• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIC IPOને કૅબિનેટની મંજૂરી, બનશે દેશનું સૌથી મોટું જાહેર ભરણું

LIC IPOને કૅબિનેટની મંજૂરી, બનશે દેશનું સૌથી મોટું જાહેર ભરણું
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની સમિતિએ દેશની સૌથી મોટી જીવનવીમા કંપની LICના IPOને મંજૂરી આપી દીધી હોવાના અહેવાલ છે, એવું અનુમાન છે કે તે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે.

સરકાર કેટલા ટકા હિસ્સો વેચશે અને શું ભાવ રાખવામાં આવશે, તે હવે પછી નક્કી કરવામાં આવશે.

વિનિવેશમાંથી આવકના લક્ષ્યાંકને હાંસલ કરવા સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ સમગ્ર પ્રક્રિયાને આટોપી લેવા માગે છે.

ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બે જાહેર સાહસની બૅન્ક, એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપની તથા આઈડીબીઆઈના ખાનગીકરણની તથા એલઆઈસીના આઈપીઓની વાત કહી હતી.

સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બે લાખ 10 હજાર કરોડ ઊભા કરવા માગે છે.

કોરોનાને કારણે સરકારની આવક ઘટી છે, જ્યારે ખર્ચ વધ્યો છે એટલે સરકાર આવકના નવા સ્રોતો તરફ નજર દોડાવી રહી છે.

કેન્દ્ર સરકાર માટે એલઆઈસીનું ભંડોળ સોનાનાં ઈંડાં આપતી મરઘી સમાન છે, જેણે સરકારની નાણાકીય યોજનાઓને તારી છે. આ સંજોગોમાં સરકાર તેના પરથી કેટલું નિયંત્રણ હળવું કરે છે, તેના પર નિષ્ણાતોની નજર રહેશે.

ભૂતકાળમાં અનેક વખત એલઆઈસીનું ભંડોળ જાહેર સાહસની કંપનીઓ અને બૅન્કો માટે તારણહાર બન્યું છે, જેનું એક ઉદાહરણ આઈડીબીઆઈ (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા) છે.


LICનું કદ અને કહાણી

ભૂતકાળમાં અનેક વખત એલઆઈસીનું ભંડોળ જાહેર સાહસની કંપનીઓ અને બૅન્કો માટે તારણહાર બન્યું છે

જાન્યુઆરી 1956ના દિવસે 154 સ્વદેશી, 16 બિનભારતીય તથા 75 પ્રૉવિડન્ટ ફંડ કંપની મળીને લગભગ 245 કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એલઆઈસીનો ઉદ્ભવ થયો.

શરૂઆતમાં વટહુકમ દ્વારા માત્ર આ કંપનીઓનો વહીવટ હસ્તગત કરવામાં આવ્યો, બાદમાં તેની માલિકી પણ મેળવી લેવામાં આવી.

આઝાદી પછી પણ દેશના ગ્રામીણ વિસ્તારો સુધી જીવનવીમો પહોંચ્યો ન હતો, ઉપરાંત મહિલાઓને વીમો આપવાની બાબતમાં તથા તેમનાં પ્રીમિયમમાં કંપનીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો. જે એલઆઈસીની સ્થાપના બાદ દૂર થયો.

માર્ચ-2020ની સ્થિતિ પ્રમાણે, દેશની નવી પૉલિસીની સંખ્યાની દૃષ્ટિએ એલઆઈસી 76 ટકા હિસ્સો ધરાવતી હતી, જ્યારે પ્રથમ વર્ષીય પ્રીમિયમની દૃષ્ટિએ તે 69 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

કંપની 32 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે, જેમાંથી 30 લાખ 70 હજાર કરોડ જેટલું રોકાણ કરવામાં આવેલું છે. એ અરસામાં કંપનીએ લગભગ બે કરોડ 16 લાખ દાવા માટે રૂ. એક લાખ 60 હજાર કરોડનું ચુકવણું કર્યું હતું.

હાલમાં એલઆઈસી પાસે 30 કરોડ જેટલી પૉલિસી છે. એક લાખ કરતાં વધુ કર્મચારી તથા 12 લાખ લોકો એજન્ટ તરીકે કામ કરે છે.

કંપની એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ કંપની, એલઆઈસી કાર્ડ્સ સર્વિસિઝ કંપની, આઈડીબીઆઈ બૅન્ક વગેરે જેવી પેટાકંપનીઓ ધરાવે છે.

1972માં તત્કાલીન ઇંદિરા ગાંધી સરકાર દ્વારા સામાન્ય વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

દેશની 107 જેટલી વીમાકંપનીઓને ભેળવીને નેશનલ ઇન્સ્યૉરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ કંપની, ઑરિયન્ટલ ઇન્સ્યૉરન્સ કંપની તથા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કંપની એમ ચાર કંપનીની સ્થાપના કરવામાં આવી.

ઉદારીકરણની શરૂઆતમાં 1994માં દેશના વીમા સૅક્ટરનું ખાનગીકરણ કરવા આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા) દ્વારા ભલામણ કરવામાં આવી.

એ પછીનાં છ વર્ષ દરમિયાન દેશમાં રાજકીય અનિશ્ચિતતા રહી અને કેન્દ્રની ગઠબંધન સરકારોમાં ડાબેરી પક્ષોનું પ્રભુત્વ રહ્યું એટલે વીમાક્ષેત્રના ખાનગીકરણની દિશામાં કોઈ નોંધપાત્ર પગલું ન લેવાયું.

1999માં વીમાક્ષેત્રના નિયમન માટે ઇરડા (ઇન્સ્યૉરન્સ રૅગ્યુલેરટરી ડેવલપમૅન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા)ની સ્થાપના કરવામાં આવી.

વર્ષ 2000માં ઇરડાને કાયદાકીય દરજ્જો મળ્યો, જેનું કામ વીમાક્ષેત્રનું નિયમન તથા વિકાસ કરવાનું હતું. તેણે કાયદાકીય જોગવાઈનું પાલન કરાવવાનું છે અને ગ્રાહકોનાં હિતોનું રક્ષણ પણ કરવાનું છે.

ઇરડાના આંકડા પ્રમાણે, દેશમાં 24 જીવનવીમા તથા 34 સામાન્ય વીમા કંપની અસ્તિત્વ ધરાવે છે. આટલી પ્રતિસ્પર્ધા છતાં એલઆઈસી દેશમાં જીવનવીમાની દૃષ્ટિએ ટોચ પર છે અને તેની આસપાસ કોઈ નજરે નથી પડતું.

સરકાર દ્વારા આપવામાં આવેલા અણસાર મુજબ એલઆઈસીના આઈપીઓમાં કંપનીના કર્મચારીઓ તથા વીમા પૉલિસીધારકો માટે એક હિસ્સો અનામત રાખવામાં આવશે.


સંકટ સમયની સાંકળ

આ સિવાય તેમને ભરણામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી શક્યતા પણ નકારી ન શકાય. કર્મચારી સંગઠનો દ્વારા કંપનીના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં તેમનો કેટલો ગજ વાગશે તે કહેવું મુશ્કેલ છે.

વર્ષ 2017 અને '18 દરમિયાન ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ, હિંદુસ્તાન ઍરૉનૉટિક્સ, જનરલ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન તથા નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશનનાં ભરણાંને એલઆઈસીની મદદ વગર પાર કરાવવા સરકાર માટે મુશ્કેલ બની ગયાં હોત.

આ સિવાય નાણાકીય સલામતી માટે કંપનીએ લગભગ 20 લાખ કરોડ સરકારી બૉન્ડ, જામીનગીરી તથા ફંડમાં રોક્યા છે.

હવે એલઆઈસીનાં ભરણાંને સફળ બનાવવા કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારો, ભારતીય રોકાણકારો તથા સૉવરિન ફંડ સહિતના વિકલ્પો તરફ નજર દોડાવી છે.

સરકારને આશા છે કે દેશના હાઈ-નૅટવર્થ ઇન્ડિવિડ્યુઅલ તથા રિટેલ રોકાણકારો પણ આ ભરણામાં રસ દાખવશે.

https://www.youtube.com/watch?v=Ue-qTtFPLW4&t=1s

દીવાન હાઉસિંગ કૉર્પોરેશન, અનિલ અંબાણીની કંપનીઓ, જયપ્રકાશ ઍસોસિયેટ્સ, આઈઆઈએલ ઍન્ડ એફએસ વગેરેમાં એલઆઈસીએ રોકાણ કર્યું હતું, જે લગભગ ડૂબી જ ગયું છે. ગત પાંચ વર્ષ દરમિયાન તેના એનપીએ (નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ)માં બમણો વધારો થયો છે.

એલઆઈસીમાં ડેવલપમૅન્ટ ઑફિસર તરીકે કામ કરતી એક વ્યક્તિના કહેવા પ્રમાણે, "એલઆઈસીનું ભંડોળ સરકાર માટે 'સંકટ સમયની સાંકળ' જેવું છે."

"વીમાના પ્રીમિયમની રકમ સરકાર પોતાનાં જાહેર ભરણાં કે ડૂબતી કંપનીઓને બચાવવામાં લગાવે છે. એટલે 10 ટકા કરતાં વધુ હિસ્સો નહીં વેચે એવું લાગે છે."

"કોરોનાકાળ પછી દેશ તથા વિદેશની મૂડીરોકાણ કરતાં નાણાભંડોળોમાં જીવનવીમા સાથે સંકળાયેલી કંપનીઓ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. જેનો લાભ એલઆઈસીના આઈપીઓને મળી શકે છે."

એક અનુમાન પ્રમાણે, એલઆઈસીનો આઈપીઓ રૂ. એક લાખ કરોડ આસપાસનો હશે. આ સિવાય સરકારે એલઆઈસી ઍક્ટમાં પણ સુધાર કરવો પડશે, જે ચોમાસુસત્ર દરમિયાન રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

હજુ સુધી કંપની દ્વારા રેડ હૅરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરવામાં નથી આવ્યું એટલે આઈપીઓના કદ વિશે નક્કરપણે કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

ગત પાંચ વર્ષ દરમિયાન આવેલા છ મોટા આઈપીઓમાંથી પાંચ જીવન કે સામાન્ય વીમા કંપનીના હતા, જે આ ક્ષેત્રમાં રહેલી ક્ષમતા અને તેના કદ વિશે અણસાર આપે છે.

લિસ્ટિંગ બાદ એલઆઈસી દેશની ટૉપ-5 કંપનીમાંથી એક બની જશે તેવી શક્યતા છે.

એલઆઈસીનાં જાહેર ભરણાં બાદ એલઆઈસીના ચૅરમૅન સીઈઓ બની જશે અને મૅનેજિંગ ડિરેક્ટરનું પદ પણ ઊભું કરવામાં આવશે.

સામાન્ય પૉલિસીધારકને કોઈ ફેર નહીં પડે, પરંતુ તે વધુ સારી અને સ્પર્ધાત્મક સેવાઓની અપેક્ષા રાખી શકે છે.


આઈપીઓ, ઇતિહાસ અને આંકડા

ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ ઝોમેટોનો આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) બુધવાર (તા. 14 જુલાઈ)થી શુક્રવાર (તા. 16મી જુલાઈ) સુધી ખુલ્લો રહેશે. કંપની રૂ. નવ હજાર 400 કરોડ જેટલી રકમ ઊભી કરવા માગે છે.

બિઝનેસ વેબસાઇટ મનીકંટ્રોલ દ્વારા દેશના ટોચના 10 આઈપીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ ક્રમની શરૂઆત સપ્ટેમ્બર-2016માં થઈ હતી. જ્યારે આઈસીઆઈસીઆઈ (ઇન્ડસ્ટ્રિયલ ક્રૅડિટ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની રૂ. છ હજાર 57 કરોડનું જાહેર ભરણું લાવી હતી.

જનરલ ઇન્સ્યૉરન્સ કંપની ઑફ ઇન્ડિયાએ ઑક્ટોબર-2017માં રૂ. 11 હજાર 373 કરોડ બજારમાંથી મેળવ્યા. આ મહિનામાં જ એસબીઆઈ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા)ની વીમા પાંખે રૂ. આઠ હજાર 400 કરોડ ઊભા કર્યા.

ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ કંપનીએ નવેમ્બર-2017માં રૂ. નવ હજાર 600 કરોડ, એ જ મહિનામાં ખાનગી જીવન વીમા કંપની એચડીએફસી (હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન) લાઇફે આઈપીઓ દ્વારા રૂ. આઠ હજાર 695 કરોડ ઊભા કર્યા હતા.

નવેમ્બર-2010માં દેશની સૌથી મોટી કોલસા નિર્માતા સરકારી કંપની કૉલ ઇન્ડિયાનો આઈપીઓ આવ્યો હતો. એ સમયે સરકારે 17 ટકા હિસ્સો વેચીને રૂ. 15 હજાર 475 કરોડ ઊભા કર્યા હતા.

ફેબ્રુઆરી-2008માં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની રિલાયન્સ પાવરનો આઈપીઓ આવ્યો હતો, જેના દ્વારા રૂ. 11 હજાર 700 કરોડ બજારમાંથી ઊભા કરવામાં આવ્યા હતા. જે ખાનગીક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો.

https://www.youtube.com/watch?v=-KXTk0L-aBY&t=3s

મોબાઇલ વૉલેટ કંપની પેટીએમ બજારમાંથી રૂ. 21 હજાર કરોડ જેટલી રકમ મેળવવા માગે છે. જો તે સફળ રહે તો તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ખાનગી કંપનીનો આઈપીઓ હશે.

આઈપીઓ (જાહેર ભરણું) દ્વારા કંપની જનતાની વચ્ચે જાય છે અને પોતાની હિસ્સેદારીના બદલામાં નાણાં મેળવે છે. કંપનીની પ્રતિષ્ઠા ઊંચી હોય તો તે શૅરના મૂળ ભાવ (સામાન્યતઃ રૂ. એક, બે કે 10 હોય છે) પર પ્રીમિયમ વસૂલે છે.

ઉદાહરણ તરીકે, રૂ. 10 શૅરનો ભાવ છે અને 100 ટકા પ્રીમિયમ વસૂલે તો એક શૅર મેળવવા માટે ભરણું ભરનારે રૂ. 20 ચૂકવવાના રહે. સામાન્ય રોકાણકાર રૂ. બે લાખની મહત્તમ મર્યાદામાં આવેદન કરી શકે, આ સંજોગોમાં મહત્તમ 10 હજાર શૅર માટેની અરજી કરી શકે.

જેટલી અરજીઓ આવી હોય અને જેટલા શૅર ભરણાં માટે મૂકવામાં આવ્યા હોય, તેના ગુણોત્તરમાં ફાળવણી કરવામાં આવે છે. ધારો કે જો ભરણું બે ગણું ભરાયું હોય તો દરેક ગ્રાહકને પાંચ હજાર શૅર મળશે.


વીમો, વતન અને વ્યવહાર

1818માં કલકત્તા (હાલનું કોલકાતા) ખાતે ઑરિયેન્ટલ લાઇફ ઇન્સ્યૉરન્સની શરૂઆત થઈ હતી, જે દેશની પ્રથમ જીવન વીમા કંપની ગણી શકાય.

1857ના વિપ્લવને હજુ લગભગ ચાર દસકનો સમય હતો અને સમગ્ર દેશ પર બ્રિટિશરોનું એકહથ્થું શાસન સ્થપાયું ન હતું.

એ અરસામાં ઓએલઆઈ દ્વારા મુખ્યત્વે અંગ્રેજો તથા યુરોપિયનોને જ વીમા વેચવામાં આવતા હતા અને ભારતીયોને તેમાં કોઈ સ્થાન ન હતું. જ્યારે કોઈ ભારતીયને જીવન વીમો આપવામાં આવતો ત્યારે તેની પાસેથી ઊંચું પ્રીમિયમ વસૂલવામાં આવતું.

સંપૂર્ણ સ્વદેશી વીમા કંપની માટે ભારતીયોએ લગભગ 60 વર્ષની રાહ જોવી પડી.

1870માં સ્થાપિત બૉમ્બે મ્યુચ્યુઅલ લાઇફ ઍસ્યૉરન્સ કંપની પ્રથમ ભારતીય કંપની હતી. 1905- '07 દરમિયાનના સ્વદેશી અભિયાન સમયે અનેક ભારતીય વીમા કંપનીઓનો જન્મ થયો.

1912માં તત્કાલીન સરકાર દ્વારા વીમા કંપનીઓનું નિયમન કરવા માટેનો કાયદો લાવવામાં આવ્યો.

સદીના શરૂઆતના બે દાયકા દરમિયાન મોટા પાયે વીમા કંપનીઓ ફૂટી નીકળી, જેમાંથી કેટલીક આર્થિક રીતે સદ્ધર પણ ન હતી.

આથી, સામાન્ય નાગરિકોના હિતોના રક્ષણ માટે તથા કંપનીઓ પર લગામ કસવા માટે 1928માં અને તે પછી ફરી એક વખત 1938માં તત્કાલીન અંગ્રેજ સરકાર દ્વારા કાયદા લાવવામાં આવ્યા હતા.

જીવન વીમા કંપનીઓના રાષ્ટ્રીયકરણ તથા એલઆઈસીની સ્થાપના બાદ લગભગ પાંચ દાયકા સુધી કંપનીએ આ ક્ષેત્રમાં એકહથ્થું શાસન ભોગવ્યું.https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Cabinet approval for LIC IPO, to become country's largest public offering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X