Covishield : કોવિશિલ્ડ વૈક્સિન લેનારાને ડરવાની કેટલી જરૂર? જાણો શું કહે છે જાણકારો?
બ્રિટનની અદાલતમાં કોવિશિલ્ડ વૈક્સિનની આડઅસરનો કંપનીએ સ્વીકાર કર્યા બાદ આ વૈક્સિન લેનારાઓમાં ચિંતાનો માહોલ છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે વૈક્સિન લેનારા પર ખરેખર કેટલુ જોખમ છે?
બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કોરોના રસી લોહીના ગંઠાઈ જવા સહિત ખતરનાક આડઅસર કરી શકે છે. જો કે, કંપનીએ એમ પણ કહ્યું છે કે આવું માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થાય છે.

બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા પર રસીના કારણે ઘણા લોકોના મોતનો આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. કંપની વિરુદ્ધ કોર્ટમાં 51 કેસ પેન્ડિંગ છે. આ સમાચારે સમગ્ર વિશ્વના લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આમાં ભારતીયો પણ સામેલ છે.
જણાવી દઈએ કે, Covishield રસી એસ્ટ્રાઝેનેકાના જ ફોર્મ્યુલાથી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી હતી. ભારતમાં લગભગ 80 ટકા લોકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. હવે આ અંગેના ખુલાસા બાદ ઈન્ડિયા ટુડે એ એસ્ટ્રાઝેનેકા વેક્સિનથી થતી દુર્લભ અસરો વિશે ડોક્ટરો સાથે વાત કરી છે.
ચેનલ સાથે વાત કરતા એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર કુમારે જણાવ્યું કે રસી સંબંધિત પ્રતિકૂળ અસરો સામાન્ય રીતે રસીકરણના થોડા અઠવાડિયામાં જોવા મળે છે. તેથી ભારતમાં જે લોકોએ 2 વર્ષ પહેલા આ રસી લીધી છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી.
નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહ-પ્રમુખ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું કે રસી-સંબંધિત આડઅસર પ્રથમ ડોઝ પછી શરૂઆતના મહિનાઓમાં જોવા મળી શકે છે. હવે લોકોને ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં રસી પછી ટીટીએસનો કોઈ કેસ જોવા મળ્યો નથી.
TTS એટલે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ. TTSને કારણે શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે અથવા પ્લેટલેટ્સ શરીરમાં ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં બ્લડ ક્લોટ થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે.
નિષ્ણાતો અનુસાર, ટીટીએસ કેસ નવી વાત નથી. TTS છેલ્લા 100 વર્ષથી ચર્ચિત રોગ છે. તેનો પહેલો કેસ વર્ષ 1924માં નોંધાયો હતો. તે કેવી રીતે થાય છે તે ડોકટરો લાંબા સમયથી જાણે છે, અને TTS 40 વર્ષથી વધુ સમયથી તબીબી અભ્યાસક્રમનો ભાગ છે.
ડૉ. સુધીર કુમારે જણાવ્યું કે, ભારત અને અન્ય દેશોમાંથી પ્રકાશિત થયેલા કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોમાં તે સાબિત થયું છે કે કોવિડ ચેપ લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે, જે કોવિડ રસીકરણ કરતાં ઘણું વધારે છે.
ડૉ. કુમારે જણાવ્યું કે પ્રતિકૂળ અસરોના જોખમને આધારે એક કોવિડ રસી બીજા પર પસંદ કરવામાં મદદ કરવા માટે પૂરતો ડેટા નથી. ટીટીએસ અન્ય રસીઓ સાથે પણ નોંધાયેલ છે, જેમ કે ઈન્ફલ્યુએન્ઝા રસી, ન્યુમોકોકલ રસી, H1N1 રસીકરણ અને હડકવાની રસી.
સાથે જ ડો.જયદેવને કહ્યું કે, બંને રસી અસરકારક છે. એવું કહેવાની જરૂર નથી કે એક બીજા કરતાં વધુ સારી છે. તમામ રસીઓ અને તબીબી સારવારની આડઅસર હોય છે. ભારતમાં આ રસીઓ લીધેલા કરોડો લોકો હવે જીવિત અને સ્વસ્થ છે.












Click it and Unblock the Notifications
