
ઘાસચારા કૌભાંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષી
પટના : ચારા કૌભાંડ કેસમાં CBIની વિશેષ અદાલતે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં દોષિત ઠેરવ્યા છે. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ મંગળવારના રોજ સવારે કોર્ટ પહોંચ્યા હતા.
સુનાવણી દરમિયાન CBIની વિશેષ અદાલતે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આવા સમયે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવ સુનાવણીના એક-બે દિવસ પહેલા રાંચી પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ જ ચારા કૌભાંડ સાથે જોડાયેલા આ કેસમાં બચાવ પક્ષની દલીલો 29 જાન્યુઆરીએ પૂર્ણ થયા બાદ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે 15 ફેબ્રુઆરી એટલે કે આજે સંભળાવવામાં આવશે. આવા સમયે લાલુ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવની સજાની જાહેરાત પર સુનાવણી 21 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં થશે.
નોંધનીય બાબત છે કે, આ કેસ લગભગ 23 વર્ષ જૂનો છે. 1990 થી 1995 સુધી, ઝારખંડના ડોરાંડા સ્થિત ટ્રેઝરીમાંથી 139.95 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ છે, જે ઘાસચારા કૌભાંડનો સૌથી મોટો કેસ છે. વર્ષ 2021 ની 7 ઓગસ્ટના રોજ ફરિયાદ પક્ષ વતી દલીલો પૂર્ણ થઈ હતી, જેમાં કુલ 575 સાક્ષીઓના નિવેદનો છે.
બચાવ પક્ષના વકીલ સંજય કુમારના જણાવ્યા અનુસાર, લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડના 4 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના બે કેસ છે, જ્યારે લાલુ પ્રસાદને દેવઘર અને દુમકા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા છે. 139.35 કરોડના ગેરકાયદેસર ઉપાડના કેસમાં શરૂઆતમાં 170 આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થયા હતા. સીબીઆઈએ આ કેસમાં સાત લોકોને સરકારી સાક્ષી બનાવ્યા હતા. આ સાથે જ છ આરોપીઓ હજૂ પણ ફરાર છે.