યુપીની જનતાને ધ્યાનમાં રાખીને બનાવાયું છે ભાજપનું ઘોષણા પત્ર

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા ભારતીય જનતા પાર્ટી શક્ય દરેક પ્રયત્ન કરી રહી છે. પાર્ટી યુપીની ચૂંટણીમાં કોઇ કસર બાકી રાખવા માંગતી નથી. આ માટે જ ઉત્તર પ્રદેશની જનતાને સાધવા માટે ભાજપે ઘોષણા પત્ર જાહેર કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લખનઉમાં પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરતાં જણાવ્યું કે, આ ઘોષણા પત્રનું નામ લોક કલ્યાણ સંકલ્પ પત્ર રાખવામાં આવ્યું છે. પાર્ટીએ યુપીની જનતા સાથે વાતચીત કર્યા બાદ આ ઘોષણા પત્ર તૈયાર કર્યું છે. આ માટે યુપીના અલગ-અલગ ક્ષેત્રોમાં લોકો સાથે વાત કરવામાં આવી હતી. યુપીની જનતા સાથે સંવાદ સ્થાપિત કર્યા બાદ ઘોષણા પત્રનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો હતો.

અમિત શાહે લખનઉમાં જાહેર કર્યું ભાજપનું ઘોષણા પત્ર

અમિત શાહે લખનઉમાં જાહેર કર્યું ભાજપનું ઘોષણા પત્ર

ભાજપના ઘોષણા પત્રમાં રામ મંદિરના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે જ પાર્ટીના મેનિફેસ્ટોમાં ખેડૂતો, ગરીબો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ અંગે ઘણી મોટી ઘોષણાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને લેપટોપ માટે ઇન્ટરનેટ ડેટા આપવાની ઘોષણા કરવામાં આવી છે. મેટ્રો સેવાને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ ઘોષણાઓ કરવામાં આવી છે. આ સિવાય કાયદાકીય વ્યવસ્થા, મહિલા સુરક્ષા સહિત મહત્વના મુદ્દાઓનો પણ ઉલ્લેખ ઘોષણા પત્રમાં કરવામાં આવ્યો છે.

યુવતીઓ માટે ભાજપના વાયદાઓ

યુવતીઓ માટે ભાજપના વાયદાઓ

કન્યાઓની શિક્ષા સુનિશ્ચિત કરવા માટે બેટી બચાઓ, બેટી પઢાઓની યોજનાને સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવશે. ગરીબ પરિવારોમાં દિકરીના જન્મ બાદ 5001 રૂપિયા ગરીબ કલ્યાણ કાર્ડ થકી માંને આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં દરેક ગરીબ પરિવારમાં દિકરીનો જન્મ થતાં 50 હજાર રૂપિયાનો વિકાસ બોન્ડ આપવામાં આવશે. દિકરી ધોરણ 6માં પહોંચવા પર 3 હજાર રૂપિયા, ધોરણ 8માં પહોંચતા 5 હજાર, ધોરણ 10માં પહોંચતા 7 હજાર રૂપિયા અને ધોરણ 12માં પહોંચતા 8 હજાર રૂપિયા આપવામાં આવશે. દિકરી 21 વર્ષની થતાં 2 લાખ રૂપિયા આપવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ અને 100 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશની તમામ યુવતીઓને અહલ્યાબાઇ કન્યા નિઃશુલ્ક શિક્ષા અંતર્ગત સ્નાતક સ્તર સુધીની શિક્ષા નિઃશુલ્ક આપવામાં આવશે.

આરોગ્ય સેવાઓ અંગે ભાજપની ઘોષણા

આરોગ્ય સેવાઓ અંગે ભાજપની ઘોષણા

ઉત્તર પ્રદેશમાં 25 મેડિકલ કોલેજ અને 6 નવી એમ્સ હોસ્પિટલ ખોલવામાં આવશે. દરેક બ્લોકમાં દવાખાના શરૂ કરવામાં આવશે, જ્યાં સસ્તા ભાવે દવાઓ આપવામાં આવશે. સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. 15 જ મિનિટમાં એમ્બ્યૂલન્સ પહોંચશે. ગરીબોને સરકારી યોજનાઓને લાભ મળી રહે એ માટે જાતિ અને ધર્મના ભેદભાવ વિના 'ગરીબ કલ્યાણ કાર્ડ' આપવામાં આવશે.

ખેડૂતોનું પણ રાખ્યું ખાસ ધ્યાન

ખેડૂતોનું પણ રાખ્યું ખાસ ધ્યાન

ભાજપના ઘોષણા પત્રમાં ખેડૂતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમામ નાના અને સીમાંત ખેડૂતો માટે પાક ધિરાણ માફ કરવામાં આવશે. ભવિષ્યમાં શેરડીની ખેતી કરનાર ખેડૂતોને પાક વેચ્યાના 14 દિવસની અંદર સંપૂર્ણ વળતર મળી રહે એ સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર બન્યા પછી 120 દિવસની અંદર બેંકો અને સુગર મીલોના સમન્વયથી ખેડૂતોની બાકીની રકમની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર પાક ખરીદીની વ્યવસ્થા કરવામાં આવશે.

'મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ ફંડ' બનાવવામાં આવશે

'મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ ફંડ' બનાવવામાં આવશે

ખેડૂતોને ધ્યાનમાં રાખીને ભાજપે ઘણી ખાસ યોજનાઓ બનાવી છે. વર્ષ 2022 સુધી ઉત્તર પ્રદેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે એક વિસ્તૃત રોડ મેપ તૈયાર કરવામાં આવશે. દરેક ખેતરને પાણી આપવા માટે 20 હજાર કરોડનું મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ ફંડ બનાવવામાં આવશે. બુંદેલખંડના દુકાળ ગ્રસ્ત વિસ્તાર માટે ફંડમાં એક રકમ અલગ મુકવામાં આવશે.

કાયદાકીય વ્યવસ્થા અંગે ભાજપના વાયદાઓ

કાયદાકીય વ્યવસ્થા અંગે ભાજપના વાયદાઓ

સરકાર બન્યા પછી 45 દિવસોની અંદર તમામ ભાગેડુ અપરાધીઓ જેલની અંદર હશે. સરકાર બન્યા બાદ પોલીસ તંત્રના 1.5 લાખ ખાલી પદ ભરવામાં આવશે. સાંપ્રદાયિક તણાવને કારણે પ્રવર્તતા પલાયનવાદને રોકવા માટે એક વિશેષ વિભાગ બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં 'એન્ટિ ભૂ-માફિયા ટાસ્ક ફોર્સ' સ્થાપિત કરવામાં આવશે, જે હેઠળ અંડર ગ્રાઉન્ડ માફિયાઓએ જપ્ત કરેલી જમીનો મુક્ત કરાવવામાં આવશે.

મહિલાઓની ત્રણ નવી પોલીસ બટાલિયન બનાવવાની ઘોષણા

મહિલાઓની ત્રણ નવી પોલીસ બટાલિયન બનાવવાની ઘોષણા

ભાજપ સરકાર બન્યા બાદ 100 હેલ્પલાઇન યોજનામાં વ્યાપક સુધારાઓ કરવામાં આવશે, આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે પ્રાંતના કોઇ પણ વિસ્તારમાંથી ફોન કરતાં જ 15 મિનિટની અંદર પોલીસ સહાયતા મળી રહે. દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મહિલાઓની ત્રણ નવી પોલીસ બટાલિયન બનાવવમાં આવશે. યુવતીઓની છેડછાડ થતી અટાકવવા માટે એન્ટિ રોમિયો સેલ બનાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ભાજપે કરી ઘોષણા

વિદ્યાર્થીઓ માટે ભાજપે કરી ઘોષણા

તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સાથે એક વર્ષ માટે એક જીબી ડેટા મફત આપવાની ઘોષણા કરવામાં આવી છે. યુવકોને ધોરણ 12 સુધી નિઃશુલ્ક શિક્ષા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરના 10 નવા વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવશે.

રામ મંદિર અંગે

રામ મંદિર અંગે

ભાજપના આ ઘોષણા પત્રના મુખ્ય મુદ્દામાંનો એક મુદ્દો રામ મંદિરનો પણ હતો. ઘોષણા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર બન્યા પછી કાયદાકીય રીતે રામ મંદિર બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

English summary
UP assembly election 2017: BJP President Amit Shah releases party manifesto for UP polls.
Please Wait while comments are loading...