For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી. આર. ગોપીનાથ : એ કૅપ્ટન જેમણે ભારતીયોને માત્ર 1 રૂપિયામાં હવાઈયાત્રા કરાવવાનું સપનું સેવ્યું

વર્ષ 2005ની ગરમીના દિવસો છે. આર્મીમાંથી નિવૃત્તિ લઈને બિઝનેસમૅન બનેલા જી. આર. ગોપીનાથે ઘોષણા કરી કે તેઓ એક રૂપિયામાં લોકો માટે હવાઈયાત્રા શક્ય બનાવશે. એ સમયે દેશની પહેલી બજેટ ઍરલાઇન કંપનીના સંસ્થાપક ગ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વર્ષ 2005ની ગરમીના દિવસો છે. આર્મીમાંથી નિવૃત્તિ લઈને બિઝનેસમૅન બનેલા જી. આર. ગોપીનાથે ઘોષણા કરી કે તેઓ એક રૂપિયામાં લોકો માટે હવાઈયાત્રા શક્ય બનાવશે.

એ સમયે દેશની પહેલી બજેટ ઍરલાઇન કંપનીના સંસ્થાપક ગોપીનાથનો વાયદો કોઈ સામાન્ય વાત નહોતી.

'ઈઝીજેટ' અને 'રાયનઍર' જેવી યુરોપીય બજેટ ઍરલાઇન્સથી પ્રેરણા લઈને બનેલી તેમની બે વર્ષ જૂની ઍરલાઇન કંપની 'ઍર ડેક્કન' હવે લાખો લોકોને ઓછી કિંમતે હવાઈયાત્રાની તક આપી રહી હતી. તેમના હરીફો કરતાં તેમની કંપનીની ટિકિટો પણ કિંમતમાં અડધી હતી.

'ઍર ડેક્કન' એક 'નો ફ્રિલ્સ ઍરઇન્સ' હતી, એટલે કે એવી વિમાનસેવા જેમાં મુસાફરીની કિંમતો ઓછી રાખવામાં આવે છે અને તેના માટે મુસાફરોને માત્ર જરૂરી સુવિધાઓ જ આપવામાં આવે છે.

મુસાફરીને સસ્તી કરવા માટે ઇન-ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટ, ફ્લાઇટ દરમિયાન ખાવાનું અને બિઝનેસ ક્લાસ મિટિંગ જેવી બિનજરૂરી સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવતો નથી.

કૅપ્ટન ગોપીનાથની ઍરલાઇન કંપનીએ 'ડાયનેમિક પ્રાઇઝિંગ'ની વ્યવસ્થા શરૂ કરી, જે હેઠળ વહેલી ટિકિટ લેનારા કેટલાક ગ્રાહકો માત્ર એક રૂપિયામાં મુસાફરી કરી શકતા હતા.

આ વ્યવસ્થા હેઠળ જો લોકો મોડેથી ટિકિટ ખરીદતા હતા તેમને ટિકિટની કિંમત વધુ આપવી પડતી હતી, પરંતુ અન્ય કંપનીઓ કરતાં એ ટિકિટ ઘણી સસ્તી હતી.

એમાં નવાઈની કોઈ વાત નહોતી કે ઍરલાઇનના ટિકિટ કાઉન્ટર પર ગ્રાહકોની લાઇનો લાગી રહેતી, તેમાં ઘણા લોકો એવા પણ હતા જેણે જીવનમાં પહેલા ક્યારેય હવાઈ મુસાફરી કરી નહોતી.

જોકે ટીકાકારોનું માનવું હતું કે ઓછી કિંમતે હવાઈયાત્રાની સુવિધા આપવાની વ્યવસ્થા આ ઇન્ડસ્ટ્રીમાં નુકસાનકારક સાબિત થશે.


ફિલ્મી પડદે કૅપ્ટનની કહાણી

કૅપ્ટન ગોપીનાથે પોતાની આત્મકથામાં લખ્યું છે, "એક રૂપિયામાં હવાઈયાત્રાની ટિકિટ- તેણે લોકોની કલ્પનાઓને નવી ઉડાન આપી અને ઝડપથી તેના અંગે ચર્ચા થવા લાગી."

તેમનું માનવું હતું કે તેમની કંપનીએ "ન માત્ર સામાન્ય લોકો માટે હવાઈઉડાનની મોંઘી કિંમતોનું બંધન ખતમ કર્યું, પણ હવાઈઉડાનના ક્ષેત્રમાં જાતિ અને વર્ગના ભેદને પણ ખતમ કર્યો."

આ સપ્તાહે એમેઝોન પ્રાઇમ વીડિયો પર "સુરારાઈ પોટ્રૂ" નામની એક તમિળ ફિલ્મ રિલીઝ થઈ છે, જે બિઝનેસમૅનના સંઘર્ષને દર્શાવે છે.

કૅપ્ટન ગોપીનાથની આત્મકથા પર આધારિત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અકાદમી ઍવૉર્ડ વિજેતા ગુનીત મોંગાએ.

મોંગાએ બીબીસીને જણાવ્યું, "આ ધનિક અને મધ્યમવર્ગના બે જૂથ વચ્ચેના અંતરને ખતમ કરવાની મજેદાર કહાણી છે. કૅપ્ટન ગોપીનાથે શરૂ કરેલી સસ્તી હવાઈસેવાને લઈને દેશના મોટા ભાગના લોકોમાં ઉત્સાહ હતો."

આ ફિલ્મમાં તમિળ ફિલ્મોના અભિનેતા સૂર્યાએ બિઝનેસમૅન કૅપ્ટન ગોપીનાથની ભૂમિકા નિભાવી છે.

તેઓ કહે છે, "તેઓ ભારતીય વિમાનક્ષેત્રમાં ક્રાંતિ લઈને આવ્યા અને આસમાનમાં ઊડવા માટે જે આર્થિક બંધન હતું, તેને તેઓએ તોડ્યું હતું."

"સુરારાઈ પોટ્રૂ"માં એ વાત પણ છે, જે એક કૉમર્શિયલ તમિળ સિનેમામાં હોય છે- તેમાં ગીત છે, ડાન્સ છે, તેમાં જાતિ અને વર્ગનો ભેદ દર્શાવ્યો છે, ઍક્શન પણ છે અને આ મૅલોડ્રામાથી પણ ભરપૂર છે.

પરંતુ આ ફિલ્મ એ પણ દર્શાવે છે કે કેવી રીતે કૅપ્ટન ગોપીનાથે દેશમાં ખાલી પડેલાં 500 હવાઈમથકો અને હવાઈપટ્ટીઓને શોધી, જેથી દેશના નાના વિસ્તારમાં પણ હવાઈસેવા શરૂ કરી શકાય.

તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે વધુ પૈસાની જરૂર પડતાં તેમનાં પત્નીએ પોતાના બૅન્કિંગ બિઝનેસથી કમાવેલી બધી મૂડી તેમને આપી દીધી. અને કેવી રીતે આર્મીમાં કામ કરતા તેમના મિત્રો આ સપનાને પૂર્ણ કરવામાં તેમના સૌથી મહત્ત્વના સહયોગીઓ સાબિત થયા.

સૂર્યા કહે છે, "આ ફિલ્મ સમાનતા અને બધાને સામેલ કરવા અંગે છે. આ એ મુદ્દા છે જેના માટે કૅપ્ટન ગોપીનાથે કોશિશ કરી. ક્યારેકક્યારેક એવું લાગે છે કે તેમના ઉદેશ્ય તેમની કાબેલિયતથી ઘણા વધારે હતા, તેઓ કોશિશમાં નિષ્ફળ પણ થયા અને દેવાળિયા થઈ ગયા, પરંતુ તેમનામાં હાર ન માનવાની જે જીદ હતી, એ કાબિલેતારીફ હતી."

https://www.youtube.com/watch?v=cUH1WX048GE

આ ફિલ્મને સારા રિવ્યૂ પણ મળી રહ્યા છે. ફિલ્મ જોઈને આવતાં દર્શકોએ જણાવ્યું કે આ "રસપ્રદ ફિલ્મ" છે.

અન્ય એક દર્શકે કહ્યું કે "ગરીબીથી અમીરી તરફ જવાની આ કહાણીમાં દેશની જાતિવ્યવસ્થા પર નિશાન સાધવામાં આવ્યું છે."

અન્ય એક ટીકાકાર કહે છે કે "આ ચર્ચામાં નહીં રહેનારી એવી વ્યક્તિની કહાણી છે, જેમણે મહેનતથી પોતાની લડાઈ લડી અને જીત મેળવી."

કૅપ્ટન ગોપીનાથનો જન્મ કર્ણાટકના એક દૂરના ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા અને ખેતીકામ પણ કરતા હતા. જ્યારે તેમનાં માતા ગૃહિણી હતાં.

તેઓે આર્મીમાં જોડાયા અને વર્ષ 1971માં થયેલી બાંગ્લાદેશની લડાઈ સુધી આર્મીમાં રહ્યા.

28 વર્ષની વયે તેઓએ આર્મીમાંથી નિવૃત્તિ લઈ લીધી. કંઈક નવું કરવાની કોશિશમાં પોતાના મિત્રોની મદદથી તેઓએ રેશમના કીડાની ખેતી અને હૉસ્પિટાલિટી જેવા ઘણા ધંધામાં હાથ અજમાવ્યો.

કૅપ્ટન ગોપીનાથે બીબીસને જણાવ્યું, "જ્યારે હું યુવા હતો ત્યારે મને કંઈક નવું કરવાની ધગશ હતી અને હું ઇચ્છતો હતો કે ધન સુધી બધાની પહોંચ હોય."

તેઓ કહે છે કે તેમના મિત્રોએ જણાવ્યું કે સપનાં જોવાં પૂરતું નથી, પણ "સપનાં વેચતાં આવડવું" પણ જરૂરી છે.


અમેરિકામાં કરી કલ્પના

કૅપ્ટન ગોપીનાથ

વર્ષ 1997માં તેઓએ એક ખાનગી કંપનીના રૂપમાં હેલિકૉપ્ટરસેવાની શરૂઆત કરી.

તેઓ જણાવ્યું કે "કંપનીનું કહેવું હતું કે મૅપ પર કોઈ પણ જગ્યા બતાવો, અમે તમને ત્યાં સુધી પહોંચાડી દઈશું."

વર્ષ 2000માં અમેરિકામાં રજા ગાળતાં દરમિયાન તેમને ભારતમાં સસ્તી વિમાનસેવા શરૂ કરવાનો વિચાર આવ્યો.

ફીનિક્સમાં તેઓએ એક સ્થાનિક ઍરપૉર્ટ જોયું જ્યાંથી અંદાજે એક હજાર ઉડાન ચાલતી હતી અને તે દરરોજ અંદાજે એક લાખ મુસાફરોને સેવા આપતી હતી.

તેઓએ જણાવ્યું કે તેમના માટે એ વિચારવું મુશ્કેલ હતું કે અમેરિકાનું એક સામાન્ય ઍરપૉર્ટ (જેનો દેશનો મોટા ઍરપૉર્ટમાં સમાવેશ નથી) આટલી ઉડાન સંચાલિત કરે છે, જે ભારતનાં 40 ઍરપૉર્ટ સાથે મળીને પણ નથી કરતાં.

તેઓએ આ અંગે જાણકારી મેળવી અને જાણ્યું કે આખા અમેરિકામાં એક દિવસમાં 40 હજાર કૉમર્શિયલ ઉડાન ચાલે છે, જ્યારે ભારતમાં માત્ર 420.

તેમણે તરત એક હિસાબ માંડ્યો કે જો ભારતમાં બસો અને ટ્રેનોમાં જતા ત્રણ કરોડ લોકોમાંથી માત્ર પાંચ ટકા લોકો જ ફ્લાઇટમાં આવે તો તેનો અર્થ એ થશે કે વિમાનસેવાને વર્ષમાં 53 કરોડ ગ્રાહકો મળશે.

તેઓએ સમજાવ્યું, "આ આંકડો જોવામાં મોટો લાગે છે, પણ ખરેખર નથી. કેમ કે તેનો અર્થ એ નથી કે 53 કરોડ લોકો હવાઈયાત્રા કરશે. તેનો અર્થ છે કે 20 કરોડ મિડલ ક્લાસ વર્ષમાં અઢી વાર યાત્રા કરશે. આગામી 30 વર્ષના હિસાબે જુઓ તો આંકડો માન્યામાં ન આવે તેવો છે."

કૅપ્ટન ગોપીનાથ કહે છે, "જ્યારે હું ભારત આવ્યો ત્યારે વિચારતો હતો કે દેશમાં સામાન્ય લોકોને પણ ઍરોપ્લેનમાં બેસવાની સુવિધા મળવી જોઈએ."


વિજય માલ્યાને વેચી દેવી પડી ઍરલાઇન

ઍર ડૅક્કન

ઑગસ્ટ 2003માં કૅપ્ટન ગોપીનાથે 48 બેઠકો અને બે એન્જિનવાળા છ ફિક્સ્ડ-વિંગ ટર્બોપ્રૉપ હવાઈજહાજના બેડા સાથે ઍર ડેક્કનની સ્થાપના કરી.

કંપનીની પહેલી ઉડાન દક્ષિણ ભારતીય શહેર હુબલીથી બેંગલુરુ વચ્ચે હતી.

વર્ષ 2007માં દેશનાં 67 હવાઈમથકોથી એક દિવસમાં આ કંપનીની 380 ઉડાનો ચાલતી હતી. કંપનીના પ્લેનના બેડાની સંખ્યા હવે 45 પર પહોંચી ગઈ હતી.

જ્યારે કંપનીની શરૂઆત થઈ ત્યારે રોજ માત્ર બે હજાર લોકો કંપનીના વિમાનમાં મુસાફરી કરતા હતા, પણ હવે રોજના 25 હજાર લોકો સસ્તી કિંમતમાં હવાઈ મુસાફરી કરી રહ્યા હતા. એક રૂપિયાની ટિકિટ પર અંદાજે 30 લાખ લોકોએ હવાઈયાત્રા કરી હતી.

પરંતુ સમય જતા કંપનીની ખોટ વધતી ગઈ અને કંપની માટે વધતી કિંમતો સાથે તાલ મિલાવવાનું મુશ્કેલ થઈ ગયું.

વર્ષ 2007માં કૅપ્ટન ગોપીનાથે ઍર ડેક્કનને દારૂના વેપારી વિજય માલ્યાની કંપની કિંગફિશરને વેચી મારી.

વિજય માલ્યા કિંગફિશર ઍરલાઇન્સના પણ માલિક હતા. માલ્યાએ ઍર ડેક્કનને નામ આપ્યું- કિંગફિશર રેડ.

ત્યાં સુધીમાં દેશના વિમાન માર્કેટમાં ઘણી કંપનીઓ કૂદી પડી હતી, જે ગ્રાહકોને સસ્તી હવાઈસેવા આપતી હતી. વર્ષ 2018માં દેશમાં સસ્તી ઉડાનોમાં 14 કરોડ લોકોએ યાત્રા કરી.

ઍર ડેક્કનનાં વિમાન હવે આકાશમાં ઉડાન નથી ભરતાં. વર્ષ 2011માં સપ્ટેમ્બરમાં ખોટમાં ચાલતી માલ્યાની કંપની કિંગફિશર રેડે પણ કામ બંધ કરી દીધું.

બાદમાં તેમનો આખો બિઝનેસ જ દેવામાં ડૂબી ગયો.

વર્ષ 2012માં કૅપ્ટન જી. આર. ગોપીનાથે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "માલ્યા પાસે કંપની માટે ક્યારેય સમય નહોતો. મારું માનવું છે કે જો તેઓએ કંપની પર ધ્યાન આપ્યું હોત તો આ ક્ષેત્રમાં તેમનાથી ઉત્તમ કોઈ અન્ય ન હોઈ શકત."

તેઓએ કહ્યું હતું, "એ દુખની વાત છે કે ઍર ડેક્કનનું સપનું હજુ પણ જીવિત છે અને સસ્તી ઉડાનસેવા માટે ક્રાંતિ હજુ પણ ચાલુ છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=KPwfIqhs2aU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
G. R. Gopinath: The captain who dreamed of making Indians fly for just Rs 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X