
નવા રાજકીય સમીકરણો : રાષ્ટ્રીય પાર્ટીઓ પેટ અને માથા કૂટશે
લોકસભા ચૂંટણી 2014ની તૈયારીમાં અત્યારથી જ રાજકીય અને પ્રાદેશિક પક્ષો જોડાઇ ગયા છે. હવે વર્તમાન રાજકારણનું ચિત્ર 70 એમએમ સ્કીન પર જોઇએ તો લોકસભા ચૂંટણી 2014માં ત્રીજા મોરચાનો મમરો સૌપ્રથમ દ્રમુકે મૂક્યો છે. કરૂણાનીધિની પાર્ટી ડીએમકેએ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારનો સાથ છોડીને નવા રાજકીય સમીકરણના સંકેત આપ્યા છે. આ સંકેત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવે બળતામાં ધી હોમીને અન્ય પાર્ટીઓને પણ તે માટે આગળ આવવાનું જાણે જાહેર આમંત્રણ આપી દીધું છે. આ કારણે આગામી લોકસભા ચૂંટણીઓમાં યુપીએની આગેવાની કરતી કોંગ્રેસ અને એનડીએની આગેવાની કરતા ભાજપ માટે પેટ અને માથું બંને કૂટવાં પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસમાં ટોચના નેતાઓના ચયનમાં કોઇ જ મતાંતર નથી. પણ છતાં આ પક્ષ દરરોજ કોઇ નવી સમસ્યા સામે ઝઝુમી રહ્યો હોય છે. અત્યારે કોંગ્રેસ સામે સપા અને દ્રમુકે યુદ્ધ છેડી દીધું છે. આની અસર ચૂંટણી દરમિયાન જોવા મળશે.
જ્યારે ભાજપમાં ઉલટી સ્થિતિ છે. ભાજપમાં વરિષ્ઠ નેતૃત્વ અંગે ટાંટિયા ખેંચની સ્થિતિ છે. વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારીમાં નરેન્દ્ર મોદી અનેક ડગલાં આગળ વધી ગયા છે અને તે માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. છતાં ભાજપમાં આ મુદ્દે હજી પ્રશ્નાર્થ દૂર થયો નથી. જેમ ચૂંટણી નજીક આવશે તેમ પાર્ટીની અંદરના મતભેદ ભડકો બનીને બહાર આવશે.
ભાજપ પોતાના એનડીએના ઘટક પક્ષોને જ સાથે રાખવામાં નબળી પડી રહી છે. બિહારમાં તેની આ બાબતનો સામનો કરી રહી છે. માત્ર ગુજરાતની સીટોથી નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવું શક્ય નથી.
ઉત્તર પ્રદેશ પાસે દિલ્હીની ગાદીની ચાવી છે. અહીં સ્થિતિ સંભાળનારને માટે દિલ્હીનો રસ્તો સરળ બની જાય છે. વર્તમાનમાં ઉત્તરપ્રદેશની સપા સરકારની સ્થિતિ બદનામ છે. આ કારણે બસપાનો સાથે કોંગ્રેસ અને ભાજપમાંથી એકને લાભ કરાવી શકે છે. લોકસભા ચૂંટણીમાં બસપાની બેઠકોની સંખ્યા 22થી 27 થઇ શકે છે. જ્યારે કોંગ્રેસ 12-15 અને ભાજપ 18થી 20 બેઠકો મેળવી શકે છે. હજી ચૂંટણીઓને એક વર્ષ બાકી છે ત્યાં સુધીમાં ચિત્ર બદલાઇ શકે છે.