કોંગ્રેસે છત્તીસગઢના પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા!
છત્તીસગઢમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ સીએમ ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટીએસ સિંહ દેવ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ બંને વચ્ચે સમાધાન માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવ સાથે બેઠક યોજી હતી અને બંને વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિવાદ પૂરો થાય તેમ લાગતું નથી. રાજ્યના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને છત્તીસગઢથી દિલ્હી બોલાવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ શુક્રવારે ફરી એકવાર દિલ્હી જશે અને રાહુલ ગાંધીને મળશે. આ રાહુલ સાથે તેમની બીજી મુલાકાત હશે. બીજી તરફ ટીએસ સિંહદેવ મંગળવારે રાહુલ ગાંધીને મળ્યા બાદ છત્તીસગઢ પાછા ગયા નથી, તે હજુ પણ દિલ્હીમાં છે.
છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાએ કહ્યું છે કે ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવ વચ્ચે કોઈ તણાવ નથી. બઘેલ અને દેવ બંનેએ સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષનું નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. જો કે વિવાદ પુરો થાય તેમ લાગતું નથી.
ઉલ્લેખનિય છે કે. ટી.એસ.સિંહદેવ કેમ્પ દાવો કરી રહ્યો છે કે જ્યારે બઘેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે નક્કી થયું હતું કે પ્રથમ અઢી વર્ષ ભૂપેશ મુખ્યમંત્રી રહેશે અને ત્યાર બાદ અઢી વર્ષ સિંહદેવ રહેશે. બઘેલના સીએમ તરીકે અઢી વર્ષ પૂર્ણ થયા બાદ હવે સિંહ દેવ સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે. ભૂપેશ બઘેલ વતી એવું કહેવામાં આવ્યું છે કે અઢી વર્ષની કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી ન હતી.
મંગળવારે રાહુલ ગાંધીએ ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવ સાથે લગભગ ત્રણ કલાક સુધી બેઠક કરી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પીએલ પુનિયા પણ હાજર હતા. બેઠક બાદ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયાએ આ બેઠકમાં મુખ્યમંત્રી બદલવા અંગે કોઈ ચર્ચા થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં ડિસેમ્બર 2018 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી. તે સમયે મુખ્યમંત્રી પદ માટે ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુના નામ મોખરે હતા. તે સમયે હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદ ભૂપેશ બઘેલને સોંપ્યું હતું. થોડા સમય પછી ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા. તે હવે ખુલ્લીને સામે આવી ગયા છે.