ઠંડીના કારણે આસારામની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે: રાખી
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: દિલ્હી ગેંગરેપની હિચકારી ઘટના બાદ તેની પર વાંધાજનક ટિપ્પણી કરવાનો જાણે સિલસિલો ચાલુ થઇ ગયો છે. મૂળ મુદ્દાથી હટીને નેતાઓ, અભિનેતાઓ અહિં સુધી ધર્મગુરુઓ અને બાબાઓ પણ આ મુદ્દે પોતાના મગજની ઉપજને લોકો પર થોપવામાં લાગી ગયા છે. સોમવારે આસારામ બાપુએ બળાત્કારની ઘટનામાં યુવતીને પણ એટલી જ દોષી ઠેરવી જેટલા તેની પર બળાત્કાર કરનાર યુવકો છે. આસારામના આ વિવાદાસ્પટ ટિપ્પણીનો જવાબ આઇટમ ગર્લ રાખી સાવંતે વાળતા જણાવ્યું છે કે આસારામની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે, લાગે છે ઠંડીના કારણે તેમના દિમાગનો પારો નીચે પડી ગયો છે.
દિલ્હી ગેંગરેપની પીડિતાને ઘટના અંગે જવાબદાર ઠેરવનાર આસારામ બાપુને ખુદ રાખી સાવંત પણ માનતી હતી. પરંતુ તેમના તાજેતરના વિવાદાસ્પદ ટિપ્પણીથી રાખી સાવંત ખુબ જ ભડકી ગઇ છે. અને તેણે સીધા બાપુ પર પ્રહારો કરતા જણાવ્યું કે બાપુના આશ્રમમાં સૌથી વધારે મહિલાઓ રહે છે. શું બાપુ તેમને પણ આવી સલાહ આપશે?
રાખીએ જણાવ્યું કે સૌથી વધારે તકલીફ એ વાતની છે કે રેપ પીડિતા સાથે સહાનૂભુતિ દર્શાવવાને બદલે કોઇને કોઇ મોટો નેતા કે સાધુ અજીબ પ્રકારની ટિપ્પણીઓ આપી રહ્યા છે.
રાખીએ બાપુને એવો પ્રશ્ન કરતા જણાવ્યું કે જ્યારે તેમના આશ્રમમાંથી બાળકો સાથે કુકર્મની બાબત સામે આવી હતી ત્યારે કેમ તેમણે બે હાથે તાળી વાગે છે એવું ન્હોતું કહ્યું? રાખી દિલ્હી ગેંગરેપની ઘટનાથી એટલી દુ:ખી હતી કે તેણે 31 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થનારા તેના શોને કેન્સલ કરી દીધો હતો. રાખીએ જણાવ્યું કે હું એ ઘટના બાદ તે પીડિતા માટે પ્રાર્થના કરી ચૂકી છું અને આ લોકો આવા ગંદા નિવેદનો આપી રહ્યા છે.
રાખીએ દિલ્હી ગેંગરેપ બાદ આવેલી યુવતીઓના પહેરવેશ અંગેની ટિપ્પણી પર ઝાટકણી કાઢતા જણાવ્યું કે આવી ઘટનાઓ માટે યુવતીઓના કપડા નહી બલકે દારૂ જવાબદાર છે. સરકાર અને યુવતીઓને સીતા માતાની જેમ હદમાં રહેવાનું શીખવનાર લોકો દારુ પર પ્રતિબંધ કરવાની કેમ વાત નથી કરતા. રાખી કહે છે કે આ ઘટના દરમિયાન પણ બધા આરોપીઓએ દારૂનું સેવન કર્યું હતું, દારુનો નશો ઉતરતા જ તેમણે તેમના માટે ફાંસીની સજા માંગી લીધી.