડીશ એ સમગ્ર પાક સરકાર ખરીદી લેશે. સવાલ એ છે કે દેશને એટલા અનાજની જરૂર નથી. ગોદામોમાં અનાજ સડી રહ્યું છે, તેને ઉંદર ખાઈ રહ્યા છે.'

જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સંગઠન સંયુક્ત કિસાન મોરચાનું સતત એવું કહેવું છે કે એમએસપીથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળે છે. પરંતુ સુધારાવાદી પગલાંઓના હિમાયતી ગુરુચરણ દાસ કહે છે, 'પંજાબનો ખેડૂત મહેનતુ છે અને ઉદ્યમી છે. બીજા રાજ્યોના ખેડૂતો ફળ, મસાલા, જડી બુટ્ટી, શાકભાજી વગેરે ઉગાડે છે. તેમનો નફો ઘણો વધારે છે અને તેમાં કોઈ એમએસપી નથી. તો પંજાબના બિચારા ખેડૂત આમાં શા માટે ફસાયેલા છે?'

ગુરુચરણ દાસ અને રિફૉર્મના સમર્થકો અન્ય કેટલાય અર્થશાસ્ત્રીઓ આ ત્રણ કૃષિકાયદાને આદર્શ કાયદો માને છે. તેમના અનુસાર મોદી સરકારથી ભૂલ એ થઈ ગઈ કે રાજ્ય સરકારોને આ કાયદા લાગુ પાડવા માટે કહ્યું નહીં.

ગુરુચરણ દાસ કહે છે, 'ઘણા રાજ્યો એનો અમલ કરી દેત. ખાસ કરીને ભાજપ સત્તામાં છે તે રાજ્યો. કારણ કે જે સમસ્યા છે તે પંજાબ, હરિયાણા અને થોડાક પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જ છે. 2005-06 માં જ્યારે સરકાર વેટ (મૂલ્ય વર્ધિત કર) લઈને આવી હતી તો ઘણા રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું હતું કે "ઠીક છે જે રાજ્યોએ તેનો અમલ કરવો હોય તે કરે, જે રાજ્યો ન કરવા માંગતા હોય તે ન કરે. પછીના 18 મહિનામાં બધાં રાજ્યોમાં તેને લાગુ કર્યો કારણ કે તેના ફાયદા લોકોએ જોયા."

પ્રોફેસર ઍલેક્ઝેન્ડર હેજલનો ભાર એ વાત પર હતો કે મોદી સરકારે કૃષિક્ષેત્રે સુધારા લાવવાના હતા પરંતુ ખેડૂતો સાથે વાતચીત પછી.

તેઓ કહે છે, 'મેં વાંચ્યુ છે કે મોદીએ પોતાના ભાષણમાં ઝીરો બજેટ ખેતીની વાત કરી છે જેના માટે તેમણે એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને પણ સમાવવાની વાત કરી છે. આ સારું પગલું છે અને આ રિફૉર્મ તરફ ફરીથી આગળ વધવા માટેનું પહેલું પગલું કહી શકાય.'

જિનેવા ભૂ-રાજનીતિક અધ્યયન સંસ્થાન (જીઆઈજીએસ)ના ડાયરેક્ટર ઍલેક્ઝૅન્ડર લૈમ્બર્ટે કહ્યું, 'ભારતીય સંસદ માત્ર રબર સ્ટૅમ્પની જેમ કામ નથી કરતી. એ બતાવવા માટે મોદી સરકાર અને તેમની ટીમે વિપક્ષી રાજકીય પક્ષો અને બધા સાથીદારો સાથે નક્કર વાતચીત કરીને રસ્તો કાઢવો જોઈએ જેથી દુનિયાના સૌથી મોટા દેશમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ સર્જાય. જ્યારે એમ કહેવાઈ રહ્યું હોય કે મોટી-મોટી એગ્રી બિઝનેસ કરતી કંપનીઓ અને ફૂડ અને ફાઇનાન્સ સેક્ટરની પેઢીઓ કૃષિ નીતિઓ પર કબજો જમાવી રહી છે ત્યારે એ પણ જોવું રહ્યું કે નાના ખેડૂતોને નુકસાન ન જાય.'


કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/JaXmi_sBIJE

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Agriculture Act: Has Modi tarnished his image and agricultural reform by withdrawing the three controversial laws?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X