
‘યુ' સર્ટિફિકેટ સાથે સેન્સર બોર્ડે પાસ કરી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી, 11 એપ્રિલે થશે રિલીઝ
વિવેક ઓબેરૉયની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી, એ બાયોપિકને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. સેન્સર બોર્ડે ફિલ્મને યુ સર્ટિફિકેટ આપ્યુ છે અને હવે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મ 2 કલાક 10 મિનિટ અને 53 સેકન્ડની છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે એ અરજીને ફગાવી દીધી છે જેમાં ઉમંગ કુમારની આ ફિલ્મની રિલીઝને આગળ વધારવાની વાત કહેવામાં આવી હતી. વળી, કોર્ટે કહ્યુકે એ ચૂંટણી કમિશન પર નિર્ભર કરે છે કે તે જુએ કે ફિલ્મની રિલીઝથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યુ. જો આવુ હોય તો તેની ચકાસણી કરે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાના નેતૃત્વવાળી બેંચે મંગળવારે કહ્યુ કે આ અરજી સમયપૂર્વ છે કારણકે ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે. બેંચે કહ્યુ કે અમે અરજીની સુનાવણીને યોગ્ય નથી માનતા. કેસમાં અરજીકર્તા ચૂંટણી કમિશન પાસે મદદ માંગી શકે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહે કહ્યુ કે ફિલ્મ 11 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ દિવસે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે.
ફિલ્મની રિલીઝ ટાળવાની અરજી કરનાર કોંગ્રેસ કાર્યકર્તા અમન પવારનું કહેવુ છે કે ફિલ્મ એક એજન્ડા હેઠળ મતદારોને રીઝવવા માટે બનાવવામાં આવી છે. એવામાં આની રિલીઝને ચૂંટણીના અંત સુધી ટાળી દેવી જોઈએ. ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી રહેલ વિવેક ઓબેરૉયે ટ્વીટર પર લખ્યુ કે, 'તમારા આશીર્વાદ, સમર્થન અને પ્રેમથી અમને સુપ્રીમ કોર્ટમાં જીત મળી ગઈ છે. લોકતંત્ર પર વિશ્વાસ જાળવી રાખવા માટે તમારો અને ભારતીય ન્યાયપાલિકાનો આભાર. ગુરુવાર 11 એપ્રિલ, જય હિંદ.'
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી આતંકીઓ સાથે ILU-ILU કરી શકે છે પરંતુ અમે તેમને જડબાતોડ જવાબ આપીશુઃ અમિત શાહ