For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે ઉમેદવારીપત્રકમાં રામમંદિરમાં દાનનો મુદ્દો કેમ મૂક્યો?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે ઉમેદવારીપત્રકમાં રામમંદિરમાં દાનનો મુદ્દો કેમ મૂક્યો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
રામમંદિર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને પાર્ટીઓએ ઉમેદવારી પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોને ચકાસવાનું શરૂ કરી દીધું છે.

જેના ભાગરૂપે જે વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માગતી હોય તેમણે એક ફૉર્મ ભરવાનું રહે છે. એ ફૉર્મમાં વ્યક્તિની કેટલીક વિગતો ઉપરાંત તેમણે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રનિધિમાં યોગદાન આપ્યું છે કે નહીં તે પણ જણાવવાનું રહે છે.

જે-તે ઉમેદવારે જો નિધિમાં યોગદાન આપ્યું હોય તો એની વિગત પણ ભરવાની રહે છે.

ઉમેદવારી નોંધાવવા માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિમાં યોગદાન કેટલું જરૂરી છે એ વિશે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

યમલ વ્યાસે જણાવ્યું હતું, "જ્યારે કોઈ ચૂંટણી આવતી હોય ત્યારે પાર્ટીના જે વર્તમાન કાર્યક્રમો ચાલતા હોય તેમાં કાર્યકર્તાની કેટલી સક્રિયતા છે એ જાણવા માટે આવી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે."

"અત્યારે રામમંદિરનો કાર્યક્રમ ચાલે છે તેમજ વિવિધ સરકારી યોજનાઓ છે એમાં કાર્યકર્તાની કેટલી સક્રિયતા છે એ દેખાય એ માટે ફૉર્મમાં એનો ઉલ્લેખ છે. એનો ઉદ્દેશ માત્ર કાર્યકર્તાની સક્રિયતા જાણવા માટે છે."

"જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે ફાળો આપ્યો કે નથી આપ્યો એ મહત્ત્વનું નથી. ઇચ્છુક ઉમેદવાર કેટલા લોકોને આ માટે મળ્યા કે સંપર્ક કર્યો એ મહત્ત્વનું છે."


માત્ર દાનના આધારે સક્રિયતા કેવી રીતે નક્કી થઈ શકે?

અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે જરૂરી સામગ્રી એકત્રિત કરવામાં આવી છે.

વાત જો રામમંદિર માટે દાનની હોય તો માત્ર દાનના આધારે સક્રિયતા કેવી રીતે નક્કી થઈ શકે?

એ સવાલના જવાબમાં યમલ વ્યાસે જણાવ્યું હતું, "દાનની રકમનું કોઈ મહત્ત્વ નથી. માત્ર સક્રિયતા જોવાની છે. આગળ જનસંપર્ક કરવાનો છે તો એના માટે તેમની સક્રિયતા છે કે નહીં એ જોવાનું છે. તેથી પહેલાં આપણે જાતે કૉન્ટ્રીબ્યુટ કરીએ અને પછી બીજાને કહીએ એવી વાત છે."

"તેમણે ભલે એક રૂપિયો આપ્યો હોય કે એક લાખ રૂપિયા આપ્યા હોય. પાર્ટી રકમ તરફ નહીં જુએ. કાર્યકર્તાની સક્રિયતા નિહાળશે."

શું ભૂતકાળમાં ઉમેદવારી નોંધાવવા માટેનાં આવાં કોઈ ફૉર્મમાં રામમંદિર જેવી કોઈ કૉલમ હતી? અમદાવાદ સુધરાઈનાં પૂર્વ મેયર અને પૂર્વ નગરસેવક બીજલ પટેલ સાથે આ અંગે વાત કરવામાં આવી.

તેમણે કહ્યું હતું, "ભૂતકાળમાં આવી કોઈ કૉલમ એટલા માટે ન હોય કે ત્યારે રામજન્મભૂમિ મંદિરનિર્માણનો કોઈ મુદ્દો હતો નહીં. હવે મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. તેથી કાર્યકરે કોઈ યોગદાન આપ્યું છે કે નહીં એની જાણકારી માટે એ કૉલમ છે."

તો શું કોઈએ રામમંદિર માટે વધુ દાન આપ્યું હોય તો એની ઉમેદવારીની તક વધી જાય છે?

આ સવાલના જવાબમાં બીજલ પટેલે કહ્યું હતું, "ના. એવું નથી. કોઈએ વધુ રૂપિયા નિધિમાં આપ્યા હોય તો એની ઉમેદવારીની તકો વધી જાય કે કોઈએ ઓછું દાન આપ્યું હોય તો એની ઉમેદવારીની તકો ઘટી જાય એવું કશું નથી."


રામમંદિર માટેના દાનનું કેટલું મહત્ત્વ?

મુસ્લિમ વિસ્તારોમાં કોઈએ ઉમેદવારી નોંધાવવી હોય તો આ પ્રકારે જ રામમંદિર સહિતની કૉલમવાળું ફૉર્મ રહેશે?

આ સવાલના જવાબમાં યમલ વ્યાસે કહ્યું હતું, "આમાં કોઈ એક કૉલમ કે લાઇનનું મહત્ત્વ નથી. બધું ભેગું થઈને કાર્યકર્તાની એક ઇમેજ જે છે એની સમજણ પડે છે."

"એની સક્રિયતા નક્કી થાય છે. એના આધારે પછી સંસંદીય બૉર્ડ નક્કી કરે છે. જો બે દાવેદારો શોર્ટલિસ્ટ થયા હોય અને તેમાંથી કોઈ એક દાવેદારે સરકારી યોજનાનો વધુ લાભ કરાવ્યો હોય તો એની નોંધ લેવાશે."

"રામમંદિર નિધિવાળો મુદ્દો ગૌણ બની જશે. તેથી આ સક્રિયતા જોવા પૂરતી જ પ્રક્રિયા છે."

જે ફૉર્મ છે એમાં રામમંદિર યોગદાનનિધિ ઉપરાંત, અન્ય પણ કેટલીક વિગતો ભરવાની રહે છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને પહોંચાડ્યો હોય તો એ યોજના અને લાભાર્થીની સંખ્યા પણ લખવાની રહે છે.

યમલ વ્યાસ કહે છે કે "આ બધા માપદંડોને આધારે સરવાળે કાર્યકર્તાની સક્રિયતા કેટલી છે એનું માપ કાઢવામાં આવે છે. જેનો જનસંપર્ક બહોળો હોય એવો કાર્યકર્તા પાર્ટી માટે વધુ સારો એવી પાર્ટીની સમજણ છે."

"સરકારી તેમજ પાર્ટીના કાર્યક્રમો લોકો સુધી કેટલા પહોંચાડ્યા વગેરે બાબતોની નોંધ લેવાય છે. સરવાળે જેનો જનસંપર્ક વધારે હોય એ સક્રિય કાર્યકર્તાની ઉમેદવારીની તક ઉજળી બને છે.


સોશિયલ મીડિયામાં સક્રિયતા જોવાશે

સોશિયલ મીડિયા

ઉમેદવારી ઇચ્છુકો માટે ભાજપે જે ફૉર્મ તૈયાર કર્યું છે એમાં તેમની સોશિયલ મીડિયા સક્રિયતા કેટલી છે એની પણ નોંધ લેવાની વાત છે.

ફૉર્મમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારે ફેસબુક, ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ આઇડી દર્શાવવાના છે અને તેમના કેટલા ફૉલોઅર્સ છે એની સંખ્યા પણ નોંધાવવાની છે.

રામમંદિરનિધિ ઉપરાંત સોશિયલ મિડીયામાં સક્રિયતા વગેરે ચૂંટણી ઉમેદવારી નોંધાવવા માટે જરૂરી છે. એવું કઈ રીતે નક્કી થયું?

એ વિશે જણાવતાં યમલ વ્યાસ કહે છે કે, "કાર્યકર્તા ક્યાંક્યાં અને કેવી રીતે સક્રિય છે એનું માપ કાઢવું હોય તો શું થઈ શકે એના આધારે આ મુદ્દા નક્કી થયા છે."

"અત્યારે સોશિયલ મિડીયામાં હાજરી જરૂરી છે સાથોસાથ રૂબરૂ જનસંપર્ક પણ એટલો જ જરૂરી છે. દસ-પંદર દિવસમાં બાર હજાર જેટલી બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવાના છે. તેથી એના માટે આ ફૉર્મ એક માપદંડ છે જેના આધારે પસંદગી પ્રક્રિયા સરળ બને છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/9fdui1-kPFY

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Local body elections: Why did BJP put the issue of donation in Ram Mandir in its nomination paper?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X