ગો ફર્સ્ટની ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 139 મુસાફરો સવાર હતા!
નાગપુર, 27 નવેમ્બર : બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં 139 મુસાફરો સવાર હતા. એરલાઇન કંપની ગો ફર્સ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ કારણોસર વિમાનને નાગપુર તરફ વાળવામાં આવ્યું હતું, જ્યાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. રાહતની વાત એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મુસાફરોને સાંજે 4:45 વાગ્યે ફ્લાઇટ દ્વારા પટના માટે રવાના કરવામાં આવશે.
નાગપુર એરપોર્ટના એક અધિકારી આબિદ રૂહીએ જણાવ્યું હતું કે, બેંગલુરુ-પટના ગોએર (ગો ફર્સ્ટ) ફ્લાઈટના 139 મુસાફરો અને ક્રૂએ ટેક્નિકલ ખામીને કારણે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. બીજી તરફ ગો ફર્સ્ટના એક અધિકારીએ જણાવ્યું કે, કોકપિટમાં ખામીયુક્ત એન્જિનની ચેતવણીને કારણે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઇટને નાગપુર તરફ વાળવામાં આવી હતી, જેના કારણે કેપ્ટને સાવચેતી માટે એન્જિન બંધ કરવું પડ્યું હતું. આ પછી કેપ્ટને પ્લેનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.
Bengaluru-Patna GoAir flight with 139 passengers & crew members on board makes an emergency land at Nagpur airport due to technical glitch, as per Abhid Ruhi, an official of Nagpur airport
— ANI (@ANI) November 27, 2021
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને તેમને એરપોર્ટ પર પાણી અને અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સાંજે 4:45 વાગ્યે પટના માટે રવાના થશે. બેંગ્લોર-પટના ગો ફર્સ્ટ ફ્લાઈટની એન્જિનિયરિંગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાયલોટે નાગપુર એરપોર્ટના ઈમરજન્સી કંટ્રોલનો સંપર્ક કર્યો અને ટેકઓફની થોડી જ વારમાં એન્જીન ફેલ થવાને કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.