તો નક્કી થયો શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકારનો ફોર્મ્યૂલા, આ પાર્ટીના CM હશે
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ ચાલી રહેલ રસાકસી વચ્ચે એનસીપીના મુખ્યા શરદ પવારે સોમવારે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ શરદ પવારે મીડિયા સામે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ સોનિયા ગાંધી સાથે તેમની વાતચીત નથી થઈ, પરંતુ અહેવાલ છે કે ત્રણય પાર્ટીઓ વચ્ચે ગઠબંધનને લઈને ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે અને આગામી મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં સરકાર બની શકે છે.

સીએમ પદ પર કોઈ રોટેશન નહિ હોય
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જો બધુ જ ઠીક રહ્યું તો સમજૂતી અંતર્ગત મહારાષ્ટ્રમાં નવી સરકારમાં બે ડેપ્યૂટી સીએમ હશે, જેમાંથી એક કોંગ્રેસ અને એક એનસીપીના હશે. અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરે જ પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેશે તે પણ સ્પષ્ટ કરી લેવામાં આવ્યું છે અને આ પદ પર કોઈ રોટેશન સિસ્ટમ નહિ હોય. નવી વિધાનસભામાં ત્રણ દળ વચ્ચે સંખ્યાબળના આધારે 42 વિભાગોની વહેંચણી કરવામાં આવશે. 288 સીટવાળી વિધાનસભામાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. આ સંખ્યાબળ મજબ ત્રણ દળોને ક્રમશઃ 15, 14 અને 13 પોર્ટફોલિયો મળી શકે છે.

એનસીપી-કોંગ્રેસ સ્પીકર પદ પર ફેસલો કરશે
સૂત્રો મુજબ શિવસેનાએ સ્પીકર પદને લઈ અંતિમ ફેસલો કોંગ્રેસ અને એનસીપી પર છોડી દીધો છે. સ્પીકરના પદ માટે કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનું નામ ચર્ચામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં એક બિન-ભાજપ સરકારનું ગઠન કરવા માટેની આ આખી ડીલની રૂપરેખા શરદ પવારે તૈયાર કરી છે. જો કે સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં થયેલ મુલાકાત બાદ શરદ પવારે પોતાના પત્તા ના ખોલ્યાં અને કહ્યું કે સરકાર ગઠનને લઈ અમારી બંને વચ્ચે કોઈ વાત નથી થઈ. શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનૈતિક સ્થિતિ પર અમે વિસ્તારથી ચર્ચા કરી. હાલાત પર અમે નજર બનાવી રાખી છે અને જલદી જ આ મામલે આગળની વાતચીત કરવામાં આવશે.

ગઠબંધનને લઈ કોંગ્રેસને કોઈ ઉતાવળ નથી
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે મળીને લડી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધનને લઈ કોંગ્રેસ કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા નથી માંગતી અને અંતિમ સમજૂતી પર પહોંચતા પહેલા અન્ય કેટલાક મુદ્દાઓ પર વલણ સ્પષ્ટ કરવા માંગે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, 'સરકાર ગઠનને લઈ અમે આગળ વધી રહ્યા છીએ પરંતુ અમે કોઈપણ પ્રકારની ઉતાવળ નહિ કરીએ. કેટલાક મુદ્દાઓ પર અમને સ્પષ્ટતા જોઈએ. આ ઉફરાંત વૈચારિક મોર્ચે પણ કેટલીક સ્પષ્ટતાની જરૂરત છે.' કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ જણાવ્યું કે પાર્ટી હજી આ મુદ્દે ચર્ચા કરી રહી છે કે સરકારને બહારથી સમર્થન આપવામાં આવે કે સરકારમાં સામેલ થવામાં આવે. જો કે શિવસેના અને એનસીપી ઈચ્છે છે કે એક મજબૂત સરકાર માટે કોંગ્રેસ પણ આમાં સામેલ થાય.

50-50 ફોર્મ્યૂલા પર એનડીએથી અલગ થઈ શિવસેના
જણાવી દઈએ કે સીએમ પદને લઈ ચાલેલ લાંબી ખેંચતાણ બાદ શિવસેના, એનડીએથી અલગ થઈ ચૂકી છે. શિવસેનાએ માંગણી કરી હતી કે બંને દળો વચ્ચે 50-50 ફોર્મ્યૂલા અંતર્ગત સરકાર બને અને સીએમ પદ પર બંને પાર્ટીઓના નેતા અઢી અઢી વર્ષ રહે. જો કે ભાજપે શિવસેનાની માંગણી ફગાવી દેતા આ મુદ્દો ગૂંચવાયો હતો અને આખરે શિવસેનાએ ભાજપ સાથેની 30 વર્ષની દોસ્તીનો અંત લાવી દીધો.