વીજળી માટે પીક અવર્સ પાવર મીટરિંગ મૂકાશે : સિંધિયા
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારે વિજળી વિતરણ વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી લીધી છે. સામાન્ય ગ્રાહકો માટે હવે વિજળીના ભાવ 24 કલાક એક સરખા નહી રહે. વ્યસ્ત સમય (પીક અવર્સ)માં વિજળી મોંઘી બનશે અને બાકીના સમયમાં વિજળી સસ્તી મળશે. કેન્દ્ર સરકાર આ યોજના પર અમલ કરવા માટે 'પીક અવર્સ પોલીસી' તૈયાર કરી રહી છે.
કેન્દ્રીય વિદ્યુત રાજય મંત્રી (સ્વતંત્ર) પોતાના 300 દિવસના કામકાજનો રિપોર્ટ રજુ કરતા જયોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું છે કે સરકારનો પ્રયાસ છે કે તમામને વહેલામાં વહેલી જરૂરીયાત મુજબની વિજળી મળે. તેઓ કહે છે કે, પીક અવર્સ પોલીસીનો હેતુ ગ્રીડમાં દિવસભર વિજળીની એક સમાન માંગ કરવાનો છે. પીક અવર્સમાં ભાવ વધુ હોવાથી લોકો વિજળીનો ઉપયોગ સમજી વિચારીને કરશે. આનાથી ગ્રીડ ઉપર સવારે અને સાંજે વિજળીની બેફામ માંગ વધવાના પ્રેશરને હળવુ કરી શકાશે. હાલ દેશમાં વિજળીની સરેરાશ 4.5 ટકાની અછત છે.
હવે વિજળીના બીલની ચિંતા ગ્રાહકોને સતત થતી રહેશે કારણ કે, તમને વારંવાર ઓછો વપરાશ કરવાની ચેતવણી મળતી રહેશે. સરકાર વ્યસ્ત કલાકોમાં વિજળી ઓછી વાપરવા માટે મોબાઇલ ફોનના બીલની જેમ જ વિજળી બીલ જારી કરવાની યોજના બનાવી રહી છે. જે પ્રકારે મોબાઇલ બીલમાં તમે કોલની વિગતો મળી જાય છે તે જ પ્રકારે વિજળીના બીલમાં દર કલાકના ઉપયોગને અલગ અલગ દર્શાવાશે.
આ અંગે એક સંમેલનમાં સિંધીયાએ કહ્યુ હતું કે ગ્રાહકોને મોબાઇલ બીલની જેમ જ વિજળીના બીલો આપવામાં આવશે કે જેથી જાણી શકાય કે તેમણે કયા સમયે કેટલી વિજળીનો ઉપયોગ કરાયો. સાથોસાથ પીક અવર્સમાં સામાન્ય કલાકોની તુલનામાં વિજળીના દર વધુ રખાશે. આ પગલાથી વિજળી વપરાશ પારદર્શી બનશે, વળી ગ્રાહકોને આર્થિક લાભ પણ થશે. સરકાર ટુંક સમયમાં આ નિર્ણયનો અમલ કરશે.
તેમણે જણાવ્યું છે કે 2004માં સત્તા ઉપર આવ્યા બાદ યુપીએ સરકારે તમામ ઘરોમાં વિજળી ઉપલબ્ધ કરાવવા માટે પાવર ટુ ઓલનું વચન આપ્યુ હતુ તે પુરૂં થઇ શકયું નથી. આ માટે તેમણે રાજય સરકારોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ હતુ કે રાજયોએ વધુ વિજળી પેદા કરવી પડશે. કેન્દ્ર માત્ર મદદ કરશે. વિજળી વિતરણ નેટવર્કને મજબુત બનાવવા માટે રાજયોએ વધુ કામ કરવુ પડશે.
સિંધીયાએ જયારે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના એ રેટીંગ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો જેમાં નરેન્દ્ર મોદીના ગુજરાતની ત્રણેય વિતરણ કંપનીઓને ટોચનું સ્થાન મળ્યુ છે તો સિંધીયાએ કહ્યું હતું કે, મને ગુજરાતની વિજ વિતરણ કંપનીઓના કામકાજના વખાણ કરવાથી કોઇ વાંધો નથી. જો કે તેમણે મોદીના કામકાજ ઉપર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.