• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાઇરસ : શું કોરોના જેવી મહામારી પૂરતું વસિયતનામું તૈયાર થઈ શકે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીએ રાજ્ય અને દેશને ભરડામાં લીધા પછી લોકો એ બાબતે વધુ સજાગ થયા છે કે જો કાલે પોતે ન હોય તો મિલકતનું શું થશે?

મિલકત કઈ રીતે સંતાનોમાં વહેંચાશે? સંતાન ન હોય તો મિલકતનું શું થશે? આ બધા પ્રશ્નો લોકોના મનમાં હોય તે સ્વાભાવિક છે.

કોરોના પછી વસિયતનામું એટલે કે વિલ બનાવવાની લોકોમાં જાગૃતિ વધી છે એવું અમદાવાદમાં રહેતા અને એસ્ટેટ પ્લાનિંગમાં વકીલાતનો અભ્યાસ કરેલા વકીલ માનુષી દેસાઈનું કહેવું છે.

માનુષી દેસાઈએ વસિયતનામા વિશે કેટલાંક વેબિનાર કોરોનાકાળમાં કર્યા હતા.

એસ્ટેટ પ્લાનિંગ એ ફૅમિલી લૉનો ભાગ છે. વેબિનારમાં તેમને અપેક્ષા કરતાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

માનુષી કહે છે કે, "એક સામાન્ય માન્યતા લોકોમાં એવી છે કે સંપત્તિનું આયોજન - વસિયતનામું ઘરડાં થઈએ ત્યારે જ કરવું જોઈએ, ખૂબ પૈસા હોય ત્યારે અથવા તો ધંધો મોટો હોય તો કરવું જોઈએ. કોરોના પછી લોકોની આ માનસિકતામાં ફેરફાર આવ્યો છે. હવે લોકો જુવાન વયે પણ વસિયતનામું બનાવવામાં રસ દાખવતા થયા છે."

વસિયતનામું કે વિલ એક એવો કાયદાકીય દસ્તાવેજ છે જેમાં એને બનાવનાર વ્યક્તિ એ નક્કી કરે છે કે તેના મરણ બાદ તેની સંપત્તિનું શું થશે.

આ દસ્તાવેજને તૈયાર કરનાર વ્યક્તિ પોતાના જીવતેજીવ પોતાની વસિયત ગમે ત્યારે રદ કરી શકે છે કે એમાં ફેરફાર કરી શકે છે.

વસિયતની કાયદાકીય માન્યતા નક્કી કરવા માટે એ જરૂરી છે કે એનું અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય.


આજે બનાવેલું વિલ કાલે રદ્દ કરી શકાય

https://www.youtube.com/watch?v=GX8gMBq6A0c

પુખ્ત વયની વ્યક્તિ વિલ તૈયાર કરી શકે છે. માનુષી દેસાઈ કહે છે કે "18 વર્ષથી ઉપરની ઉંમરની કોઈ પણ વ્યક્તિ વસિયતનામું કરાવી શકે છે. કોરોનાકાળમાં અમે એવું પણ જોયું છે કે યુવા દંપતીઓ હોય તો તેમણે બંનેએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિલ તૈયાર કરાવ્યાં છે. કોરોનામાં એવા કેસ થયા છે કે માબાપ બંને ગુજરી ગયાં હોય અને બાળકો રહી જતાં હોય છે. તેથી એવા કિસ્સાઓને ધ્યાને લઈને લોકોએ વિલ તૈયાર કરાવ્યાં છે."

કોરોના જેવી મહામારી આવે તો એ મહામારીના તબક્કા પૂરતું કોઈ વિલ તૈયાર કરી શકે?

એના જવાબમાં માનુષી કહે છે કે, "તકનિકી રીતે જોઈએ તો એવું થઈ શકે, પરંતુ એના કરતાં પણ સામાન્ય બાબત એવી છે કે આવી કોઈ મહામારી આવે તો લોકો વિલ બનાવવા આગળ આવતા હોય છે અથવા તો પોતાની પાસે જે વિલ બનાવેલું હોય તેમાં ફેરફાર કરાવતા હોય છે.

"એવું પણ થાય કે મહામારી ઓસરી જાય પછી એમાં કરેલા ફેરફાર કે વિલને રદ કરાવી શકે છે. વિલ તો આજે બનાવ્યા પછી કાલે પણ કૅન્સલ થઈ શકે છે."


મહિલાએ વિલ તૈયાર કરવું શા માટે જરૂરી છે?

કોરોનાકાળમાં લોકોને અણધાર્યું મૃત્યુ આવતું હતું. માનુષી દેસાઈ કહે છે કે "કોરોના સિવાયના સામાન્ય સંજોગમાં પણ મહિલાઓએ વસિયતનામું બનાવવું જરૂરી છે. જો તે કંઈ કમાણી કરતી હોય અને તેનાં લગ્ન થાય અને દુર્ભાગ્યે ગુજરી જાય તો એની કમાણી તેના સાસરીયાને મળતી હોય છે, તેનાં માતાપિતાને કેટલીક વખત નથી મળતી હોતી. તેથી આવા પ્રશ્નો ન ઊભા થાય તે માટે મહિલાએ વિલ ખાસ તૈયાર કરવું જોઈએ અને તેણે એમાં જણાવવું જોઈએ કે કોને શું આપવું અને શું નહીં?"

માનુષી દેસાઈએ તેમના પિતા અને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ સત્યજિત દેસાઈ સાથે મળીને કોરોનાકાળમાં વેબિનાર્સ આયોજિત કર્યા હતા.

સત્યજિત દેસાઈએ 'મુલ્લા ઑન હિન્દુ લૉ' તેમજ 'ધ લૉ ઑફ પાર્ટનરશિપ ઇન ઇન્ડિયા' જેવા કાયદાના અભ્યાસનાં પુસ્તકો લખ્યાં છે.

ચાર્ટડ એકાઉન્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા, ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ, સ્પૉર્ટ્સ ક્લબ ઑફ ગુજરાતને સાંકળીને તેમણે જે વેબિનાર આયોજિત કર્યા એમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

માનુષી કહે છે કે, "એ વેબિનાર્સ પછી 600 જેટલા લોકોએ વસિયતનામું તૈયાર કરવા વિશે પૂછપરછ કરી હતી. કેટલાક એવા પણ હતા જેમણે વસિયતનામું તૈયાર કરી રાખ્યું હતું. વેબિનારમાં ભાગ લીધા પછી કેટલીક વિગતો ઉમેરવા માટે અમારો સંપર્ક કર્યો હતો."

આ તો થઈ કોરોના પછી લોકોમાં આવેલી વસિયતનામાં વિશેની સજાગતાની વાતો. હવે વસિયતનામાં વિશેની કેટલીક પાયાની બાબતો જાણીએ.


વ્યક્તિ મૃત્યુ પછી અંગદાન કરવા માગતી હોય તો 'લિવિંગ વિલ' બનાવી શકે

વસિયતનામાંના બે પ્રકાર છે, લિવિંગ વિલ અને નૉર્મલ વિલ. એના વિશે વિગતે છણાવટ કરતાં સત્યજિત દેસાઈ કહે છે કે, "સામાન્ય વિલમાં વ્યક્તિ પોતાની હયાતીમાં માલિકીની મિલકત કઈ રીતે વહેંચવી, કોને-કોને વહેંચવી એ લખીને જતી હોય છે. લિવિંગ વિલ એ છે કે તમે જ્યારે હયાત હો અને તમારી શારીરિક ક્ષમતા નથી તો તમે કોઈ નિર્ણય લઈ શકો."

"તો એ સંજોગોમાં તમે બીજાને પાવર આપો છો કે તે નિર્ણય લે. જેમ કે, તમારે કોરોના કે અન્ય બીમારીમાં ગંભીર સ્થિતિમાં વૅન્ટિલેટર પર જવું કે ન જવું એ ડૉકટર તમને પૂછી શકે એમ ન હોય ત્યારે એ વ્યક્તિને પૂછી શકે છે. પશ્ચિમી દેશોમાં એવું છે કે વ્યક્તિ કૉમામાં જતી રહે અને એમાં જ ગુજરી જાય તો એ દરમિયાન તેની મિલકતનું શું કરવું એ લિવિંગ વિલમાં ગણાય છે. ભારતમાં આ પ્રકારનું લિવિંગ વિલ માન્ય નથી."

"ભારતમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે લિવિંગ વિલ ભારતમાં તમે માત્ર તમારા આરોગ્ય પૂરતું જ કરી શકો. જેમ કે, કોઈ વ્યક્તિ કૉમામાં જતી રહે તો એને વૅન્ટિલેટર પર મૂકવી કે ન મૂકવી તે પોતે વિલમાં લખી શકે છે."

"લિવિંગ વિલમાં મરણ પછી અંગદાન કરવું વગેરે લખી શકે છે. કોરોના જેવી મહામારી ફેલાય કે વ્યક્તિ અચાનક ગંભીર બીમારીમાં સપડાય ત્યારે આ પ્રકારનું વિલ હોય તો ખૂબ કામ લાગે છે. વ્યક્તિ પોતાના કોઈ ચોક્કસ અંગ કે અવયવનું દાન કરવા ઇચ્છતી હોય તો એ પણ લિવિંગ વિલમાં લખી શકે છે."

તેઓ જણાવે છે કે, "ઘણી વખત વ્યક્તિના જીવનના છેલ્લા દિવસો કે ક્ષણ ગણાઈ રહી હોય ત્યારે તે હોશહવાસમાં ન હોય, એવે વખતે ડૉક્ટર્સ તેના પરિવારજનોને કહેતા હોય છે કે તમે તેમના શરીરનાં અંગોના દાન માટેનો નિર્ણય લો, જેથી એ અવયવો અન્યના જીવનમાં કામ લાગી શકે."

"અકસ્માતમાં કોઈ અણધાર્યું મૃત્યુ થયું હોય ત્યારે પણ આવું થતું હોય છે. વ્યક્તિ જો લિવિંગ વિલ કરીને ગઈ હોય તો એ આ સંજોગમાં કામ લાગી શકે છે."


ક્રિપ્ટૉકરન્સી તેમજ પાલતુ કૂતરાં કે બિલાડીને પણ વિલમાં સ્થાન મળી શકે

સમયની સાથે પરંપરા અને રહેણીકરણી બદલાઈ રહી છે. લોકો પાળેલાં કૂતરાં કે બિલાડી વગેરેને પણ જીવનનો મહત્ત્વનો અંગ માનતા હોય છે.

સત્યજિત દેસાઈ કહે છે કે, "પાલતુ પ્રાણીઓ માટે વસિયતનામામાં લખ્યું હોય એનું ચલણ અમેરિકામાં છે, આપણે ત્યાં પણ હવે એ ટ્રૅન્ડ આવી રહ્યો છે."

"કોઈ વ્યક્તિ પાસે સંપત્તિ હોય અને કૂતરો કે બિલાડી પાળી હોય તો તે વિલમાં સંપત્તિની વહેંચણી ઉપરાંત પાલતુ પ્રાણી કોની પાસે જશે એ પણ લખી શકે છે. એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ લખીને ગઈ હોય કે તે ન હોય ત્યારે પોતાનાં પાળેલાં પ્રાણી માટે આટલા પૈસા મૂકી રાખ્યા છે. તેથી જેણે ધ્યાન રાખવાનું છે એ પછી એવી રીતે ધ્યાન રાખે."

સત્યજિત દેસાઈ કહે છે કે, "વિલ દર પાંચ-છ વર્ષે રિવ્યૂ કરવું જોઈએ. સમયની સાથે મિલકતમાં ફેરફાર થયા હોય, પરિવાર વિસ્તર્યો હોય."

"આના આધારે વિલમાં સુધારાવધારા કરતાં રહેવા જોઈએ."

માનુષી કહે છે કે, "હવે એવાં પણ વિલ બને છે જેમાં ક્રિપ્ટૉકરન્સીનો પણ સમાવેશ લોકો કરતાં થયા છે. જેમ કે વ્યક્તિ વિલમાં લખાવી શકે કે મારી ક્રિપ્ટૉકરન્સી પરિવારમાં આ વ્યક્તિને જવી જોઈએ."

"મારી રૉલેક્સ ઘડીયાળ છે તે આ વ્યક્તિને મળે. બહુમૂલ્ય વસ્તુઓ કોને આપવી એ પણ વિલમાં લખાય છે. એક ધીમો ફેરફાર એ પણ જોવા મળે છે કે હવે દીકરા અને દીકરીને સમાન વહેંચણી કરવામાં આવે છે, જે અગાઉ નહોતું થતું. અગાઉ વિલમાં માત્ર દીકરાને જ સંપત્તિમાં મોટે ભાગે હિસ્સો મળતો હતો."


વિલ તૈયાર થઈ જાય પછી નોંધણી કરાવવી પડે?

વિલ તૈયાર કરીને પછી શું કરવાનું? ઘરમાં રાખવાનું? બૅન્કના લૉકરમાં રાખવાનું? કે સરકારી કચેરી કે કોર્ટમાં જમા કરાવવાનું? આવા સવાલ ઘણાનાં મનમાં હોય છે.

સત્યજિત દેસાઈ જણાવે છે કે, "ઇન્ડિયન રજિસ્ટ્રેશન ઍક્ટ હેઠળ વિલની નોંધણી કરાવી શકાય છે, જો કરાવવી હોય તો. પણ એ ફરજિયાત નથી."

"જોકે નોંધણી કરાવવાનો ફાયદો એ છે કે ભવિષ્યમાં કોઈ વિવાદ થાય કે વિલને લઈને સવાલ થાય તો કોર્ટમાં સરળતા પડે."

"પુરાવા તરીકે એ વિલ મૂકી શકાય. વિલ તમે તમારા વકીલ પાસે મૂકી શકો છો. તમારા ઘરમાં તાળાકૂંચીમાં પણ રાખી શકો છો. આવા સંજોગોમાં જરૂરી એ છે કે તમારા ઘરના કોઈ વિશ્વાસુને કે કોઈ ખાસ મિત્રને કહી રાખો કે તમારું વિલ આ ઠેકાણે પડ્યું છે."

"ક્યારેક એવું થાય કે વ્યક્તિ ગુજરી જાય અને મિલકતોના વિવાદ થાય કે વહેંચણી થઈ જાય પછી વિલ પાંચ-સાત વર્ષે મળે તો એની સામે સવાલો થાય. વિલ સાચું હોય પણ જેણે એ લાંબા ગાળે બહાર કાઢ્યું હોય એની સામે સવાલ થાય કે તેણે ઉપજાવી તો નથી કાઢ્યું ને? તેથી વિલ ક્યાં પડ્યું છે તેની કોઈક વિશ્વાસુને જાણ હોવી જોઈએ."

કેટલાક લોકો સાદા કાગળમાં પોતાના મરણ પછી મિલકત કોને આપવી એનું વિવરણ કરી જાય તો એ વીલ તરીકે ગણાય કે નહીં?

અ સવાલના જવાબમાં સત્યજિત દેસાઈ કહે છે કે, "કાયદા પ્રમાણે જોવા જાવ તો વિલ એટલે શું? તમે સમગ્ર વિલ તૈયાર કરો. એમાં બે સાક્ષી અને વિલ બનાવનાર સહી કરે એટલે વિલ થઈ ગયું. જેને નૉર્મલ વિલ કહેવાય. ઘણી વખત એવું જોવામાં આવે છે કે માણસની તબિયત ગંભીર છે અને તેણે કંઈ પણ તૈયાર કર્યું નથી."

"તેને એમ થાય કે હું કંઈક તો લખીને જાઉં. નાની નોટબુકમાં પણ એ એવું લખીને જાય કે મારી ઇચ્છા એવી છે કે મારી મિલકત મારાં દીકરા-દીકરી વચ્ચે સરખી વહેંચાય. આવા કિસ્સાઓમાં કોર્ટે માન્ય રાખ્યું હોય એવું પણ જોવા મળ્યું છે, કેમ કે કાયદામાં એને 'ડૉક્યુમેન્ટ ઇન ધ નૅચર ઑફ વિલ' કહેવાય છે. એ વિલ જેવો દસ્તાવેજ છે તેથી એને માન્યતા મળે ખરી."

સવાલ એ થાય કે જો કોઈ મોબાઇલના વૉટ્સઍપમાં લખીને કોઈને મોકલી દે કે અવાજ રેકૉર્ડ કરીને વૉટ્સઍપ કર્યો હોય તો એ વિલ તરીકે માન્ય ગણાય ખરાં?

એના જવાબમાં સત્યજિત દેસાઈ કહે છે કે, "ના. પુરાવાની દૃષ્ટિએ તે માન્ય રખાતું નથી. સુપ્રીમ કોર્ટે એક રૂલિંગમાં કહ્યું કે વૉટ્સઍપ ચેટ હોય તેને પુરાવા તરીકે ન ગણવા. તેથી એક રીતે જુઓ તો ઇલેક્ટ્રોનિક પુરાવા તરીકે ગણવામાં ન આવે. પરંતુ, અન્ય કોઈ પુરાવા સાથે એને વાંચો તો કોર્ટ કોઈક તારણ પર આવી શકે, પણ પ્રાથમિક પુરાવા તરીકે એ ન ગણાય. સંદર્ભ તરીકે કદાચ ગણી શકાય."


સંતાન દત્તક લીધું હોય તો વિલમાં કોઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું પડે?

સત્યજિત દેસાઈ કહે છે કે, "ના એવું તો નથી. કાયદો કહે છે કે વ્યક્તિનું પોતાનું હોય કે તેણે દત્તક લીધું હોય તે બંને સ્થિતિમાં સંતાન સરખાં જ ગણાય. ઘરમાં બાળક હોય અને બીજું બાળક દત્તક લેવામાં આવે કે પછી સંતાન દંપતીને બાળક ન થતું હોય અને દત્તક લીધા પછી દંપતીને બાળક અવતરે. આવા દરેક સંજોગોમાં બંને બાળકોના હક સરખા બને છે."

માનુષી દેસાઈ કહે છે કે, "ક્યારેક એવું પણ થતું હોય છે કે સંતાન પરિવારમાંથી જ દત્તક લેવામાં આવ્યું હોય. જેમ કે, કાકા-મામા-ફોઈના સંતાનને દત્તક લીધું હોય તો પછી તેને જન્મ દેનારા માતાપિતા પાસેથી હિસ્સો ન મળે. તેને દત્તક લેનારાં માતાપિતાની મિલકતમાં જ હિસ્સો મળી શકે."

"એમાં એક બાબત એવી પણ છે કે એ બાળક દત્તક લેવાયું હોય એ અગાઉ તેને જન્મ આપનારાં માતાપિતાએ કોઈ મિલકત કે પૈસા એના નામે કરી દીધા હોય તો એમાં એ દત્તક બાળકનો હક બને છે."

જો વિલમાં સુધારો કે ઉમેરો કરવો હોય તો વીલ બનાવનાર પાસે જ જવું પડે કે વ્યક્તિ પોતે પણ કરી શકે?

આવા સવાલ પણ ઘણા લોકોના મનમાં હોય છે, તો સત્યજિત દેસાઈ કહે છે કે, "એ બે રીતે થઈ શકે. સહેલી રીત એ કે નવું વિલ બનાવો. એમાં લખો કે મારી ફલાણી તારીખનું જૂનું વિલ રદ્દ કરું છું. આ સિવાય બીજો વિકલ્પ એ છે કે આખું વિલ કૅન્સલ ન કરતાં એક બૉડીસીલનો ઉપયોગ થાય છે."

"બૉડીસીલ એટલે તમારા વિલની અંદર જે ઉમેરો, સુધારો કે ફેરફાર કરો છો એ દસ્તાવેજ. જે વિલમાં દર્શાવવામાં આવે કે આ મુદ્દામાં મેં આવું લખ્યું હતું પણ હવે તેની જગ્યાએ આ ધ્યાને લેવામાં આવે. જે વકીલ પાસે વિલ તૈયાર કરાવ્યું હોય તેની પાસે એ કરાવી શકાય તેમજ અન્ય વકીલ પાસે પણ એ ફેરફાર કરાવી શકાય."

ત્રણ સંતાન હોય અને વડીલ જેના પ્રત્યે લગાવ રાખતાં હોય તેના નામે જ વિલમાં મિલકત લખી ગયા હોય તો માત્ર એકને જ મિલકત મળે કે તમામ હકદાર કહેવાય?

આ વાત અલગ-અલગ રીતે લાગુ પડે છે એવું જણાવીને સત્યજિત દેસાઈ કહે છે કે, "હિન્દુ કાયદાની વાત કરીએ તો કોઈ પિતા પાસે તેની વડીલોપાર્જિત મિલકત હોય તો એમાં એ પિતાના દરેક સંતાનનો હિસ્સો બને છે. જેમ કે, વડીલનું વારસાગત મકાન હોય તો તેમના સંતાનને સરખે ભાગે વહેંચાય."

"પિતાએ પોતે બનાવેલી એટલે કે સ્વપાર્જિત મિલકત હોય તો તે પોતાને લગાવ ધરાવતાં સંતાનને નામે વિલમાં લખી શકે છે. અલબત્ત, પિતા વારસાઈ મિલકત માટે પણ વિલ કરી શકે, પરંતુ એમાં તેમનો જેટલો હિસ્સો હોય એટલા પૂરતું કરી શકે."


વિલ બનાવવામાં કેટલો ખર્ચ થાય?

https://www.youtube.com/watch?v=OM1yccvdwPU

માનુષી કહે છે કે એ મિલકત પર નિર્ભર કરે છે, તો સત્યજિત કહે છે કે વિલ સામાન્ય ખર્ચમાં પણ થઈ શકે છે.

સત્યજિત કહે છે, "કૉમ્પ્લેક્સ એટલે કે સંકીર્ણ વિલ હોય તો ખર્ચ વધી જાય છે. વિલ કેટલું સરળ અને કેટલું સંકીર્ણ છે એના પર ખર્ચ નક્કી થાય છે. વિલ ત્રણ હજારમાં પણ બની જાય અને લાખોમાં પણ તૈયાર થાય."

"કોઈ વ્યક્તિ કહે કે મારી પાસે પંદર મિલકતો છે અને મારે બે દીકરીને જ આપવી છે તો એ વિલ બનાવવું સરળ છે. જ્યારે કે એ જ મિલકત અલગ-અલગ રીતે અલગ-અલગ લોકોને જુદા-જુદા તબક્કે ફાળવવાની વાત હોય તો એમાં ખર્ચ વધી જાય."

પરણ્યા પછી દીકરીને પિયર અને સાસરા એમ બંનેની મિલકતમાં હિસ્સો મળે કે નહીં એવા પણ લોકોને સવાલો થતા હોય છે.

દીકરીને વારસાઈ મિલકતમાં દીકરા જેટલો જ હિસ્સો મળવો જોઈએ એ એક બાબત છે. એની સામે કેટલાક એવો પણ તર્ક રજૂ કરે છે કે પરણ્યા પછી તેને સાસરિયાંની મિલકતમાં પણ હિસ્સો મળે તો બંને ઠેકાણે મિલકતમાં એ હિસ્સેદાર ગણાય?

સત્યજિત કહે છે કે, "હિન્દુ વારસાઈ ધારા અનુસાર દીકરીને ભાગ જ્યારે માણસ ગુજરી જાય ત્યારે તેના વારસ તરીકે મળતો હતો. 2005થી એ કાયદો આવ્યો કે વારસાગત મિલકત છે એમાં દીકરાની જેમ દીકરીઓને પણ સરખો ભાગ મળે. તેથી હિન્દુ પરિવારમાં દીકરી-દીકરા હવે સરખાં છે."

એવો પણ સવાલ ઊભો થયો કે 2005 પહેલાં જે ભાગલા થઈ ગયા હોય એનું શું? તો એમાં એવું કહેવામાં આવ્યું કે 20 ડિસેમ્બર 2004 પહેલાં જો મિલકતની વહેંચણી થઈ ગઈ હોય તો એમાં દીકરીનો ભાગ નહીં. જેને એક કટઑફ ડેટ ઠરાવવામાં આવી હતી.

"જોકે, આને લઈને કેટલાક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા. વિનીતા વર્સિસ રાકેશ શર્માના એક ચુકાદામાં કોર્ટે કહ્યું કે દીકરી તો હમેશાં દીકરી હોય છે તેથી એ જ્યારે પણ જન્મે ત્યારથી એનો ભાગ પરિવારની મિલકતમાં હોય જ. કટ ઑફ ડેટ વિશે કોર્ટે કહ્યું કે કાયદો ભલે 2005માં આવ્યો પણ કટઑફની જે જોગવાઈ છે એ રેટ્રો ઍક્ટિવ છે. એની અસર પાછળથી આવે છે."

"એટલે અગાઉ જો ભાઈઓએ વહેંચણી કરી લીધી હોય અને એ વહેંચણી રજિસ્ટર્ડ ન કરાવી હોય તો એની અંદર દીકરીનો ભાગ ગણવામાં આવશે. એમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે."


હિન્દુ, મુસ્લિમ, પારસી પર્સનલ લૉ અને વસિયતનામું

સત્યજિત દેસાઈ કહે છે કે, "પુરુષ કે મહિલા બિનવસિયતનામાં વગર ગુજરી જાય તો એમની મિલકત કોને જાય એની છણાવટ હિન્દુ કાયદામાં છે. વિલ બનાવો તો કાયદો બાજુમાં જતો રહે, કારાણ કે વિલ એ પોતે કાયદો થયો. મુસ્લિમ પર્સનલ લૉની વાત કરીએ તો એમાં થોડું અલગ છે.

નિષ્ણાતો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ મુસ્લિમ વિલ બનાવવા માગે તો એ એક તૃતીયાંશ મિલકતનું જ બનાવી શકે. બે તૃતીયાંશ તેના પરિવાર માટે હોય છે.

"પારસી આપણે ત્યાં માઇક્રો માઇનૉરિટી એટલે કે પાતળી લઘુમતી ધરાવતી વસતી છે. પારસી લૉમાં જોઈએ તો અપરિણીત પારસી માણસે વસિયતનામું બનાવ્યું હોય એ પછી જ્યારે તે પરણે ત્યારે એ વિલ રદ્દ ગણાય છે. દરેક પર્સનલ લૉમાં વૈવિધ્ય છે."

વ્યક્તિ પોતાની કોમના પર્સનલ લૉ મુજબ વસિયતનામું બનાવે તો એમાં તેને ભારતીય કાયદો સ્પર્શે કે નહીં? એના જવાબમાં સત્યજિત કહે છે કે વિલ એટલે વ્યક્તિની પોતાની ઇચ્છા. કાયદામાં જે જોગવાઈઓ છે તે એ માટે છે કે કોઈ વ્યક્તિ વિલ બનાવ્યા વગર ગુજરી જાય તો એની વસિયત કઈ રીતે વહેંચાશે. કેસ વિવાદિત બને અને તેમના વારસદારો કોર્ટે ચઢે તો બંધારણીય કાયદા મુજબ જ કામ થાય.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=sffxndBzp_M

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Corona virus: Can an epidemic like the corona be prepared enough?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X