
મહિલા પત્રકાર સામે એમ જે અકબરે ઉતારી 97 વકીલોની ફોજ
કેન્દ્રીય મંત્રી એમ જે અકબર ઉપર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલા પત્રકાર પ્રિયા રમાની પર તેમણે માનહાનિનો કેસ કર્યો છે. એમ જે અકબર દ્વારા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં અકબર તરફથી 97 વકીલોની ફોજ ઉતારવામાં આવી હોવાની વાત કહેવામાં આવી રહી છે. અકબરનો કેસ 'કરજનવાલા એન્ડ કો. લૉ ફર્મ' કરી રહી છે. અકબરે આઈપીસીની કલમ 500 (માનહાનિ) હેઠળ રમાની પર કેસ ચલાવવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ એમ જે અકબરનો રાજીનામાથી ઈનકાર, પ્રિયા રમાની સામે માનહાનિનો કેસ

વકીલનામા પર 97 વકીલોનું ફર્મ
ફર્મના વકીલનામામાં 97 વકીલોના નામ નોંધાયેલા છે પરંતુ જણાવવામાં આવ્યુ છે કે તેમાંથી માત્ર 6 વકીલ અકબરનો કેસ લડશે. વળી, આ મામલે સ્પષ્ટતા આપતા કરજનવાલા એન્ડ કો. લૉ ફર્મના પ્રવકતાએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે અમારા ફર્મ દ્વારા પત્રકાર સામે માનહાનિનો કેસ કર્યો છે. અમારી ફર્મમાં કુલ 100 વકીલ છે. સામાન્ય રીતે વકીલનામા પર બધા વકીલોના નામ લખેલા રહે છે. જે વકીલ કોર્ટમાં કેસ લડે માત્ર તે જ સહી કરતા હોય છે. અમારી ક્રિમિનલ ટીમના 6 વકીલ કોર્ટમાં એમ જે અકબરનો કેસ લડી રહ્યા છે.

આ એ 6 વકીલ છે જે અકબરનો લડશે કેસ
લૉ ફર્મ મુજબ સીનિયર એસોસિએટ નિહારિકા કરજનવાલા, અપૂર્વ પાંડે, મયંક દત્તા, સીનિયર પાર્ટનર સંદીપ કપૂર, પ્રિન્સીપલ એસોસિએટ વીર સંધૂ અને એસોસિએટ ગુડિપતિ જી. કશ્યપ પટિયાલા કોર્ટમાં અકબરનો માનહાનિનો કેસ લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એમ જે અકબરે આફ્રિકાથી પાછા આવીને પ્રિયા રમાની પર ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અકબરે કહ્યુ હતુ કે મારા પર લગાવવામાં આવેલ દુર્વ્યવહારના બધા આરોપો ખોટા અને ઉપજાવી કાઢેલ છે જે દૂર્ભાવનાથી અને સાંભળેલી વાતોથી પ્રેરિત છે. હું પહેલા જવાબ ન આપી શક્યો કારણકે હું અધિકૃત પ્રવાસ પર વિદેશમાં હતો.

અકબર ધમકાવીને અને શોષણ કરીને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યા છે
વળી, પત્રકાર પ્રિયા રમાનીએ પોતાના પર દાખલ થયેલ માનહાનિના કેસ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘સત્ય અને પૂર્ણ સત્ય જ તેમની સામે એકમાત્ર ડિફેન્સ છે.' પોતાના નિવેદનમાં રમાનીએ કહ્યુ કે, ‘હું એ વાતથી ઘણી દુખી છુ કે કેન્દ્રીય મંત્રીએ ઘણી મહિલાઓ દ્વારા લગાવાયેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને ફગાવી દીધો. મારી સામે ગુનાહિત માનહાનિનો કેસ બનાવીને અકબરે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધુ છે. પોતાની સામે ઘણી મહિલાઓ દ્વારા લગાવાયેલા ગંભીર ગુનાઓ પર સ્પષ્ટતા આપવાના બદલે તે તેમને ધમકાવીને અને હેરાન કરીને ચૂપ કરાવવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે.'
આ પણ વાંચોઃ માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પૉલ એલનનું 65 વર્ષની વયે નિધન