લલિત મોદી પર BCCIએ લગાવ્યો આજીવન પ્રતિબંધ
ચેન્નાઇ, 25 સપ્ટેમ્બર: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશ્નર લલિત મોદીનું સભ્યપદ રદ કરી નાખ્યું છે. બોર્ડે બુધવારે અત્રે આયોજિત વિશેષ સામાન્ય બેઠકમાં આ નિર્ણય લીધો. મોદીએ બુધવારે સુપ્રીમ કોર્ટને તેમની સાથે અનુશાસનાત્મક કાર્યવાહી માટે યોજાનાર આ બેઠક પર રોક લગાવવા માટેની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી.
સુપ્રીમ કોર્ટે જ મંગળવારે બીસીસીઆઇને મોદી સાથે જોડાયેલા મામલા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠક કરવાની પરવાનગી આપી હતી. મોદીની અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્ણયના તુરંત બાદ બપોરે બે વાગ્યે આ બેઠક શરૂ કરી અને તાત્કાલિકમાં જ મોદીનું સભ્યપદ સમાપ્ત કરી દેવાનો પ્રસ્તાવ મૂકી દીધો.
હરિયાણાના ક્રિકેટ સંઘના સચિવ અનિરુદ્ધ ચૌધરીએ મોદીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનું સમર્થન ઓડિશા ક્રિકેટ સંઘના પ્રમુખ રંજીબ બિસ્વાલે પણ સમર્થન કર્યું. બોર્ડના આ નિર્ણય બાદ મોદી હવે બોર્ડમાં કોઇ પ્રકારનું પદ ગ્રહણ કરી શકશે નહી.મોદી 2008થી 2010 સુધી આઇપીએલના કમિશ્નર રહી ચૂકેલા અને આ દરમિયાન તેમની પર ખોટી રીતે રૂપિયા બનાવવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ ધરપકડથી બચવા માટે તેઓ લંડનમાં નિવાસ કરી રહ્યા છે.