
તિમ્માપુરમમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક નક્સલી ઠાર
રાંચી, 30 જાન્યુઆરી : છત્તીસગઢના ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે અને સર્ચ ઓપરેશન હજૂ ચાલુ છે. એસપી સુકમા સુનીલ શર્માએ આ અંગે જાણકારી આપી છે.
આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરતા એસપી સુકમા સુનીલ શર્માએ જણાવ્યું કે, ચિંતલનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તિમ્માપુરમના જંગલ વિસ્તારમાં રવિવારના રોજ ડીઆરજી અને કોબ્રા 201 બીએન દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના માટે સુરક્ષા દળોએ નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. હજૂ પણ સ્થળ પર ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, સુકમા છત્તીસગઢમાં ગંભીર રીતે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. જંગલી અને ગ્રામીણ વિસ્તારોમાં નક્સલવાદીઓનો દબદબો છે. તેમના નેટવર્કને નષ્ટ કરવા માટે સુરક્ષા દળના જવાનો અહીં સતત સર્ચ ઓપરેશન પણ ચલાવે છે. તાજેતરના સમયમાં ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.