જમ્મુ કાશ્મીરઃ ડોડામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સેનાના એક અધિકારી શહીદ
Jammu Kashmir Encounter: સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના એક અધિકારી શહીદ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોના હુમલામાં એક આતંકી પણ ઘાયલ થયો છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ડોડા જિલ્લામાં ચાલી રહેલા 'ઓપરેશન અસ્સર' દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઇફલ્સનો એક કેપ્ટન શહીદ થયો છે. ઓપરેશન હજુ ચાલુ છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ફાયરિંગમાં એક આતંકી ઘાયલ થયો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી અમેરિકન એમ4 એસોલ્ટ રાઈફલ જપ્ત કરી છે. વિસ્તારમાં લોહીના ડાઘા મળી આવ્યા હતા અને ત્રણ બેગ જપ્ત કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે અસાર જંગલમાં નદીના કિનારે ત્રણ આતંકવાદીઓ છુપાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને 4 પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી અને તેઓએ ગઈકાલે સાંજે ઓપરેશન શરૂ કર્યું હતું. આજે જ્યારે સેના અને આતંકીઓ સામસામે આવી ગયા ત્યારે સેનાને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ દરમિયાન એક ગોળી આર્મી કેપ્ટનને વાગી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. કેપ્ટનનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને ઘટનાસ્થળે લોહીના નિશાન મળ્યા હતા. જેમાં એક આતંકી ઘાયલ થયો હોવાનું બહાર આવ્યું છે. સેનાએ નદીના કિનારે આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે.
છેલ્લા પાંચ દિવસમાં આ ચોથુ એન્કાઉન્ટર છે. આ પહેલા 11 ઓગસ્ટે કિશ્તવાડ જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. તે જ દિવસે ઉધમપુરના બસંતગઢના જંગલોમાં સેના અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આ પહેલા 10 ઓગસ્ટે અનંતનાગના કોકરનાગમાં આતંકીઓએ હુમલો કર્યો હતો.












Click it and Unblock the Notifications
