
Video: આફતાબને લઈ જતી પોલીસ વેન પર તલવારધારી યુવાનોએ હુમલો કર્યો
દિલ્હીમાં શ્રદ્ધા વાલ્કરની કરપીણ હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાને લઈ જતી પોલીસ વાન પર આજે સાંજે તલવારધારી પુરુષોના જૂથે હુમલો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી હોવાનું અને આફતાબ સલામત હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
દક્ષિણપંથી હિન્દુ સેનાએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ નિવેદન જાહેર કરી કહ્યું કે, "આફતાબે એક હિન્દુ છોકરીના ટુકડા કેવી રીતે કર્યા તે જોઈ રહ્યો છે."
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસ વાન આફતાબ પૂનાવાલાને બીજા પોલીગ્રાફ ટેસ્ટ પછી પશ્ચિમ દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી જેલમાં લઈ જઈ રહી હતી.
ફોરેન્સિક સાયન્સ લેબની બહાર હુમલો થયો
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર શખ્સોએ પોતાની કાર પોલીસ વાનની આગળ પાર્ક કરી તેને અવરોધિત કરી હતી. બાદમાં કારમાંથી પાંચ શખ્સો તલવાર લહેરાવતા બહાર નીકળ્યા અને વાનને નિશાન બનાવી. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે તેમનો સામનો કર્યો હતો અને તેમના હથિયાર ઝૂંટવી લીધાં હતાં.
#WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs
— ANI (@ANI) November 28, 2022
મળી રહેલા અહેવાલ પ્રમાણે કોઈને ઈજા નથી પહોંચી અને હુમલાખોરોમાંથી બેને કસ્ટડીમાં લઈ લેવાયા છે. પકડાયેલા બંને હુમલાખોરના નામ નિગમ ગુર્જર અને કુલદીપ ઠાકુર છે અને તેઓ ગુરુગ્રામના રહેવાસી છે. તેઓ હિન્દુ સેનાના સભ્ય હેવાનો દાવો કર્યો છે, પોલીસ આ દાવાની ખરાઈ કરી રહી છે.
આફતાબ પૂનાવાલાએ દાવો કર્યો કે તેણે ઉગ્ર બોલાચાલી દરમિયાન શ્રદ્ધાની હત્યા કરી હતી. બાદમાં તેણીના શરીરના 35 ટુકડા કર્યા અને તેને દિવસો સુધી રેફ્રિજરેટરમાં સંગ્રહ કર્યા બાદ દિલ્હીના વિવિધ ભાગોમાં તેનો નિકાલ કર્યો. 20થી ઓછા ભાગો રિકવર કરવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.