
પ્રધાનમંત્રી મોદી આજે કેદારનાથ-બદ્રીનાથ ધામમાં,9.7 કિમી લાંબા રોપવેને કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવાર, 21 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા છે. અહીં તેઓ ગૌરીકુંડથી કેદારનાથ અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબને જોડતી બે નવી રોપવે નવી પરિયોજનાઓ સહિત 3400 કરોડ રુપિયાથી વધુની કનેક્ટિવિટી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીની મુલાકાતને લઈને કેદારનાથ-બદ્રીનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સુરક્ષાકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
PMOએ જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબર, 2022ના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેશે. PM મોદી લગભગ 8:30 વાગે કેદારનાથ પહોંચશે અને કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 9 વાગે વડાપ્રધાન મોદી કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પછી તેઓ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળ જશે. સવારે લગભગ 9:25 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદાકિની અસ્થાપથ અને સરસ્વતી આસ્થાપથ ખાતે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
ત્યારબાદ પીએમ મોદી બદ્રીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. સાથે જ પીએમ મોદી નદીના કિનારે કેવી રીતે વિકાસ કાર્ય થઈ રહ્યુ છે તેનુ નિરીક્ષણ કરશે. આ પછી પીએમ મોદી માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન શુક્રવારે બદ્રીનાથમાં રાત્રિ રોકાણ કરશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ કે કેદારનાથ-બદ્રીનાથની વડાપ્રધાનની આ મુલાકાત ઉત્તરાખંડના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યુ કે આ સ્થાનો પર શરૂ થઈ રહેલા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ધાર્મિક મહત્વના સ્થળો સુધી પહોંચવામાં સરળતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની વડા પ્રધાનની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
પીએમઓ દ્વારા જણાવ્યા મુજબ કેદારનાથ ખાતેનો રોપવે લગભગ 9.7 કિમી લાંબો હશે અને ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. બંને સ્થળો વચ્ચેનો પ્રવાસ સમય હાલના 6-7 કલાકથી ઘટાડીને લગભગ 30 મિનિટ થઈ જશે. હેમકુંડ રોપવે ગોવિંદઘાટને હેમકુંડ સાહેબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિમી લાંબો હશે અને મુસાફરીનો સમય એક દિવસથી ઘટાડીને માત્ર 45 મિનિટ કરી દેશે. આ રોપવે ખંગારિયાને પણ જોડશે જે વેલી ઑફ ફ્લાવર્સ નેશનલ પાર્કનુ પ્રવેશદ્વાર છે.