ઇઝરાયેલી ટીમ જ્યોર્જ દ્વારા ઈલેક્શનમાં દખલ મુદ્દે કોંગ્રેસના બીજેપી પર પ્રહાર, તપાસની માંગ કરી
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર ઈઝરાયેલની ટીમ જ્યોર્જ સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેની સીધી અસર દેશમાં ચૂંટણી પ્રક્રિયા પર પડે છે.
નવી દિલ્હી : ઈઝરાયેલની ટીમ દ્વારા ચૂંટણીમાં કથિત હસ્તક્ષેપના અહેવાલ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. હવે કોંગ્રેસે આને લઈને બીજેપી પર નિશાન સાધ્યું હતું. આંતરરાષ્ટ્રીય પત્રકારોની એક ટીમ દ્વારા તપાસ અહેવાલના એક દિવસ બાદ આ દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની ટીમે હેકિંગ, તોડફોડ અને ઑનલાઇન ખોટી માહિતી જેવા માધ્યમોનો ઉપયોગ કરીને ભારત સહિત વિશ્વભરની 30 થી વધુ ચૂંટણીઓમાં દખલ કરી હતી. આ પછી કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને તપાસની માંગ કરી છે.

અહીં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર ઈઝરાયેલની ટીમ જ્યોર્જ સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેની સીધી અસર દેશમાં ચૂંટણી પ્રક્રિયા પર પડે છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટે જણાવ્યું કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને જીમેલ જેવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ પર નકલી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા માટે ઇઝરાયેલની ટીમ જવાબદાર છે. આરોપ છે કે બીજેપીના આઇટી સેલને જ્યોર્જ ટીમની મોડસ ઓપરેન્ડી બતાવી હતી. તેમણે કહ્યું કે તે ભારતની ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર કરે છે. આની તપાસ થવી જોઈએ.
સુપ્રિયા શ્રીનેટે મોટો આરોપ લગાવતા કહ્યું કે, આ પહેલીવાર નથી કે જ્યારે મોદી સરકાર પર ડેટા ચોરીના આરોપો લગાવવામાં આવ્યા હોય. મોદી સરકાર પોતાના ફાયદા માટે ડેટા સાથે રમવા માટે જાણીતી છે. તેમણે પીએમ મોદી પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 60 ટકાથી વધુ નકલી ફોલોઅર્સ હોવાનો પણ આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે ટ્વિટર પર 18,000 થી વધુ નકલી એકાઉન્ટ્સ હજુ પણ ભાજપ માટે ફેક માહિતી ફેલાવે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલની જાસૂસી કંપની ટીમ જ્યોર્જ પર દુનિયાના 30થી વધુ દેશોની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ છે. ટીમ જ્યોર્જ તેના ગ્રાહકોને એડવાન્સ્ડ ઈમ્પેક્ટ મીડિયા સોલ્યુશન નામનું સોફ્ટવેર પૂરું પાડે છે. તેના દ્વારા આ દેશોમાં નકલી સોશિયલ મીડિયા કેમ્પેઈન શરૂ કરાય છે.












Click it and Unblock the Notifications
