For Quick Alerts
For Daily Alerts
કોલસા કૌભાંડ : સીબીઆઇના 7 શહેરોમાં 16 સ્થળોએ છાપા
નવી દિલ્હી, 15 ઑક્ટોબર : આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ કોલસા બ્લોકની ફાળવણીમાં કરવામાં આવેલા કૌભાંડમાં પોતાની તપાસ આગળ વધારતા બે કંપનીઓ વિરુધ્ધ છેતરપિંડી અને ગોટાળા કરવાનો આરોપ લગાવી બે નવા કેસ નોંધ્યા છે. આ સાથે સીબીઆઇએ દિલ્હી અને હૈદરાબાદ સહિતના 7 શહેરોમાં જુદી જુદી 16 જગ્યાએ છાપા માર્યા છે.
સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર કેપ્ટિવ કોલસા બ્લોક માટેના આવેદનામાં છેતરપિંડી અને ગેરરીતિના આરોપમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને એક સ્ટીલ કંપનીની વિરુધ્ધમાં કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે એજન્સીએ કેસ નોંધ્યા બાદ હૈદરાબાદ, સતના, સિકંદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર, રાઉરકેલા અને દિલ્હીમાં આવેલી બંને કંપનીઓની ઓફિસમાં છાપા માર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીઓએ કોલસા બ્લોક મેળવવા માટે ભરવામાં આવતા ફોર્મમાં ખોટી માહિતી આપી હતી. નવા કેસ નોંધવાની સમગ્ર પ્રક્રિયા વર્ષ 2006થી 2009 વચ્ચે કરવામાં આવેલી કોલસા બ્લોકની ફાળવણીના સંબંધમાં છે. આ સમગ્ર કેસમાં સીબીઆઇએ અત્યાર સુધીમાં કુલ સાત કેસ નોંધ્યા હતા.