જમ્મુ કાશ્મીરમાં 6 વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, ઓમર અબ્દુલ્લાનો માર્ગ મોકળો
Omar Abdullah: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, છ વર્ષના લાંબા સમયગાળા બાદ જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું છે. જે કારણે રાજ્યમાં નવી સરકાર બનાવાનો માર્ગ મોકળો થયો છે.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને તાજેતરમાં યોજાયેલી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. આ સાથે જમ્મુ કાશ્મીરમાં હવે ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી નેશનલ કોન્ફરન્સ લેજિસ્લેચર પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેનાથી તેમના માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાનો આ બીજો કાર્યકાળ હશે, આ પહેલા તેઓ 2009 થી 2014 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે રાજ્ય NC-કોંગ્રેસ ગઠબંધન હેઠળ હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારના રોજ એક આદેશ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન ખતમ કરવાની જાહેરાત કરી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, PDP-BJP ગઠબંધન તૂટ્યા બાદ 19 જૂન, 2018ના રોજ આ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
2019 માં કેન્દ્ર સરકાર દ્વારા બંધારણની કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો હતો. જે બાદ આ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું છે કે, નવી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાનો રહેશે.
ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું છે કે, અમારી પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરને એક કરવાની અને ચૂંટણી દરમિયાન ફેલાયેલી નફરતને ખતમ કરવાની રહેશે.
રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થવો જોઈએ, જેથી કરીને રાજ્ય સરળતાથી કામ કરી શકે અને સરકાર પોતાની ફરજો નિભાવી શકીએ.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં નેશનલ કોન્ફરન્સે 42 સીટો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસ પાસે કાશ્મીરમાંથી પાંચ અને જમ્મુમાંથી એક બેઠક છે.
ઉલ્લેખનીય છે કે, બંને પક્ષોએ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું હતું અને તેને ચાર અપક્ષ ધારાસભ્યો અને આમ આદમી પાર્ટી (AAP) ના એક ધારાસભ્યનું સમર્થન પણ મળ્યું છે.
આ સિવાય જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 29 બેઠકો જીતીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.












Click it and Unblock the Notifications
