For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના રસીના બે ડોઝ બાદ ‘રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો’? બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી?

યુનાઇટેડ કિંગડમની હેલ્થ સિક્યૉરિટી એજન્સી અને ડૉક્ટરોએ ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોરોનાની વૅક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઘટતી રોગપ્રતિકારક શક્તિ લોકોનાં મૃત્યુ માટે કારણભૂત બની રહી છે. તેથી હવે પ્રશ્ન એ થાય છે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

યુનાઇટેડ કિંગડમની હેલ્થ સિક્યૉરિટી એજન્સી અને ડૉક્ટરોએ ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોરોનાની વૅક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઘટતી રોગપ્રતિકારક શક્તિ લોકોનાં મૃત્યુ માટે કારણભૂત બની રહી છે.

તેથી હવે પ્રશ્ન એ થાય છે કે આપણે કેટલા સુરક્ષિત છીએ?

આ અંગેના પ્રાથમિક મુદ્દાઓ અંગે વાત કરીએ. આપણી રોગપ્રતિકારક શક્તિની મુખ્ય બે ભૂમિકાઓ હોય છે – આપણને ચેપ લાગવાથી બચાવવવા અને જો તેવું ન કરી શકે, તો ચેપ લાગ્યા પછી આપણા શરીરની સફાઈ કરવી.

પરંતુ આ માટે હું ઇચ્છું છું કે તમે તમારી કલ્પનાશક્તિનો વિસ્તાર કરીને રોગપ્રતિકારક શક્તિની કલ્પના મધ્ય યુગના કોઈ કિલ્લા તરીકે કરો.

અને વિચારો કે કિલ્લાની આસપાસ કોરોનાવાઇરસનાં ઘાતક દળો ગોઠવાયેલાં છે. જેઓ કિલ્લાની અંદર પ્રવેશ કરવા માટે આતુર છે.

તેની સામે તમારું પ્રથમ રક્ષાકવચ છે તીરંદાજો. આ તમારા શરીરની ન્યૂટ્રલાઇઝિંગ ઍન્ટિબૉડી છે. જો તેઓ કોરોનાની આ ઘાતક આર્મીને રોકી રાખી શકે તો તમને તેનો ચેપ નહીં લાગે.

પરંતુ જો આ રક્ષાકવચ તૂટી જાય અને ઍન્ટિબૉડી રૂપી તીરંદાજો પોતાની જગ્યા છોડી દે તો વાઇરસ અંદર પ્રવેશી જશે. અંદર પ્રવેશ્યા પછી વાઇરસે કિલ્લા પર હુમલો કરી દીધો છે અને હવે તમે ચેપગ્રસ્ત થઈ ગયા છો.


શરીરરૂપી કિલ્લાની સુરક્ષામાં રક્ષકોની ભૂમિકા

તમારા શરીરનું રક્ષાકવચ બૅમબર્ગ કિલ્લા જેવું છે તેવું વિચારો – જેની દીવાલો શરીરને અલગ-અલગ પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે

જોકે હજુ બધું તબાહ થઈ ગયું છે એવું નથી. હજુ પણ કિલ્લામાં સુરક્ષાદળો હાજર છે, જે શરીરની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આ છે મૅમરી બી અને મૅમરી ટી શેલ. જેઓ ઘોડેસવાર નાયક જેવા છે, જે સેનાને ફરી એકઠી કરી શકે છે, જે રક્ષાકવચની આર્મીનું નેતૃત્વ કરીને દુશ્મનોને બહારનો રસ્તો દેખાડી શકે છે.

કોરોનાની વૅક્સિન તમારા શરીરના રક્ષાકવચરૂપી સૈનિકોને તાલીમ આપવાનું કામ કરે છે. જેમાં ઍન્ટીબૉડીને વિકસિત કરવાનું અને મૅમરી સેલ વિકસાવાનું કામ કરે છે. જેથી તે કોરોનાવાઇરસનો સામનો કરી શકે.

પરંતુ આ બંનેમાંથી કોઈ એક રક્ષકની શક્તિ ઘટી રહી છે અને એ કોઈ નવાઈની બાબત નથી. આવું દરેક રસી કે ચેપ પછી થાય છે.

યુનિવર્સિટી ઑફ એડિનબરાના ઇમ્યુનોલૉજિસ્ટ પ્રોફેસર ઇલીનોર રાઇલીએ કહ્યું કે, “ઍન્ટીબૉડીની અસરકારકતા સમય સાથે ઘટી રહી છે તે અંગેના ઘણા પુરાવા છે, અને તેના કારણે આપણી સુરક્ષાપ્રણાલી પર ચોક્કસ અસર પડી છે.”

ઍન્ટીબૉડીરૂપી તીરંદાજો દ્વારા પોતાની જગ્યા છોડવાનું કૃત્ય ડેલ્ટા વૅરિયન્ટના આગમનના કારણે વધુ ખતરારૂપ બની ગયું છે.

ડેલ્ટા વૅરિયન્ટ આપણા શરીરમાં ઘૂસવાની કળામાં વધુ પારંગત છે. આ કિલ્લાની દીવાલોની આસપાસ વધુ સૈનિકોનાં દળ ખડકાઈ ગયાં જેવું છે. પરંતુ તે વધુ શક્તિશાળી સૈનિકો લઈને આવ્યાં છે અને તેમણે શરીરની સુરક્ષાપ્રણાલી પાસેથી તેનાં હથિયારો છીનવી લીધાં છે.

તમે આનાં પરિણામો જાતે જ જોયાં હશે – જે લોકોએ બંને રસી લઈ લીધી છે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હશે. આધિકારિકપણે પ્રસિદ્ધ ન થયેલા એક સંશોધનના અંદાજ પ્રમાણે ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિન બીજા ડોઝ પછી કોરોનાના કોઈ પણ વૅરિયન્ટનાં લક્ષણો 66 ટકા સુધી ઘટાડે છે.

જ્યારે પાંચ મહિના બાદ આ પ્રમાણ 47 ટકા થઈ જાય છે. ફાઇઝર માટે આ પ્રમાણ 90 ટકાથી ઘટીને 70 ટકા થઈ જાય છે.


રસીના બંને ડોઝ લીધા પછી ચેપ લાગે, મૃત્યુ થઈ શકે?

કલ્પના કરો કે ઍન્ટિબૉડી એ તમારા શરીરની સુરક્ષાપ્રણાલીના બહારના આવરણ પરનાં તીરંદજોનાં દળ છે

આ વાત વાઇરસના ફેલાવાને રોકવા માટે મથી રહેલી સરકારો માટે એક ચિંતાજનક મુદ્દો તો છે જ. શું આ વાઇરસ તમારા શરીરમાં પ્રવેશીને ગંભીર નુકસાન કરશે કે કેમ તેનો આધાર તમારા શરીરની સુરક્ષાપ્રણાલીના આંતરિક અને બીજા નંબરના કવચ પર છે.

જોકે, વૅક્સિન લેવાના કારણે ઓછા લોકોને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પડી રહી છે.

સરકારી વૅક્સિનના સલાહકાર અને બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રોફેસર એડમ ફિન જણાવે છે કે, “આજકાલ રસી ન લીધી હોય તેવા અને રસી લીધી હોય તેવા ઘણા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે.”

“ઓછી તીવ્રતાવાળા ચેપ સામે વિકસેલ સુરક્ષાપ્રણાલી જલદી નબળી પડી જાય છે. પરંતુ હૉસ્પિટલમાં દાખલ થવા સામે અને મૃત્યુ પામવા સામે વિકસિત થયેલ પ્રૉટેક્શન ઘટવાની ઝડપ ઓછી હોય છે.”

હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર અને ચેપ લાગ્યા બાદ મૃત્ય થવાનો ખતરો મોટી ઉંમરના લોકો પર વધુ છે.

જે લોકો વૅક્સિનના બંને ડોઝ લીધા બાદ મૃત્યુ પામ્યા હોય તેમાં 70 વર્ષ કરતાં વધુ વયના લોકોનું પ્રમાણ ખૂબ જ વધુ છે. પરંતુ આ જ વયજૂથમાં આવતા લોકો કે જેમણે રસી નથી લીધી તેમના કરતાં તેઓ વધુ સુરક્ષિત તો ખરાં જ. તેમજ યુવાનો, જેઓ બંને ડોઝ લઈ ચૂક્યા છે તેઓ કોરોનાના ખતરાથી વધુ સુરક્ષિત છે.

સમયનો માર આપણા શરીરના દરેક કોષ પર પડે છે – આમાં એવા કોષો પણ સામેલ છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘડે છે.

વૃદ્ધત્વ વૅક્સિન થકી શરીરની સુરક્ષાપ્રણાલીને તાલીમ આપવામાં એક અવરોધરૂપ સાબિત થાય છે. અને તે જ્યારે શરીરને ચેપ લાગવાનો હોય ત્યારે તેની પ્રતિક્રિય્રાને ધીમી બનાવી દે છે.

એવું બની શકે કે સમય સાથે ઍન્ટીબૉડીની અસરકારકતા ઘટી ગઈ છે. અને વૃદ્ધત્વે તેમાં મોટી ભૂમિકા ભજવી છે.

પ્રોફેસર ઇલિનોર રાઇલી જણાવે છે કે, “એવું બની શકે કે શરૂઆતમાં વૃદ્ધો પાસે સુરક્ષાકવચ હોય, પરંતુ તેમણે વિકસિત કરેલ ઍન્ટીબૉડી હવે નબળા પડવા લાગ્યા છે. તેમની પાસે ચેપથી બચવા માટેનો બીજો ઉપાય ન પણ હોય.”

“કદાચ આ જ કારણે આપણે વૃદ્ધ લોકો બે ડોઝ લીધા પછી પણ મૃત્યુને ભેટી રહ્યા હોવાના કિસ્સા જોઈ રહ્યા છીએ.”

આ બધું એ એક જ હકીકત પર આધાર રાખે છે કે ઉંમરના વધારા સાથે ખરાબ તબિયતનો સીધો આંતરસંબંધ છે.

મહામારીની શરૂઆતથી કોરોનાના ચેપથી મૃત્યુ પામવાની શક્યતાનાં સૌથી મોટાં કારકો પૈકી એક ઉંમર પણ છે. મોટી ઉંમરના લોકોને રસીકરણઅભિયાનમાં પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેથી તેમને જલદી રક્ષણ પૂરું પાડી શકાય.

કૅન્સર કે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પહેલાંથી જ નબળી હોય છે. આવી વ્યક્તિઓનાં શરીર વૅક્સિન સામે યોગ્ય પ્રતિક્રિયા આપી શકતાં નથી.

યુનિવર્સિટી ઑફ બર્મિંઘમનાં ડૉ. હેલન પૅરી જણાવે છે કે, “આવા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો દર સમાન હોવા છતાં તેમના પર વધુ ખતરો એટલા માટે છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ પહેલાંથી જ ઓછી હોય છે.”

અહીં નોંધનીય છે કે યુનાઇટેડ કિંગડમમાં લોકોને રક્ષણ પૂરું પાડવાના અભિયાનમાં મુખ્ય એવી ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર-બાયોએનટેક રસીમાં મહત્ત્વપૂર્ણ તફાવતો પણ છે.

ડૉ. પૅરી જણાવે છે કે, “આ બંને વૅક્સિન શરીરનાં જુદા-જુદા ભાગોને બચાવવામાં એકબીજાથી અલગ-અલગ રીતે શ્રેષ્ઠ છે.”

“ફાઇઝરની mRNA વૅક્સિન ઍન્ટીબૉડીના નિર્માણમાં ખૂબ જ પાવરધી છે ને ઍસ્ટ્રાઝેનેકા ટી-સેલની પ્રતિક્રિયાના સર્જન માટે સારી માનવામાં આવે છે.”


બૂસ્ટર ડોઝનું મહત્ત્વ?

હવે ચાલો કિલ્લાના ઉદાહરણ તરફ પાછા વળીએ, ફાઇઝર કોરોનાના ચેપને શરીરની બહાર રાખવામાં તીરંદાજી દળરૂપી ઍન્ટિબૉડીના નિર્માણક્ષેત્રે વધુ અસરકારક છે. જ્યારે ઍસ્ટ્રાઝેનેકા આંતરિક સુરક્ષા પૂરી પાડવા માટે સારી મનાય છે.

સારી વાત તો એ છે કે સુરક્ષાપ્રણાલીમાં ઘટાડા છતાં, આ બંને વૅક્સિન ખૂબ જ સારી છે. મહામારીની શરૂઆતમાં લોકો મૃત્યુનો ખતરો 50 ટકા સુધી ઘટાડી શકે તેવી વૅક્સિન વિકસાવવાનાં સપનાં જોતાં હતાં. સુરક્ષાપ્રણાલી નબળી પડ્યા બાદ, તેમજ વધુ ખતરાવાળા વયજૂથમાં હોવા છતાં મૃત્યુનો ખતરો 80થી 90 ટકા ઘટી ગયો છે.

પ્રોફેસર ફિન જણાવે છે કે, “વૅક્સિન લીધાના છ માસ બાદ પણ આપણે શરૂઆતમાં જે સલામતીની અપેક્ષા કરી રહ્યા હતા તેનાથી તો વધુ જ સુરક્ષિત છીએ.”

એના કરતાં પણ સારા સમાચાર તો એ છે કે યુનાઇટેડ કિંગડમમાં શરૂ કરાયેલા બૂસ્ટર ડોઝ કેમ્પેને ફરીથી આશા જગાવી છે. નોંધનીય છે કે યુનાઇટેડ કિંગડમમાં એક કરોડ દસ લાખ લોકોએ બૂસ્ટર ડોઝ મુકાવી લીધો છે. ઑફિસ ફૉર નેશનલ સ્ટેટિસ્ટિક્સના પ્રમાણે વૃદ્ધોમાં જે પ્રથમ સ્તરની રક્ષાપ્રણાલીમાં ઘટાડો સમય સાથે જોવા મળ્યો હતો, તેમાં ફરીથી વધારો થયો છે.

પ્રો. ફિન જણાવે છે કે, “સૌથી વધુ ઉંમરનાને બૂસ્ટર ડોઝ આપવો એ એક ખૂબ સારું પગલું છે.”

હવે લોકો એ જાણવા માટે આંકડાની રાહ જોઈ રહ્યા છે કે જેનાથી જાણી શકાય કે આનાથી કોરોનાના કેસ અને તેના કારણે થતાં મૃત્યુમાં ઘટાડો થશે કે કેમ.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=6TSIb5a8BSk&t=9s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
‘Immunity reduction’ after two doses of Corona vaccine? How much booster dose is required?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X