આંધ્રમાં વોલ્વો બસમાં ભીષણ આગ, 44 યાત્રાળુઓ ભડથું
હૈદરાબાદ, 30 ઓક્ટોબર: આંધ્ર પ્રદેશના મહબૂબ નગરની પાસે એક વોલ્વો બસમાં ભીષણ આગ લાગી ગઇ. આ ઘટનામાં 44 જેટલા યાત્રાળુઓના મોત થયાના સમાચાર છે. કેટલાંક યાત્રીઓ ગંભીર રીતે બળી પણ ગયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી જાણકારી અનુસાર આ બસ બેંગલુરુથી હૈદરાબાદ જઇ રહી હતી. ત્યારે જ બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને બસમાં અફડા-તફડી મચી ગઇ. બસમાં 51 યાત્રીઓ સવાર હતા. જેમાંથી 44ના મોત થઇ ગયા. બસ ડ્રાઇવર, સફાઇકર્મી સહિત 7 લોકો આમાંથી નીકળવામાં સફળ રહ્યા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી પીડિત પરિવારો પ્રત્યે આશ્વાસનની લાગણી વ્યક્ત કરી હતી.
The bus fire mishap in Andhra Pradesh is unfortunate. My condolences to the families of the deceased & prayers for those injured.
— Narendra Modi (@narendramodi) October 30, 2013
જબ્બાર ટ્રાવેલ્સની વોલ્વો બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પુલ સાથે અથડાયા બાદ ડિઝલની ટાંકીમાં આગ લાગી ગઇ હતી આ દરમિયાન મુસાફરો ઊંઘમાં હતા. નજીકના ગામના લોકોએ જણાવ્યું કે થોડી જ મીનીટમાં બસ સળગીને રાખ થઇ ગઇ. મૃતકોના શરીર જોરદાર સળગી જવાના કારણે તેમની ઓળખ કરી શકાતી નથી.
મહેબૂબનગરના જિલ્લા કલેક્ટર એમ ગિરિજા શંકરે જણાવ્યું કે પાંચ મુસાફરોનું વાનાપર્તીના એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે પોલીસ અધીક્ષક નાગેન્દ્ર કુમારની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે બસથી 29 યાત્રીઓની સૂચિ જ મળી છે. જ્યારે અન્ય લોકો રસ્તામાંથી બસમાં સવાર થયા હતા. બસ મંગળવારે રાત્રે 10 વાગ્યે બેંગલુરુથી નીકળી હતી અને બુધવારે સવારે 6.30 વાગ્યે હૈદરાબાદ પહોંચવાની હતી.
બસમાં આગ લાગવાની સૂચના મળતા જ ઘટના સ્થળે અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો. અધિકારીક સૂત્રો અનુસાર બસમાં ભીષણ આગ લાગવાનું કારણ ડીઝલની ટાંકીમાં વિસ્ફોટ થવાનું બતાવવામાં આવી રહ્યો છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિતોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેલૂગુદેશમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ પણ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.