For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસીને ખરેખર ભીંસમાં લઈ રહ્યો છે?

શું પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસીને ખરેખર ભીંસમાં લઈ રહ્યો છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં આજકાલ ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે ભાજપની કોઈ ચૂંટણીરેલી કે ચૂંટણીસભા યોજાઈ ન હોય.

કેન્દ્ર સરકારના આઠ મંત્રીઓ દર અઠવાડિયાના અંતે પશ્ચિમ બંગાળની મુલાકાતે આવે છે. પક્ષના પ્રદેશપ્રભારી કૈલાશ વિજયવર્ગીયે હાલમાં કોલકાતામાં જ પોતાનો પડાવ નાખ્યો છે.

ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રહ્યા છે અને ચૂંટણીસભાઓ સંબોધે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ કોલકાતા પહોંચ્યા હતા. માર્ચથી તેઓ પણ રાજ્યમાં ચૂંટણીસભાઓ કરશે તેવી વાતો સંભળાય છે.

આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ સતત પાટલી બદલી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે. 'પલાયન’ અને 'નાસભાગ’ જેવા શબ્દો અત્યારે ચલણમાં છે.

તો શું ખરેખર પશ્ચિમ બંગાળમાં ભાજપ છેલ્લાં 10 વર્ષથી સત્તા સંભાળી રહેલાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને ભીંસમાં લઈ રહ્યો છે?

2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પોતાની બેઠકોની સંખ્યામાં નવ ગણો અને મતની ટકાવારીમાં ચાર ગણો વધારો કરનારો ભાજપ શું હવે પશ્ચિમ બંગાળમાં 10 વર્ષથી સત્તા પર બિરાજમાન મનતા બેનરજીનો કિલ્લો ધ્વસ્ત કરી દેશે?

તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ પોતાની દરેક ચૂંટણીસભામાં ભાજપના મોટા નેતાઓને નિશાન બનાવે છે. ટીએમસીનું કહેવું છે કે ભાજપની શક્તિને વધારી-ચઢાવીને દેખાડવામાં આવી રહી છે.

ગયા મહિને 10 ડિસેમ્બરે કોલકાતામાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાની મુલાકાત વખતે તેમના પર હુમલો થયો હોવાના સમાચાર ખૂબ ચગ્યા હતા. તેમના કાફલા પર ઈંટોથી હુમલો થયો હોવાની વાતો ફેલાઈ હતી.

સોશિયલ મીડિયામાં આ હુમલો ચર્ચામાં હતો, પરંતુ મમતા બેનરજીએ આ મુદ્દે ભાજપને જ નિશાન બનાવ્યો હતો.

મમતાએ કથિત હુમલાને 'નૌટંકી’ ગણાવ્યો અને તે જ દિવસે એક રેલીમાં જે.પી.નડ્ડાના નામની મજાક ઉડાવતા કહ્યું, "ક્યારેક કોઈ મુખ્ય મંત્રી આવી જાય છે, તો ક્યારેક કોઈ ગૃહ મંત્રી આવી જાય છે, ક્યારેક બીજા કોઈ મંત્રી આવી જાય છે. તેઓ લોકોના કામ નથી કરતા. ક્યારેક ચડ્ડા-નડ્ડા-ફડ્ડા-ભડ્ડા-ગડ્ડા આવી જાય છે."

ટીએમસીના પ્રવક્તા અને દમદમ બેઠકના સાંસદ સૌગત રોય

ટીએમસીના પ્રવક્તા અને દમદમ બેઠકના સાંસદ સૌગત રોય કહે છે, "ભાજપ આક્રમક બની રહ્યો છે કારણ કે દિલ્હીથી તેમના નેતાઓ અને મંત્રીઓ અહીં આવી રહ્યા છે. પરંતુ ભાજપનું સ્થાનિક નેતૃત્વ બહુ નબળું છે. તેથી તમે જોશો કે અહીં અમિત શાહ આવે છે, નડ્ડા આવે છે, મોદી પણ આવશે, પરંતુ હકીકતમાં ભાજપ હજુ પણ તૃણમૂલ કરતાં ઘણું પાછળ છે."

પરંતુ મેદિનીપુર બેઠકના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે કે પશ્ચિમ બંગાળ સરહદી રાજ્ય હોવાથી દેશની સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો પ્રદેશ છે. તેઓ કહે છે, "અમારો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે તેથી અમારા રાષ્ટ્રીય નેતાઓ તો આવવાના જ છે."

તેમણે જણાવ્યું, "અમે કોઈ પણ ભોગે પશ્ચિમ બંગાળને જીતવા માંગીએ છીએ કારણ કે દેશના હિત માટે અહીંની સરહદ સુરક્ષિત હોવી જોઈએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવી જોઈએ અને અમે તે કરીશું."

રાજ્યમાં ભાજપનું સંગઠન માળખું નબળું હોવાના આરોપોને ફગાવી દેતા તેઓ કહે છે, "અમારા કાર્યકરો સક્ષમ ન હોય તો અમને આટલા બધા મત કઈ રીતે મળ્યા?"

https://www.youtube.com/watch?v=Z3kq-PMGgz8


ભાજપને આશા

ભાજપના નેતાઓ

પશ્ચિમ બંગાળમાં ભાજપ આક્રમક પ્રચાર કરી રહ્યો છે તો તેનું એક મોટું કારણ એ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીં ભાજપને ઘણી સફળતા મળી હતી.

2014ની સામાન્ય ચૂંટણીમાં મોદી તરફી લહેર હોવા છતાં ભાજપને પશ્ચિમ બંગાળમાં કુલ 42માંથી માત્ર બે બેઠકો મળી હતી. પરંતુ 2019ની ચૂંટણીમાં તેના સાંસદોની સંખ્યા વધીને 18 થઈ ગઈ હતી. ભાજપના મતની ટકાવારી પણ 10 ટકાથી વધીને 40 ટકા થઈ હતી.

પરંતુ મુખ્ય સવાલ એ છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે જાદુ કર્યો તેને વિધાનસભાની ચૂંટણીમાં પણ દોહરાવી શકશે?

તૃણમૂલના નેતા કહે છે કે 2019ની ચૂંટણી વખતે પરિસ્થિતિ અલગ હતી. બાલાકોટ પરના હુમલાએ ચૂંટણીપ્રચારની દિશા બદલી નાખી હતી.

સૌગત રોય કહે છે, "લોકસભામાં ભાજપને ઘણી જગ્યાએ સરસાઈ મળી હતી, પરંતુ ત્યાર પછી ટીએમસીએ ઘણું કામ કર્યું છે. જરૂરી સુધારા કર્યા છે. હવે અમે મજબૂત સ્થિતિમાં છીએ. અમને લગભગ 200 બેઠકો પર જીત મળશે."

ભાજપનો દાવો છે કે તેમના મત વધવાનો સિલસિલો 2019ની પહેલા જ શરૂ થઈ ગયો હતો.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું, "પશ્ચિમ બંગાળમાં લોકો ભૂલી જાય છે કે 2018ની પંચાયતની ચૂંટણીમાં આટલી હિંસા થવા છતાં અમે 7,000 બેઠકો જીત્યા હતા. તે સમયથી જ પાર્ટીનો આધાર બનવા લાગ્યો હતો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનું પરિણામ દેખાયું હતું."

દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે તેના તર્કના ટેકામાં તેઓ ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે યુપીની ચૂંટણીમાં અમે લોકસભામાં 70 બેઠકો જીત્યા અને રાજ્યમાં ત્રણ ચતુર્થાંશ બહુમતીથી સત્તા પર આવ્યા હતા.

2019માં ભાજપને બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને મોદી લહેરનો ફાયદો થયો હતો. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકો વધવાનું બીજું એક કારણ પણ હતું. ચૂંટણીમાં તેમને ડાબેરી અને કૉંગ્રેસના મતદારોનો પણ ટેકો મળ્યો હતો.

કોલકાતામાં ભાજપના રાજકારણ પર નજર રાખતા વરિષ્ઠ પત્રકાર અરુંધતિ મુખરજી કહે છે, “છેલ્લી ચૂંટણીમાં આપણે જોયું કે સીપીએમના મતદારો અને ટેકેદારોએ ભાજપને મત આપ્યો હતો. આ બધા મત સીપીએમને પાછા મળી જાય તો ભાજપને ઘણું નુકસાન થશે.”

2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચા અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શક્યું ન હતું. પરંતુ 2021ની ચૂંટણીમાં બંને સાથે મળીને લડવાની તૈયારી કરી રહ્યા છે.

કોલકાતા સ્થિત વરિષ્ઠ પત્રકાર નિર્માલ્ય મુખરજી કહે છે, “2019ની લોકસભા ચૂંટણી એક ટર્નિંગ પોઇન્ટ હતી. ભાજપના પોતાના મત નહોતા વધ્યાં, પરંતુ તેમને ડાબેરીઓના 27 ટકા અને કોંગ્રેસના પાંચ ટકા મત મળી ગયા. ભાજપ આ મતોને જાળવી શકે તો તેને ઘણી લીડ મળી જશે.”

જોકે, વરિષ્ઠ પત્રકાર શિખા મુખરજીને આ અંગે શંકા છે. તેઓ કહે છે, "ભાજપ કહે છે કે તેની પાસે 40 ટકા મત છે પરંતુ તે મત પહેલાં તો હતા નહીં. તે જે પાયાના આધારે પોતાની રણનીતિ ઘડે છે તે અમને હજુ પણ સમજાતો નથી."


બેઠકો માટે ખેંચતાણ

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે. 147નો આંકડો મેજિક ફિગર છે, એટલે કે આટલી બેઠકો જીતી શકે તે પક્ષ સરકાર બનાવશે.

ભાજપ અને તૃણમૂલ બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે તેમના પક્ષને 200થી વધારે બેઠકો મળશે.

બીજી તરફ કોઈ પણ શોરબકોર કર્યા વગર પક્ષોની ચૂંટણી સ્ટ્રેટેજી ઘડતા તૃણમૂલ કૉંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને પડકાર ફેંક્યો હતો કે ભાજપ બે આંકડાને પણ પાર કરી જાય તો તેઓ ટ્વીટર છોડી દેશે.

https://twitter.com/PrashantKishor/status/1340882902628749317

આ અંગે પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે, "2016માં તત્કાલીન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 21 બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો. ત્યારે પણ લોકોને નવાઈ લાગતી હતી કે તેમની પાસે તો માત્ર બે બેઠકો છે અને તેઓ 21 બેઠકો જીતવાની વાત કરે છે. ત્યારે અમે નારો આપ્યો હતો કે '19માં હાફ અને 21માં સાફ’. હવે અમારા નેતાએ જાહેરાત કરી દીધી છે તો અમે 200થી આગળ જ વધીશું, પાછળ નહીં હઠીએ.”

દરમિયાન, રાજ્યમાં 34 વર્ષ સુધી સત્તામાં રહેલા ડાબેરી પક્ષો માને છે કે ગઈ ચૂંટણીના આધારે અંદાજ બાંધવા યોગ્ય નથી.

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમ જણાવે છે, “2016માં જે પરિણામ આવ્યાં હતાં તેનું 2019માં શું થયું?

પરંતુ 2019નાં પરિણામોના આધારે લોકોએ 2021નાં પરિણામોનો અંદાજ બાંધી લીધો છે. પરંતુ તમારે જે ઝડપી ફેરફારો આવી રહ્યા છે તેને પણ દિમાગમાં રાખવા પડશે.”

પત્રકાર નિર્માલ્ય કહે છે કે છેલ્લાં 70 વર્ષમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના મતદારો અનિશ્ચિત નથી હોતા. તેમના મત નિર્ણાયક હોય છે.

તેઓ કહે છે, “અહીં મતદારોએ જ્યારે નક્કી કર્યું કે ડાબેરી મોરચાને હઠાવવો છે તો 2011માં તેમને 235 બેઠકો પરથી સીધા 40 બેઠકો પર લાવી દીધા. મમતાને 183 બેઠકો મળી. ત્યાર પછીની ચૂંટણીમાં મમતાને 111 બેઠકો મળી.”


ટીએમસીમાં 'નાસભાગ'

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં ભાજપ આજકાલ બીજા પક્ષના નેતાઓને પોતાનામાં સામેલ કરી રહ્યો છે. પક્ષના કાર્યાલયમાં વારંવાર કોઈને કોઈ જોઈનિંગ સમારોહ હોય છે.

પક્ષના મોટા નેતાઓની સભાઓમાં તૃણમૂલ કૉંગ્રેસના મોટા નેતાઓ સામેલ થાય ત્યારે તેની ઘણી ચર્ચા થાય છે.

છેલ્લા એક મહિનામાં મમતાના ત્રણ મંત્રીઓએ તેમનો સાથ છોડ્યો છે. આ મંત્રીઓ છે – શુભેન્દુ અધિકારી, લક્ષ્મી રતન શુક્લા અને રાજીબ બેનરજી.

શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાઈ ગયા છે, શુક્લાએ હજુ પક્ષ નથી છોડ્યો જ્યારે બેનરજી ભાજપમાં જોડાય તેવી અટકળો થાય છે. આ ઉપરાંત બીજા ઘણા ધારાસભ્યો અને બળવાખોર નેતાઓ પક્ષ છોડી શકે તેમ છે.

19 ડિસેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહે મિદનાપુરમાં એક રેલીમાં મમતાના મંત્રી શુભેન્દુ અધિકારી સહિત ટીએમસીના 11 ધારાસભ્યો, એક સાંસદ અને એક ભૂતપૂર્વ સાંસદને પાર્ટીમાં સામેલ કરતા જણાવ્યું હતું કે, “આ તો હજુ શરૂઆત છે. છેલ્લે ફક્ત દીદી પોતાના પક્ષમાં એકલા રહી જવાના છે.”

પરંતુ તૃણમૂલ કૉંગ્રેસ કહે છે કે આને નાસભાગ કહેવું ખોટું છે.

સૌગત રાય જણાવે છે, “2016ની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસના 211 ધારાસભ્યો હતા જે વધીને 218 સુધી પહોંચી ગયા હતા. તેમાંથી 18 લોકો પણ નથી ગયા. મીડિયાના લોકો તેને નાસભાગ ગણાવે છે જે ખોટું છે. કેટલાક લોકો ગયા છે અને બે-ચાર લોકો જઈ પણ શકે છે. પરંતુ તેનાથી અમારો બહુમત પણ ઘટવાનો નથી અને અમે નબળા પણ નથી પડવાના.”


ભાજપની મુશ્કેલી

ભાજપના નેતાઓ

પશ્ચિમ બંગાળમાં ભાજપમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા જરૂર સામેલ થઈ રહ્યા છે, પરંતુ તેનાથી ભાજપ માટે પણ મુશ્કેલી વધી રહી છે.

બહારના નેતાઓ આવતા હોવાથી જૂના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ વધી રહ્યો છે. સાથે સાથે એવો સવાલ પણ ઉઠાવાય છે કે ભાજપનો ચહેરો તો એવા નેતા બની રહ્યા છે જેઓ ગઈકાલ સુધી તૃણમૂલ કૉંગ્રેસનો ચહેરો હતા.

આ વિશે નિર્માલ્ય કહે છે કે, “બંગાળમાં જે લડાઈ થઈ રહી છે તે તૃણમૂલ વિરુદ્ધ તૃણમૂલની લડાઈ છે. કારણ કે ભાજપના અહીં જે પણ ચહેરા છે, જેમ કે શુભેન્દુ અધિકારી, મુકુલ રોય, શોભન દેવ ચટ્ટોપાધ્યાય, તે બધા તૃણમૂલમાંથી જ આવ્યા છે. આ બધા લોકો પર ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા છે. ભાજપ સ્વચ્છ છબિ ધરાવતા લોકોને શોધો છે જે તેને નથી મળી રહ્યા.”

બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ જણાવે છે, “કેટલાક લોકોની છબિ અમારે લાયક ન હોય તો અમે તેને અટકાવીએ છીએ. એવું નથી કે અમે બધા લોકોને સમાવી લઈએ છીએ."

"ઘણા લોકો આવવા તૈયાર છે. પરંતુ રાજનીતિ કરનારા ઓછા લોકો હોય છે અને તેઓ જે પક્ષમાં હોય તેમાં પ્રભાવશાળી હોય છે. તેથી આજે લોકોને લાગે છે કે ભાજપની સરકાર બનવાની છે તેથી લોકો આવી રહ્યા છે અને અમે તેમને સમાવી રહ્યા છીએ.”

તેઓ સવાલ કરે છે, “એક પૂર્ણ બહુમત ધરાવતો પક્ષ સત્તામાં છે, તો લોકો તેને શા માટે છોડી રહ્યા છે? કોઈક તો સમસ્યા હશે. તેઓ અમારી પાસે આવે છે તો કંઈક ખાસ જરૂર હશે.”

https://www.youtube.com/watch?v=3rkII622gcQ


'આ હકીકત નથી'

પ્રતીકાત્મક તસવીર

ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસની રાજકીય હરીફાઈને કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો એક છેતરપિંડી ગણાવે છે.

રાજ્યની વિધાનસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના આગેવાન અબ્દુલ મન્ના જણાવે છે કે હકીકતમાં અત્યારે તૃણમૂલ કૉંગ્રેસ અંગે લોકોમાં નારાજગી છે તેથી ભાજપ એવું દેખાડવા માંગે છે કે તેઓ લડી રહ્યા છે.

અબ્દુલ મન્નાન કહે છે કે, “તેઓ લોકોને છેતરવા માટે લડી રહ્યા છે. પરંતુ તે બનાવટ છે. નરેન્દ્ર મોદીજીનું સપનું છે કૉંગ્રેસમુક્ત ભારત. મમતાજીનું સપનું છે સેક્યુલર પક્ષો કૉંગ્રેસ અને ડાબેરીઓમુક્ત બંગાળ.”

મન્નાન પશ્ચિમ બંગાળમાં ભાજપને પગપેસારો કરવા દેવા બદલ મમતા બેનરજીને જવાબદાર ગણાવે છે.

તેઓ કહે છે, “1998માં તૃણમૂલે ભાજપના ખોળામાં જન્મ લીધો હતો. તેમણે કૉંગ્રેસને ખતમ કરવા માટે જાણી જોઈને ભાજપ સાથે હાથ મિલાવ્યા. તે સમયે લોકો સીપીએમના વિરોધમાં હતા, તેથી તેમને સમર્થન મળી ગયું.”


ભ્રષ્ટાચાર અને સગાવાદ

મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી

ભાજપ અત્યારે પોતાની દરેક ચૂંટણીસભામાં મમતા બેનરજી પર જે મુદ્દે પ્રહાર કરે છે તેમાં ભ્રષ્ટાચાર અને સગાવાદ સૌથી મોટા મુદ્દા છે.

ભાજપનો આરોપ છે કે મમતા સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તેના બાદશાહ છે.

તૃણમૂલ કૉંગ્રેસમાં મમતા પછી સૌથી વધુ શક્તિશાળી નેતા અભિષેક બેનરજી હાલમાં ડાયમંડ હાર્બર બેઠતના સાંસદ છે. જે.પી.નડ્ડાપર 10 ડિસેમ્બરે આ વિસ્તારમાં જ હુમલો થયો હોવાની ચર્ચા હતી.

પરંતુ મમતા બેનરજી કે અભિષેક બેનરજી આ મુદ્દે રક્ષણાત્મક ભૂમિકામાં આવ્યા નથી. તેમનો પક્ષ પણ આ મુદ્દે રક્ષણાત્મક નથી. તેઓ બંને પોતાની સભાઓમાં ભાજપને આરોપો સાબિત કરવાનો પડકાર ફેંકે છે.

અભિષેક બેનરજીએ 24 જાન્યુઆરીએ દક્ષિણ-24 પરગણા જિલ્લામાં એક જનસભામાં સગાવાદના આરોપો અંગે ભાજપ પર નિશાન તાકતા જણાવ્યું કે કૈલાશ વિજયવર્ગીયથી લઈને શુભેન્દુ અધિકારી સુધી અને મુકુલ રોયથી લઈને રાજનાથ સિંહ સુધીની સગા-સંબંધીઓ ભાજપમાં મહત્ત્વના હોદ્દા પર બિરાજમાન છે.

અભિષેક બેનરજીએ તે સભામાં પોતાને ભ્રષ્ટાચારી ગણાવતા આરોપો અંગે વળતો હુમલો કરીને પડકાર ફેંક્યો કે “જો ભાજપના નેતાઓ આરોપો સાબિત કરી દેશે તો હું જાહેરમાં ફાંસીના ફંદા પર લટકી જઈશ.”

પાર્ટીના પ્રવક્તા સૌગત રાય આ વિશે જણાવે છે, “કેન્દ્ર સરકારની પાસે સીબીઆઈ છે, ઈડી છે. હજુ સુધી અભિષેક સામે કોઈ કેસ નથી બનાવી શક્યા. તેઓ માત્ર આરોપ લગાવે છે અને બદનામ કરે છે.”

મુદ્દાની વાત કરીએ તો ભાજપ અત્યારે ચો ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ જેવા મુદ્દે મમતાને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ થોડા સમય અગાઉ સીએએ-એનઆરસી લાગુ કરવા અને રાષ્ટ્રપતિશાસન લાદવા જેવી વાતો પર ભાર મુકાતો હતો.

વરિષ્ઠ પત્રકાર શિખા મુખરજી કહે છે કે ભાજપે 19 ડિસેમ્બરથી પહેલાં રાજ્યમાં સીએએ-એનઆરસી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સારો પ્રભાવ જમાવ્યો હતો.

પરંતુ ત્યારપછી અમિત શાહે જણાવી દીધું કે સીએએ-એનઆરસી અંગે કોરોના રોગચાળો ખતમ થાય ત્યાર પછી નિર્ણય લેવાશે. આ ઉપરાંત ચૂંટણી નજીક હોવાના કારણે રાષ્ટ્રપતિશાસન લાદવાનો વિચાર પણ પડતો મુકાયો હતો.

શિખા જણાવે છે, “આ બે મુદ્દા તો જતા રહ્યા. તેથી હવે તેઓ સત્તાવિરોધી લાગણી જેમ કે સરકારી ભ્રષ્ટાચાર, સગાવાદ વગેરેને મુદ્દા બનાવે છે. પરંતુ આ તો કોઈ પણ ચૂંટણીમાં મામુલી મુદ્દા ગણવામાં આવે છે.”

તેઓ કહે છે, "તમે પશ્ચિમ બંગાળના લોકોને કહો કે અમે તમને ગુજરાત બનાવી દઈશું તો અહીંના લોકો ખુશ નહીં થાય. તેનાથી અહીંના ગર્વને વધારે ધક્કો લાગે છે. બંગાળી ગર્વ પર હુમલો કરીને રાજકીય ફાયદો મેળવવાનું બહુ મુશ્કેલ છે."

પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતના નાયક ગણાતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ આત્મવિશ્વાસથી છલકાય છે.

તેઓ કહે છે, “અમે લોકોને નિરાશ થવા નહીં દઈએ. પરિવર્તનને પૂર્ણ કરીશું.”

ચૂંટણી હજુ દૂર છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં સત્તાની શતરંજમાં પ્યાદાં પણ બદલાઈ રહ્યા છે અને દાવ પણ બદલાય છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=wxpZrgPy_o8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
is bjp really taking ove tmc in west bengal?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X