ઓરિસ્સામાં વાવાઝોડા ફાલિનથી 26 લાખ વૃક્ષો નાશ પામ્યા
ભુવનેશ્વર, 20 ઓક્ટોબર : દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા અને એક અઠવાડિયા પહેલા ઓરિસ્સામાં ત્રાટકેલા ભયાનક વાવાઝોડા ફૈલિનને કારણે રાજ્યમાં અંદાજે 26 લાખ વૃક્ષોનો નાશ થયો હોવાનો અંદાજ રાજ્યના વન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.
આ વિનાશક અસર અંગે વાત કરતા ઓરિસ્સા વન વિભાગના એક સિનિયર ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાંથી મળેલા અહેવાલોના આધારે કહી શકાય કે આશરે 26 લાખ વૃક્ષ નાશ પામ્યા છે. આ આંકડો વધી શકે છે, કારણ કે અમુક વિસ્તારોમાંથી હજી અહેવાલ મળવાના બાકી છે.

અગાઉ એવો અંદાજ હતો કે વાવાઝોડાની સૌથી વધારે માઠી અસર પામેલા ગંજમ અને ગજપતિ જિલ્લાઓમાં જ 1 લાખ, 10,00૦ વૃક્ષનો નાશ થયો છે. જંગલ વિસ્તારોમાં પણ વ્યાપક નુકસાન થયું છે. સરકારને એવી સલાહ મળી છે કે તેણે ઝડપથી ઉગવા માંડે એવા ઝાડ રોપવાને બદલે કેરી, લીમડો અને વડના ઝાડ રોપવા જોઈએ જે તેજ હવા સામે બરાબર ટક્કર ઝીલી શકે છે.
વાવાઝોડા ફૈલીને ઓડિશામાં વૃક્ષોને કારણે જે લીલું આવરણ છવાયેલું રહેતું હતું તેને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. હવે તે હરિયાળીને પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે તાકીદે જરૂરી પગલાં લેવાની ફરજ પડી છે. આ માટે ઓરિસ્સા સરકારે શું પગલાં ભરવા તેનું આયોજન શરૂ કર્યું છે.












Click it and Unblock the Notifications
