
દ્રૌપદી મુર્મુ હશે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જાણો તેમના વિશેની તમામ બાબતો!
નવી દિલ્હી : તમામ અટકળોનો અંત કરતા ભાજપ અને સમર્થિત પક્ષો એટલે કે NDAએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની મોટી જાહેરાત કરી છે. મુર્મુ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે, તેમનો જન્મ ઓડિશામાં થયો હતો. હવે બીજુ જનતા દળ પણ એનડીએને સમર્થન આપી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે મુર્મુ એ જ રાજ્યમાંથી આવે છે, જ્યાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સરકાર ચાલી રહી છે.

મુર્મુ હશે ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
મુર્મુના નામની જાહેરાત ભાજપના વડા જેપી નડ્ડા કરી હતી અને જણાવ્યુ કે, પ્રથમ વખત મહિલા આદિવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને NDAના ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ.

મુર્મુ ઓડિશામાં જનમ્યા છે
ઉલ્લેખનીય છે કે, ઓડિશાના મયુરભંજ આદિવાસી જિલ્લાના રાયરંગપુર ગામમાં જન્મેલી દ્રૌપદી મુર્મુ ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂકી છે. જણાવી દઈએ કે દ્રૌપદી 18 મે 2015 થી 12 જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. તે ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ છે.

ભાજપે એક તીરથી બે નિશાન સાધ્યા
તેમના નામની જાહેરાત સાથે જ રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું ધ્યાન આદિવાસી સમુદાય પર છે. એવું માનવામાં આવે છે કે પાર્ટી તેમના બહાને આદિવાસી મતો પર નજર રાખી રહી છે.

દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે
આ પહેલીવાર છે જ્યારે દેશને આદિવાસી રાષ્ટ્રપતિ મળી શકે છે. આ પહેલા આજ સુધી દેશમાં કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ નથી બન્યા. આ અર્થમાં મુર્મુ આદિવાસી અને મહિલા વર્ગ બંનેમાં બંધ બેસે છે.