
કમલા હેરિસ ઉપપ્રમુખ બની શકે છે, તો સોનિયા ગાંધી PM કેમ ન બની શકે - રામદાસ આઠવલે
ઇન્દોર : કેન્દ્રીય પ્રધાન અને RPI નેતા રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દાને અર્થહીન ગણાવ્યો છે. ઈન્દોરમાં બોલતા આઠવલેએ કહ્યું કે, જ્યારે યુપીએ સત્તામાં આવ્યું, ત્યારે સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવું જોઈતું હતું. આ સાથે રામદાસે કહ્યું કે જો ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે, તો સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બની શકે. જે ભારતીય નાગરિક છે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પત્ની અને લોકસભાના સભ્ય છે.
કેન્દ્રીય મંત્રી અને RPI નેતા રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે અને તેમણે ત્યાં હેરિસ સાથે બેઠક પણ કરી છે. ઈન્દોરમાં મીડિયા કર્મીઓને આપેલા નિવેદનમાં આઠવલેએ કહ્યું કે, જ્યારે 2004 ની લોકસભાની ચૂંટણીમાં યુપીએને બહુમતી મળી, ત્યારે મેં પ્રસ્તાવ મૂક્યો હતો કે, સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન બનવા જોઈએ. આ અંગે મારો મત હતો કે, તેના વિદેશી મૂળના મુદ્દાનો કોઈ અર્થ નથી. જો તેમને આ પદ સ્વીકારવું ન હોત, તો કોંગ્રેસને મજબૂત કરવા માટે તત્કાલીન પક્ષના વરિષ્ઠ નેતા શરદ પવારને વડાપ્રધાન બનાવવા જોઈએ. જો પવાર વર્ષ 2004માં દેશના વડાપ્રધાન બન્યા હોત તો કોંગ્રેસને એવું કથિત દુર્ભાગ્ય ન થયું હોત જે આજે થઈ રહ્યું છે.
વર્ષ 1999માં પવારે સોનિયાના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો
વર્ષ 1999માં શરદ પવારે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ શરદ પવારને કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પવારે બાદમાં NCPની રચના કરી હતી. ડો. મનમોહન સિંહે 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન પદ રહ્યા હતા. વર્ષ 2014માં ભાજપે પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની કમાન સંભાળી હતી.
મારો પક્ષ જાતિની વસ્તી ગણતરીના પક્ષમાં છે : આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શનિવારના રોજ (25 સપ્ટેમ્બર) ઈન્દોરમાં જણાવ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) જાતિની વસ્તી ગણતરીના પક્ષમાં છે અને પક્ષનો મત છે કે, સરકારે જાતિના આધારે નાગરિકોની વસ્તી ગણતરી પર વિચાર કરવો જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સરકારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, પછાત વર્ગની જાતિ આધારિત વસ્તી ગણતરી "વહીવટી રીતે મુશ્કેલ છે" અને વસ્તી ગણતરીના કાર્યક્ષેત્રમાંથી આવી માહિતીને બાકાત રાખવી એ "સાવધ નીતિગત નિર્ણય" છે.