જે. પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, પાટીલે પહેરાવ્યો ખેસ
મહિસાગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જે. પી. પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના કર્મઠ પ્રધાનસેવક નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્ર અને વિકાસની વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો વિકાસના કામને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, ત્યારે આજે મહિસાગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જે. પી. પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં જે. પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં આજે મારી સાથે લુણાવાડા વિધાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરમા લાગી જશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર આપણા, પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાશ્રીઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું.
ઉદયસિંહ ચૌહાણએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ આજે હું ભાજપમાં જોડાયો છું. હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છું, પરંતુ કોઇક કારણોસર પાર્ટી છોડી હતી. આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષો ગોરધન ઝડફિયા, જયંતી કવાડિયા, પ્રભારી મંત્રી બચુ ખાબડ, સાંસદો રતનસિંહ રાઠોડ, જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારિયા, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પ્રભારી રાજેશ પાઠક સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
