• search

લોકસભા ચૂંટણીઃ આ બેઠકોના પરિણામ પર રહેશે બધાની નજર

લોકસભા ચૂંટણી 2014ને હવે ગણ્યાં ગાઠ્યાં દિવસો જ બાકી છે. આગામી 7 એપ્રિલથી દેશભરમાં જાણે કે એક ઉત્સવ આવ્યો હોય તેવો માહોલ જોવા મળશે. સાત એપ્રિલથી દેશભરમાં મતદાનનો માહોલ જોવા મળશે, જે 12 મે સુધી ચાલશે અને 16મી મેના રોજ દેશ અને વિશ્વ જાણી લેશે કે ભારતની વડાપ્રધાન પદે કોણ બીરાજશે. દેશનું સુકાન સંભાળવવા માટે પાર્ટીઓ દ્વારા મથામણ ચાલું થઇ ગઇ છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ તરીકે સામે આવી છે, તો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયેલા દેશ માટે આશાનું કિરણ બનીને ભારતીય જનતા પાર્ટી ઉભરી રહી છે.

વિવિધ ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કોંગ્રેસનું આ વખતે સત્તામાં આવવું કઠીણ લાગે છે, પરંતુ તેમ છતાં તેને હળવામાં આંકી શકાય તેમ નથી. ચૂંટણીને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોત-પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકો પર પોતાના નવા ચહેરા ઉતાર્યા છે, તો કેટલીક બેઠક પર ગ્લેમરનો તડકો પણ લગાવ્યો છે. જેમાં ભાજપ તરફથી આ વખતે અરૂણ જેટલીને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો મથુરામાંથી હેમા માલિનીને અને ચંદીગઢથી કિરણ ખેરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જ્યારથી મોદીનું નામ વારાણસી બેઠક પરથી જાહેર થયું છે, ત્યારથી એ બેઠક ચર્ચામાં આવતી રહી છે. તો અમેઠીની બેઠક પણ એવી છે કે જેના પર માત્ર દેશની જનતાની જ નહીં પરંતુ રાજકીય પંડિતોની નજર પણ રહશે. આજે અમે અહીં એવી જ કેટલીક બેઠક અંગે આછેરી ઝલક આપી રહ્યાં છીએ, જેના પર દેશની જનતા અને રાજકીય પંડીતોની નજર રહેશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ બેઠકો અંગે.

વારાણસી

વારાણસી

ઉત્તર પ્રદેશની આ બેઠક પરથી ભાજપ દ્વારા પોતાના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના સ્થાને પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં મોદીની લહેર જોવા મળી રહી છે અને એ જોતા આ બેઠક પરથી મોદીની ઉમેદવારીથી ઉત્તર પ્રદેશના એક ચોક્કસ ભાગમાં તેમની અસર જોવા મળી શકે છે, બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડાક સમયથી નરેન્દ્ર મોદીની ખુલીને વિરોધ કરી રહ્યાં છે અને એ જ શ્રેણીમાં તેઓ પણ વારાણસીથી મોદી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે. ત્યારે ચોક્કસપણે આ બેઠક પર સૌથી વધારે નજર રહેશે.

આઝમગઢ અને મૈનપુરી

આઝમગઢ અને મૈનપુરી

દેશમાં જે રીતે મોદીની લહેર જોવા મળી રહી છે, તેને જોતા સમાજવાદી પાર્ટીના નેતા અને પીએમ બનવાનું સ્વપ્ન સેવતા મુલાયમસિંહ યાદવ પણ મોદીની જેમ બે બેઠકો પરથી ચૂંટણી લડવાના છે, પહેલા તેઓ પોતાની આઝમગઢની બેઠક પરથી જ ચૂંટણી લડવાના હતા, પરંતુ બાદમાં તેમણે મોદીની લહેર જોઇ અને તેમને કદાચ એવો અંદેશો આવી ગયો હશે કે મોદીની જે આંધી છે તેમાં આઝમગઢની બેઠક તણાઇ શકે છે, તેથી તેમણે અન્ય એક સુરક્ષિત બેઠક મૈનપુરીને પણ પસંદ કરી છે અને ત્યાંથી પણ ચૂંટણી લડવાના છે.

અમેઠી

અમેઠી

એક તરફ કોંગ્રેસ પર ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર અને મોંઘવારીને લઇને સતત ઘેરવામાં આવી રહી છે. તેમાં પણ કોંગ્રેસના યુવરાજ કેહવાતા રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા સામે પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ સીધું જ ચૂંટણી યુદ્ધ રાહુલ ગાંધી સામે પણ શરૂ કરી દીધું હોય તેમ પોતાના તેજ તર્રાર નેતા કુમાર વિશ્વાસને અમેઠીમાં રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતાર્યા છે. કહેવાય છે કે છેલ્લા બે મહિનાથી કુમાર વિશ્વાસ અમેઠીમાં પોતાનો પ્રચાર કરી રહ્યાં છે અને પોતાની તરફેણમાં માહોલ બનાવી રહ્યાં છે. આ બેઠક પર પણ બધાની નજર રહેશે.

બેંગ્લોર સાઉથ

બેંગ્લોર સાઉથ

બેંગ્લોર સાઉથ બેઠક પર એટલા માટે નજર રહેશે કે આ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા પોતાના નવનિયુક્ત નેતા અને ભારતીય આઇટી જાયન્ટ ઇન્ફોસિસના કો ફાઉન્ડર નંદન નિલકેણીને મેદાન પર ઉતારવામાં આવ્યા છે. તેમની સામે ભાજપના પાંચ વખત સાંસદ રહી ચૂકેલા અનંથ કુમાર છે. આ બેઠક પર પણ બધાની નજર રહેશે.

પાટલીપુત્ર

પાટલીપુત્ર

પાટલીપુત્ર બેઠક પર એટલા માટે બધાની નજર રહેશે, કારણ કે આ બેઠક પર આરજેડીના બે નેતાઓ સામસામે હશે. એક તરફ આરજેડીના મુખિયા લાલુ પ્રસાદ યાદવના પુત્રી મિસા ભારતી અને બીજી તરફ પૂર્વ વરિષ્ઠ આરજેડી નેતા કે જેઓ ભાજપમાં જોડાયા છે, એ રામ ક્રિપાલ યાદવ છે. આ બેઠક પર રામ ક્રિપાલ યાદવનું વર્ચસ્વ વધારે છે, તેમ છતાં આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. ખાસ કરીને ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ પ્રત્યારોપનો દોર આ બેઠક પર વિશેષ જોવા મળશે.

ચંદીગઢ

ચંદીગઢ

ચંદીગઢની બેઠક એટલા માટે ચર્ચામાં આવી અને રાજકીય પંડિતોની એટલા માટે પણ નજર રહેશે, કારણ કે આ બેઠક પર કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રિય મંત્રી પીકે બન્સલને ટીકીટ આપવામાં આવી છે, તેમની સામે આમ આદમી પાર્ટી દ્વારા બૉલીવુડ અભિનેત્રી ગુલ પનાગને ટીકીટ આપવામાં આવી છે, જો કે તેમના ગ્લેમરની અસર બેઠક પર ઓછી જોવા મળી રહી છે, બીજી તરફ ભાજપે બૉલીવુડ અભિનેત્રી કિરણ ખેરને ટીકીટ આપી છે, જેનો સ્થાનિક ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ આ વખતે હાઇ પ્રોફાઇલ દિગ્ગજોનો સાક્ષી બનશે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાના ત્રણ એવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જે પોતાના ક્ષેત્રના લોકો સાથે રાજકીય રીતે જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ જોડાયેલા છે. નામ છે, વીકે સિંહ, શાજિયા ઇલ્મી અને રાજ બબ્બર. તેથી આ બેઠક પર પણ બધાની નજર રહેશે.

ચાંદની ચોક

ચાંદની ચોક

દિલ્હીની ચાંદની ચોક બેઠક ખાસી ચર્ચામાં છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી કપિલ સિબલને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે આમ આદમી પાર્ટીએ પૂર્વ પત્રકાર આશુતોષને તો ભાજપે પોતાના સ્વચ્છ ચહેરા ડો. હર્ષવર્ધનને મેદાનમાં ઉતાર્યા છે. અહી પણ ખરાખરીનો જંગ જોવા મળશે.

દાર્જલિંગ

દાર્જલિંગ

તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધું બેઠકો હાંસલ કરવાના હેતુસર આ વખતે સેલિબ્રિટીઓને પણ મેદાનમાં ઉતારી છે. જેના ભાગરૂપે દાર્જલિંગથી ફૂટબોલ ખેલાડી બાઇચંગ ભૂટિયાને ટીએમસી દ્વારા ટીકીટ આપવામાં આવી છે. જેની સામે ભાજપે એસએસ આહુવાલિયાને મેદાન પર ઉતાર્યા છે. જો કે, ગુરખા જનમુક્તિ મોરચા દ્વારા બાઇચંગ ભૂટિયાનો વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે આહુવાલિયાને સમર્થન કરી રહ્યાં છીએ.

નાગપુર

નાગપુર

નાગપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના તીખા પ્રચારક અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીને ઉભા રાખવામાં આવ્યા છે, જેની સામે આમ આદમી પાર્ટી દ્વારા અંજલી દમાનિયાને ટીકીટ આપવામાં આવી છે, નોંધનીય છે કે અંજલી દમાનિયા દ્વારા મહારાષ્ટ્રમાં થયેલા ઇરિગેશન કૌભાંડમાં શરદ પવાર ઉપરાંત નીતિન ગડકરી સામે પણ આરોપો લગાવ્યા હતા.

અમૃતસર

અમૃતસર

અમૃતસર બેઠક પર એટલા માટે બધાની નજર રહેશે, કારણ કે બેઠક પર ભાજપે પોતાના એ ઉમેદવાર ઉતાર્યા છે કે જેઓ પોતાની રાજકીય કારકિર્દીમાં ક્યારેય સીધી ચૂંટણી લડ્યા નથી. જીહાં અરૂણ જેટલીને ભાજપે આ વખતે મેદાનમાં ઉતાર્યા છે, તેઓને નવજોત સિંહ સિદ્ધુને હટાવીને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.

English summary
political eyes on this Key constituencies in Lok Sabha elections 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more