કર્ણાટકમાં રાજકીય કટોકટીની સ્થિતિ નથી : રાજનાથ સિંહ

સોમવારે સવારે અંદાજે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ રાજનાથ સિંહે જણાવ્યું કે કર્ણાટકની ભાજપ સરકાર પર કોઇ રાજકીય સંકટ નથી. વર્તમાન સરકાર તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરશે. શેટ્ટાર સાથેની મુલાકાત દરમિયાન રાજ્યમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને સંભાવનાઓ અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ સાથે શેટ્ટારી રાજનાથ સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મુલાકાત એવા સમયમાં થઇ છે કે જ્યારે પાછલા દિવસોમાં શેટ્ટારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ ભાજપના સિદ્ધાંતો સાથે કોઇ જ પ્રકારની બાંધ છોડ નહીં કરે, ભલે તેમની સરકારનું અસ્તિત્વ જોખમમાં મૂકાય. જો કે કર્ણાટક ભાજપે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે તેમની સરકાર રાજકીય સંકટમાંથી ઉગરી જશે.
કર્ણાટક જનતા પાર્ટીના પ્રમુખ બી એસ યેદુયીરપ્પાના વફાદાર 13 ધારાસભ્યોએ ગયા બુધવારે વિધાનસભા અધ્યક્ષ કે જી બોપૈયાની મુલાકાત લઇને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામા સોંપી દીધા હતા. જો કે બોપૈયા હાજર નહીં હોવાથી તેમણે રાજીનામા કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને સોંપ્યા હતા.
ત્યાર બાદ શેટ્ટારે ભાજપના 13 ધારાસભ્યોના રાજીનામા છતાં પોતાની સરકાર બહુમતમાં હોવાનો દાવો કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે તો તેનો સામનો કરવા માટે તેઓ તૈયાર છે. શેટ્ટારે યેદીયુરપ્પાને કટ્ટર સમર્થક એમ પી રેણુકાચાર્યની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી પાસે બહુમત છે. અમારી સરકારને કોઇ જોખમ નથી.












Click it and Unblock the Notifications
