ભીમા કોરેગાવ હિંસામાં જિગ્નેશ મેવાણીને સમન મોકલી શકે છે પોલિસ
ભીમા કોરેગાવ હિંસા મામલે પૂણેના સંયુક્ત કમિશ્નર રવિન્દ્ર કદમે કહ્યુ છે કે જો જરૂરત પડી તો ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ આ મામલાની પૂછપરછ માટે સમન મોકલવામાં આવી શકે છે. કદમે કહ્યુ કે તે તપાસ પર નિર્ભર કરે છે. આ મામલામાં એક દિવસ પહેલા દિલ્હીથી ધરપકડ કરાયેલ રોના જૈકબ વિલ્સનના નક્સલ કનેક્શન પર તેમણે કહ્યુ કે તપાસ બાદ જ કોઈ નિર્ણય પર પહોંચી શકાશે.
કદમે કહ્યુ કે 8 જૂનના રોજ નોંધાયેલ એફઆઈઆર પર કાર્યવાહી કરતા જે આરોપીઓની ધરપકડ થઈ છે તેમાંથી કેટલાકના નક્સલવાદી કનેક્શનની અમે તપાસ કરી રહ્યા છે. કેટલાકના ઘર પર છાપા મારવામાં આવ્યા છે. રોના વિલ્સન વિશે સંયુક્ત કમિશ્નર કદમે કહ્યુ કે વિલ્સનના ઘરેથી પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને કેટલાક કાગળો મળી આવ્યા છે જેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. વિલ્સન અને સુરેન્દ્ર ગાડલિંગના સંબંધ નક્સલીઓ સાથે હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. દિલ્હી પોલિસના સ્પેશિયલ સેલે પૂણે પોલિસ સાથે સંયુક્ત ઑપરેશન કરીને કોરેગાવ હિંસાના આરોપી રોના જૈકબ વિલ્સનની દિલ્હીના મુનીરિકા સ્થિત ડીડીએ ફ્લેટમાંથી ધરપકડ કરી લીધી છે.
પૂણે પોલિસે મુંબઈ અને નાગપુરમાંથી પણ હિંસાના 1-1 આરોપીને પકડ્યા છે. આ મામલે ત્રણ ધરપકડ થઈ છે. પોલિસે રોના જૈકબ વિલ્સનને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો. જ્યાંથી તેને બે દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ વર્ષે એક જાન્યુઆરીએ મહારાષ્ટ્રના કોરેગાવ-ભીમામાં હિંસા થઈ હતી. હિંસાના એક દિવસ પહેલા યલગાર પરિષદના આયોજનમાં ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેએનયુના છાત્ર નેતા ઉમર ખાલિદ પર કથિત રીતે ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે.