
ચૂંટણી પંચ પર તમામ આરોપ વચ્ચે ભારત રત્ન પ્રણવ મુખર્જીએ કરી પ્રશંસા
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ વિપક્ષા દળો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા વિપક્ષી દળોએ ચૂંટણી પંચ પર ચૂંટણી દરમિયાન ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનને ઘેરીને તેમની વિશ્વસનીયતા પર જોરદાર હુમલા કર્યા હતા. પરંતુ આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચની પ્રશંસા કરી છે. મુખર્જીએ ચૂંટણી પંચની પ્રશંસા કરીને કહ્યુ કે ચૂંટણી પંચે ઘણી સફળતાપૂર્વક ચૂંટણી પૂર્ણ કરાવી છે.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાય મીમ મામલે વિવેક ઓબેરૉયે કહ્યુ, 'કંઈ પણ ખોટુ નથી કર્યુ'

આપણી સંસ્થાઓ સારુ કામ કરી રહી છે
પ્રણવ મુખર્જીએ કહ્યુ કે જો આપણે આપણી સંસ્થાઓને મજબૂત રાખવી હોય તો આપણે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે આપણી સંસ્થાઓ સારુ કામ કરી રહી છે અને દેશની સેવા કરી રહી છે. જો લોકતંત્ર સફળ થાય તો આનુ મોટુ કારણ છે મોટા સ્તરે ચૂંટણી પંચ દ્વારા સફળ ચૂંટણી પૂર્ણ કરાવવી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ કે સૂર્ય કુમાર સેનથી લઈને અત્યાર સુધી ચૂંટણી પંચે સફળ ચૂંટણી કરાવી છે. બધાને સંસદ એક્ઝીક્યુટીવ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે અને બધા પોતાનુ કામ સારુ કરી રહ્યા છે. તમે એની ટીકા ન કરી શકો. ચૂંટણીનું ઘણી સફળતાપૂર્વક આયોજન કરાવવામાં આવ્યુ. પૂર્વ રાષ્ટ્રપતિએ આ નિવેદન એક પુસ્તકના વિમોચન દરમિયાન આપ્યુ. તેમણે કહ્યુ કે સંસ્થાઓ યોગ્ય છે, આ સંસ્થાઓ ઘણા વર્ષોમાં ઉભી થઈ છે. મારુ માનવુ છે કે અનાડી જ ઓજાર સાથે લડાઈ કરે છે. એક સારો કામદાર જાણે છે કે તેણે કેવી રીતે પોતાના ઓજારોને યોગ્ય ઉપયોગ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જી કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અને ઘણા મોટા મંત્રાલય સંભાળી ચૂક્યા છે. જે રીતે પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચની પ્રશંસા કરી છે તે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે.

વિપક્ષ ચૂંટણી પંચ પર હુમલાવર
તમને જણાવી દઈએ કે એક્ઝીટ પોલના પરિણામો આવ્યા બાદથી જ તમામ વિપક્ષી દળ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને ઈવીએમ માટે પોતાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તે સ્ટ્રોંગ રૂમમાં અડગ રહે અને નકલી એક્ઝીટ પોલના આંકડાઓ પર ભરોસો ના કરે. વળી, આજે ઈવીએમની ફરિયાદ વિશે તમામ વિપક્ષી દળો ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે કુલ 21 વિપક્ષી દળો આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે.

23મેએ પરિણામ
તમને જણાવી દઈએ કે દેશમાં 17મી લોકસભા માટે થયેલ સામાન્ય ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થયુ છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થયુ, બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 સીટો પર, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 રાજ્યોની 115 સીટો પર, ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 સીટો પર, પાંચમાં તબક્કામાં 6 મેના રોજ 7 રાજ્યોની 51 સીટો પર, છઠ્ઠા તબક્કામાં 12મેએ 7 રાજ્યોની 59 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. વળી, સાતમાં અને અંતિમ તબક્કામાં 19મેએ 59 સીટો પર મતદાન થયુ. પરિણામો 23મેએ જાહેર કરવામાં આવશે.