
PM મોદી કુમાર વિશ્વાસના અરવિંદ કેજરીવાલ પરના આરોપોની નિષ્પક્ષ તપાસ કરાવે-CM ચન્ની
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે જે રીતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા તેના કારણે રાજકારણ ગરમાયું છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુમાર વિશ્વાસના દાવાઓની તપાસ કરાવવાની અપીલ કરી છે. ચન્નીએ વડાપ્રધાનને કુમાર વિશ્વાસના કેજરીવાલ સામેના આરોપોની સ્વતંત્ર તપાસ કરાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે દાવો કર્યો છે કે કેજરીવાલે તેમને 2017માં કહ્યું હતું કે તેઓ પંજાબના મુખ્યમંત્રી બનવા માટે અલગતાવાદીઓનો ટેકો લેવા તૈયાર છે. એટલું જ નહીં, કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે કાં તો તેઓ પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા તો અલગ દેશ ખાલિસ્તાનના પહેલા વડાપ્રધાન બનશે.
કુમાર વિશ્વાસે કહ્યું કે, એક દિવસ કેજરીવાલે મને કહ્યું કે તેઓ કાં તો પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા અલગ દેશ ખાલિસ્તાનના પહેલા વડાપ્રધાન બનશે. જણાવી દઈએ કે ગુરુવારે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક પત્ર જારી કરીને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને બદનામ કરવા અને તેમની વિરુદ્ધ નફરત ફેલાવવા માટે મીડિયા હાઉસ, રાજકીય પક્ષો અને તેમના પ્રતિનિધિ કુમાર વિશ્વાસના ઈન્ટરવ્યુને દુર્ભાવનાપૂર્ણ રીતે વિકૃત કરવામાં આવ્યો છે. જોકે બાદમાં ચૂંટણી પંચે આ પત્ર પાછો ખેંચી લીધો હતો.
કુમાર વિશ્વાસના નિવેદન બાદ ચન્નીએ વડાપ્રધાન મોદીને સમગ્ર મામલાની તપાસના આદેશ આપવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે પંજાબે અલગતાવાદની કિંમત ચૂકવી છે. પંજાબના મુખ્ય પ્રધાન તરીકે હું વડા પ્રધાનને નિષ્પક્ષ તપાસનો આદેશ આપવા અપીલ કરું છું. રાજકારણ ઉપરાંત વડાપ્રધાને પંજાબના દરેક વ્યક્તિની ચિંતાઓને દૂર કરવી જોઈએ. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સરકાર ન બનાવે તે માટે તમામ પક્ષો એક થઈ ગયા છે. આ ષડયંત્ર હેઠળ કોંગ્રેસ, ભાજપ, અકાલી નેતાઓ અરવિંદ કેજરીવાલને બદનામ કરવા માટે સતત ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.