Karnataka Election: ભાજપે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર, 52 નવા ચહેરાઓ સામેલ
BJP Candidates List: ભારતીય જનતા પાર્ટીએ આખરે મંગળવારે રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે તેના 189 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપની યાદીને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધુ છે.
આ સાથે ભાજપે કહ્યુ કે તે આગામી થોડા દિવસોમાં બાકીના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરશે. કર્ણાટક ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતુ કે ભાજપની યાદીની ખાસ વાત એ છે કે નવી પેઢીના નેતૃત્વ અને નવા વિચારો લાવવા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપે 52 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકના પ્રભારી અરુણ સિંહે કહ્યુ કે 189 ઉમેદવારોમાંથી 52 નવા ચહેરા છે અને આઠ મહિલા છે. 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટીના છે.
ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં દરેક વ્યવસાયના લોકોના નામ સામેલ છે. જેમાં 9 ડૉકટરો, પાંચ એડવોકેટ્સ, ત્રણ શિક્ષણવિદો, એક નિવૃત્ત આઈએએસ અધિકારી, એક નિવૃત્ત આઈપીએસ અધિકારી, ત્રણ નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને આઠ સામાજિક કાર્યકરો છે.
નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 10 મે, 2023ના રોજ થવાની છે. જેના માટે ભાજપે મંગળવારે કુલ 224 બેઠકોમાંથી 189 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની ખાસ વાત એ છે કે તેમાં ગુજરાતની જેમ 52 નવા ચહેરા છે.
દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સહિત 11 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. જોકે, યેદિયુરપ્પા તેમના પુત્ર બીવાય માટે તેમના મતવિસ્તાર શિકારપુરા છોડી ચૂક્યા હતા. આ સિવાય વિજયેન્દ્ર અને હલ્લાડી શ્રીનિવાસ શેટ્ટીના નામ પણ આ યાદીમાં સામેલ છે જેમણે ચૂંટણીની રાજનીતિમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.












Click it and Unblock the Notifications
