Bareilly violence : બરેલીમાં જુમ્માની નમાઝ બાદ પથ્થરમારો અને લાઠીચાર્જ
Bareilly violence : ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં ૨૬ સપ્ટેમ્બરના રોજ જુમ્માની નમાઝ પછી તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ છે. આ તણાવ I Love Muhammad પોસ્ટરને લઈને પેદા થયો છે.
ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાએ વિરોધ પ્રદર્શનની હાકલ કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ઇસ્લામિયા ગ્રાઉન્ડ ખાતે એકઠા થવાનો પ્રયાસ કર્યો હતો.

મૌલાનાની અપીલ બાદ જુમ્માની નમાઝ પછી ભીડ ઇસ્લામિયા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા દબાણ કરી રહી હતી. પ્રશાસન અને પોલીસે વારંવાર સમજાવવાના પ્રયાસો કર્યા પરંતુ ભીડ વિખેરાઈ નહીં. પરિણામે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસના ગોળા છોડ્યા. આને કારણે ભાગદોડ મચી ગઈ.
શહમત ગંજ અને આઝમનગર વિસ્તારોમાં ભીડ રસ્તાઓ પર ઉતરી આવી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. કોતવાલી સામે પણ પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. વહીવટીતંત્રે તરત જ બજારો બંધ કરાવ્યા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આસપાસના વિસ્તારોમાં વધારાનો સુરક્ષા ફોર્સ તૈનાત કરી છે.
પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે. સમગ્ર બરેલીમાં સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને નાગરિકોને ઘરમાં રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા છે.
મૌલાના તૌકીર રઝા અગાઉ ૨૦૧૦માં બરેલીમાં રમખાણો કરાવવાનો આરોપ છે અને જેનો કેસ હજુ પણ કોર્ટમાં પડતર છે, તેનું આ વખતનું પ્રદર્શનનું એલાન અને વિવાદાસ્પદ નિવેદનો શહેરમાં તણાવનું મુખ્ય કારણ બન્યા છે.
પ્રદર્શન દરમિયાન મૌલાના તૌકીર રઝાએ આરોપ લગાવ્યો હતો કે, શાહજહાંપુરમાં પયગંબર સાહેબનું અપમાન થયું. મુસલમાનો પર થઈ રહેલા હુમલાઓ પર ન તો સરકારે કડકાઈ બતાવી છે, ન સુપ્રીમ કોર્ટે કોઈ નોંધ લીધી છે. આ બધું હિન્દુત્વવાદી સંગઠનોનું ષડયંત્ર છે જે દેશનું વાતાવરણ ખરાબ કરવા પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે ચેતવણી આપી કે, જો મુસલમાનો સાથે થતો અન્યાય નહીં અટકે તો મુસલમાનો રસ્તા પર ઉતરવા માટે મજબૂર થશે. અમારી શાંતિને કમજોરી ન સમજવામાં આવે. જે દિવસે મુસલમાનો અમારા નિયંત્રણની બહાર થઈ જશે, તે દિવસે સરકાર પરિસ્થિતિ સંભાળી શકશે નહીં.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં સ્થિતિને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ નાગરિકોને ઘરમાં રહેવા અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને કોઈપણ હિંસક ઘટનાને રોકવા માટે ચાંપતી નજર રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
